Gujarati News

Gujarati News

News of Friday, 21st June 2019

જસદણના પ્રતાપપુર ગામે અકસ્માતે કુવામાં પડી જતા પૂર્વ સરપંચ મુળજીભાઇનું મોત

રોઝડાને કાઢવા જતા અકસ્માતે કુવામાં પડી ગયાઃ પાંચ સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવતા પટેલ પરિવારમાં અરેરાટી

તસ્વીરમાં સરપંચ મૃતદેહને કુવામાં બહાર કઢાયો હતો તે નજરે પડે છે. (તસ્વીરઃ ધમે૪શ કલ્યાણી જસદણ)

જસદણ તા.૨૧: જસદણ તાલુકાના પ્રતાપપુર ગામે અકસ્માતે કુવામાં પડી જતા પ્રતાપપુરના પૂર્વ સરપંચ મૂળજીભાઇ પટેલનું કરૂણ મોત થયું હતું.

મળતી વિગતો મુજબ જસદણ તાલુકાના પ્રતાપપુર (નવા ગામ)માં રહેતા પટેલ મૂળજીભાઇ કનુભાઇ પારખીયા (ઉમર વર્ષ ૫૭) ગઇકાલે રાત્રે ઘરેથી જમીને પ્રતાપપુર ગામે ડુંગરવાળા રોડે આવેલી તેમની વાડીએ ગયા હતા. તેમની વાડીની બાજુમાં જ તેમના ભાઇની વાડી આવેલી હોઇ તેમના ભાઇએ આજે સવારે મૂળજીભાઇનું મોટરસાયકલ તેમની વાડીએ જ પડેલું જોયું અને મૂળજીભાઇ કયાંય જોવા ન મળતા તપાસ કરી હતી. વાડિએ અને આસપાસમાં શોધખોળને અંતે વાડીમાં જ કુવામાંથી મૂળજીભાઇનો મૃતદેહ મળ્યો હતો ત્યારબાદ ખાટલામાં દોરડા બાંધીને લોકોએ તેમના મૃતદેહને બહાર કાઢ્યો હતો અને જસદણ સરકારી હોસ્પિટલ ખાતે તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો  હતો.

હોસ્પિટલે ભીખાભાઇ રોકડ, ધીરૂભાઇ મોહનભાઇ છાયાણી, રમેશભાઇ સાકરીયા સહિતના આગેવાનો દોડી ગયા હતા. આટકોટ પોલીસે એડી દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. મૃત્યુ પામનાર મુળજીભાઇ પારખિયા પ્રતાપપુર ગામના સરપંચ રહી ચૂકયા છે. તેમને સંતાનમાં બે પુત્ર અને ત્રણ પુત્રીઓ છે. ખેતરમાં મગફળી વાવી હોય રોજડાના ત્રાસને કારણે રોજડાને કાઢવા જતા તેમની પાછળ દોડતા અકસ્માતે કુવામાં પડી ગયા હોવાનું પ્રાથમિક અનુમાન છે. આ બનાવને પગલે નાનકડા પ્રતાપપુર ગામમાં અરેરાટી ફેલાઇ છે.

(11:42 am IST)