Gujarati News

Gujarati News

News of Friday, 21st June 2019

કચ્છ ને રાપરમાં મોરની હત્યામાં સંડોવાયેલ મહિલાની ધરપકડ- વન વિભાગે કરી કાર્યવાહી

ભુજ  : રાપર તાલુકા ના ગેડી ગામે મોર ની હત્યા કરવા નો બનાવ બન્યો હતો. રાષ્ટ્રીય પક્ષી મોરની હત્યાના બનાવે ચકચાર સર્જતાં કચ્છના ના મુખ્ય વન સંરક્ષક એ. સી. પટેલ અને પૂર્વ કચ્છ ના ડીએફઓ પી. એ. વિહોલના માર્ગદર્શન હેઠળ ખાસ ટીમ બનાવીને મોરના હત્યારાઓને શોધવા સઘન અભિયાન હાથ ધરાયુ હતું. 

આ ટીમમાં રાપરના દક્ષિણ રેન્જના આરએફઓ મહેશ્વરી, વનપાલ ભરતસિંહ વાધેલા,  કે. પી. સોલંકી, કાનાભાઈ આહિર, એ. જી. નાદોડા, આશાબેન પટેલ, હેતલ જમોડ, દિનેશ ચૌહાણ હરિભાઈ વાળંદ વિગેરેએ મોર નો શિકાર કરનાર શકમંદને શોધવા સતત દોડધામ કરી હતી. તપાસને અંતે મોરની હત્યા કરવામાં એક મહિલાની સંડોવણી હોવાનું ખુલ્યું હતું, 

જેને પગલે મોરની હત્યા સબબ રાજીબેન રાયધણ પારકરા કોલી ને પકડી પાડી હતી. વન વિભાગની ટીમ જ્યારે આ મહિલાને પકડવા તેની પાસે પહોંચી ત્યારે આ મહિલાએ રાપર આણંદ બસ દ્વારા ગેડી પાટીયા પરથી બસ મારફતે ભુરાવાંઢ ગામે નાસી જવાની પૂરતી તૈયારીઓ કરી લીધી હતી. 

   જોકે, વનવિભાગની ટીમને જોયા બાદ રાજીબેન કોલી બસમાંથી આડેસર ઉતરીને રણ માર્ગે નાસી રહી હતી. ત્યારે, વન વિભાગ ની ટીમોએ રણ વિસ્તારમાં થી બે કીલો મીટર સુધી પીછો કરીને આ મહિલાને પકડી પાડી હતી. વનવિભાગે મહિલા રાજીબેનની સામે મોર ની હત્યા સહિત ની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. રાપર તાલુકામાં આથી અગાઉ માંજુવાસ.. ગાગોદર.. લખાગઢ ખાતે મોર ની હત્યા ના બનાવ બન્યા હતા જેમાં  સંડોવાયેલા આરોપીઓની પણ ધરપકડ થઈ ચૂકી છે

. વનવિભાગ દ્વારા મોરની  હત્યાનું કારણ જાણવા રાજીબેન કોલીની પૂછપરછ સાથે મોરની હત્યાના બનાવમાં કોઈ અન્ય લોકો સંડોવાયેલા છે કે કેમ? આરોપી મહિલા રાજીબેન આથી આગાઉ આવા બીજા કોઈ મામલામાં સંડોવાયેલ છે કે કેમ? એ અંગે સયુંકત રીતે પૂછપરછ હાથ ધરાઈ છે.

(4:42 pm IST)