Gujarati News

Gujarati News

News of Friday, 21st June 2019

ખત્રીવાડ જામનગરના ઉતારામાં જૂના ભાડૂઆત અને મકાન માલિક વચ્ચે ધમાલઃ ૧૪ સામે ગુનો

ધોકા-ઢીકાપાટુનો મારઃ એકબીજા પર પથ્થરમારો, ઇંટના ઘાઃ પતાવી દેવાની ધમકીઓ : કોર્ટનો સ્ટે હોઇ ભાડૂઆત હંસાબેન હરકિશન મણિયારે ચણતર કામ અટકાવતાં વાત વણસીઃ સામે મકાન માલિક હિરેન હાપલીયાએ કોર્ટનો હુકમ હોવાનું કહ્યું: બંને જૂથના સાત-સાત લોકો સામે ફરિયાદ દાખલ થઇ

રાજકોટ તા. ૨૧: ખત્રીવાડમાં જામનગરના ઉતારા પાસે કબીર શેરીમાં રહેતાં વર્ષો જુના ભાડૂઆત વણિક પરિવાર અને મકાન માલિક પટેલ યુવાન વચ્ચે નવા મકાનના ચણતર અને રસ્તાના કામ બાબતે માથાકુટ થતાં એક બીજા પર ટોળકી રચી હુમલા કરવામાં આવતાં અને પથ્થરમારો, ઇંટના ઘા કરી મારામારી કરી જાનથી મારી નાંખવાની ધમકી અપાતાં એ-ડિવીઝન પોલીસે વણિક વૃધ્ધા અને પટેલ યુવાનની ફરિયાદ પરથી બંને પક્ષના મળી ૧૪ લોકો સામે ગુના દાખલ કર્યા છે.

જામનગરના ઉતારામાં બ્લોક નં. ૪૧-૪૨ તથા ખત્રીવાડ કબીર શેરીમાં રહેતાં હંસાબેન હરકિશનભાઇ મણિયાર (ઉ.૬૦) નામના વણિક વૃધ્ધા પોતાના પર હુમલો થયાની ફરિયાદ સાથે સિવિલ હોસ્પિટલમાં દાખલ થયા હતાં. પોલીસે તેમની ફરિયાદ પરથી હર્ષવર્ધન, મયુર વ્યાસ, હિરેન પટેલ, હિમત તળપદા, રાજુ તળપદા, રજનીભાઇ અને હિતેષ પારેખ સામે ગુનો નોંધ્યો છે.

હંસાબેન મણિયારે જણાવ્યું હતું કે હું પરિવારજનો સાથે રહુ છું અને પતિને ઝેરોક્ષની દુકાન છે. મારે સંતાનમાં એક પુત્રી યામીની (ઉ.૧૯)  છે જે બહેરી મુંગી છે. તેમજ એક દિકરો આનંદ (ઉ.૧૭) છે. આ બંને કોલેજમાં અભ્યાસ કરે છે. સાંજે સાડા ચારેક વાગ્યે હું, મારા પતિ અને સંતાનો ઘરે હતાં ત્યારે બાજુમાં મથુર વ્યાસ તેના નવા બનતા મકાને જેસીબી લઇને આવ્યા હતાં. અમારે તથા મયુરને મકાન બાબતે વિવાદ ચાલે છે. અમે વોર્ષ જુના ભાડૂઆત છીએ. અમારે કોર્ટનો સ્ટે પણ છે. જેથી અમે જેસીબી વાળાને જે કામ કરતાં હોઇ તેને ના પાડી હતી. મારી સાથે દિકરી યામીની પણ હતી. મારા પતિએ કન્ટ્રોલ રૂમમાં ફોન કરતાં પોલીસ આવી હતી. અમે કોર્ટનો સ્ટે બતાવ્યો હતો. પોલીસે ફરિયાદ કરવી હોય તો પોલીસ સ્ટેશને આવવા કહ્યું હતું.

એ પછી સામાવાળા જે વિવાદીત જગ્યામાં કામ ચાલુ ન કરી દે તે માટે અમે પોલીસ સ્ટેશને ગયા નહોતાં. એ પછી મારા પતિ હરકિશનભાઇ આવી ગયા હતાં. ત્યારે મયુર વ્યાસે ઝઘડો ચાલુ કર્યો હતો. મારી દિકરીને પણ જેમતેમ બોલવા માંડેલ. એ પછી હર્ષવર્ધન, હિરેન પટેલ સહિતનાએ મારા પતિને અને મને ધમકાવ હતાં. હર્ષવર્ધને તમે અમારું કામ કેમ બંધ કરાવો છો? કહી મને ડાબા ગોઠણે ધોકો મારી લીધો હતો. મારી દિકરીને પણ ઢીકા-પાટુ માર્યા હતાં. પતિ વચ્ચે પડતાં તેને પણ મારકુટ કરી લીધી હતી.

હર્ષવર્ધન, ીહરેન, મયુર સહિતનાએ ધમાલ મચાવતાં દેકારો થતાં પડોશીઓ આવી ગયા હતાં અને મારો દિકરો પણ આવી ગયો હતો. ત્યાં હિમત તળપદાએ તેના ભાઇ રાજુ, રજની, હિતેષ સતિને બોલાવી લીધા હતાં. બાદમાં બધાએ મળી મારા પતિને મારકુટ કરી હતી. હિતેષ અને રજીને ઇંટ-પથ્થરના ઘા કર્યા હતાં. હિમતે મારા પતિને તને તો જીવતો છોડવો નથી કહી બૂમબરાડા કર્યા હતાં અને ધમકી આપી હતી. અમારા ઘરના સભ્યોએ કોઇ મારામારી કરી નહોતી. અમે હર્ષવર્ધન અને હિરેનને મકાનનું કામ કરવાની ના પાડવા જતાં હુમલો કરી ધમકી અપાઇ હતી. તેમ વધુમાં હંસાબેને ફરિયાદમાં જણાવ્યું છે.

સામા પક્ષે મુળ ગુંદાળાના હિરેન બિપીનભાઇ હાપલીયા (ઉ.૩૬) નામના પટેલ યુવાનની ફરિયાદ પરથી પોલીસે હરકિશન મણિયાર, હંસાબેન મણિયાર, તેની દિકરી, દિકરો, યોગેશભાઇ જોષી, સુરેશભાઇ જોષી અને યોગેશભાઇના દિકરા સામે ગુનો નોંધ્યો છે.

હિરેન પટેલે ફરિયાદમાં જણાવ્યું છે કે હું કન્ટ્રકશનનું કામ કરુ છું અને મારું મકાન જામનગરના ઉતારામાં કબીર શેરીમાં છે. તેનું બાંધકામ ચાલુ છે. ગઇકાલે હું, મારા મિત્ર મયુરભાઇ, હર્ષવર્ધનભાઇ જામનગરના ઉતારે આવ્યા હતાં ત્યારે મયુરભાઇ જેસીબી લઇને કામ કરાવતા હતાં. આ વખતે અમારા જુના ભાડુઆત હરકિશનભાઇના પત્નિ હંસાબેને જેસીબીનું કામ અટકાવતાં હું તથા હર્ષવર્ધનભાઇ કહેવા જતાં હંસાબેને ઉશ્કેરાઇ જઇ પોલીસ બોલાવી લીધી હતી.

અમારી પાસે કોર્ટનો હુકમ હોઇ તે અમે પોલીસને બતાવતાં પોલીસે બંને જણાને સાંભળ્યા હતાં અને ફરિયાદ કરવી હોય તો પોલીસ સ્ટેશને આવવાનું કહ્યું હતું. એ પછી હંસાબેન અને તેની બહેરી મુંગી દિકરીએ અમારું કામ અટકાવ્યું હતું. બંનેએ ઝઘડો શરૂ કર્યો હતો. ત્યાં હરકિશનભાઇ ધોકો લઇને આવ્યા હતાં અને મને એક ઘા કરી દીધો હતો. દેકારો થતાં અમારે ત્યાં કામ કરતાં હેમતભાઇ, રાજુભાઇ, રજનીભાઇ સહિતના આવી ગયા હતાં. આ ઝઘડામાં યોગેશ જોષી, સુરેશ જોષી પણ આવ્યા હતાં અને અમારા ઉપર પથ્થરમારો કર્યો હતો. હરકિશનભાઇના દિકરાએ આવીને પણ પથ્થરમારો કર્યો હતો. યોગેશ જોષીના દિકરાએ ાગળો દઇ ઢીકા-પાટુ મારી હવે તને પુરો કરવો છે, જીવતો છોડવો નથી. તેમ કહી ધમકી આપી હતી.

પી.આઇ. એન. કે. જાડેજાની રાહબરીમાં એએસઆઇ આર.આર. સોલંકીએ બંને પક્ષની ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.

(3:17 pm IST)