Gujarati News

Gujarati News

News of Thursday, 21st June 2018

મહિલાઓ શિક્ષિત બની પોતાના અધિકાર માટે જાગૃત બનેઃ લીલાબેન અંકોલીયા

દુર્ગા નહિ પણ સરસ્વતી બની સામાજિક દુષણો દુર કરવા મહિલા આયોગના સભ્ય સુષ્મા શાહુની શીખ

જામનગર, તા.૨૧:ગુજરાત રાજય મહિલા આયોગ ગાંધીનગર દ્વારા પ્રેરીત તેમજ આઇ.સી.ડી.એસ. જીલ્લા પંચાયત જામનગર દ્વારા આયોજીત સ્થાનિક સ્વરાજની ચૂંટાયેલી મહિલાઓ અને અન્ય મહિલાઓને મહિલા વિષયક કાયદાઓ અને મહિલા સશકિતકરણ અંગેની યોજનાઓની જાણકારી મળી રહે તે હેતુ માટેની કાયદાકીય જાગૃતિ શિબિર ગુજરાત રાજય મહિલા આયોગના અધ્યક્ષા શ્રીમતી લીલાબેન અંકોલીયાની અધ્યક્ષતામાં  જામનગરના ટાઉનહોલ ખાતે યોજાઇ હતી.

આ કાયદાકીય શિબિરમાં બહેનોના અધિકારો વિશે માર્ગદર્શન આપતા ગુજરાત રાજય મહિલા આયોગના અધ્યક્ષા શ્રીમતી લીલાબેન અંકોલીયાએ જણાવ્યુ હતુ કે, મહિલાઓ શિક્ષણ થકી પોતાના અધિકારોને ઓળખી સમાજમાં થતાં મહિલા શોષણને અટકાવવા જાગૃત થવુ જોઇએ. આ બાબતે ભારતના વડાપ્રધાન અને તત્કાલીન મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ વર્ષ ૨૦૦૧ માં મહિલા અને બાળ વિકાસની રચના કરી હતી તેમજ ૨૦૦૫ માં ગુજરાત રાજય મહિલા આયોગની રચના કરવામાં આવી હતી. આયોગની રચના થયા બાદ અત્યાર સુધીમાં અંદાજીત ૧૮૦૦૦ મહિલા શોષણ સબંધિત પ્રશ્નોનો સમાધાન મહિલા આયોગ દ્વારા કરવામાં આવેલ છે. મહિલાઓને ઝડપી ન્યાય મળે તે ઉદેશથી ગુજરાતમાં રાજય સરકારના પ્રયત્નો દ્વારા ૨૭૦ જેટલી નારી અદાલતો કાર્યરત છે અને આ નારી અદાલત દ્વારા ૨૫૦૦૦ પ્રશ્નોનું સમાધાન થયેલ છે. આ ઉપરાંત અભયમ હેલ્પ લાઇન ૧૮૧ દ્વારા મહિલાઓ પર થતા અત્યાચારનું તાત્કાલીક નિવારણ આવે તે માટે ૨૪ કલાક કાર્યરત રહે છે. તેનાથી મહિલાઓ પર થતા અત્યાચારોમાં દ્યણો દ્યટાડો નોંધાયેલ છે, જે સરાહનીય છે.      

આ શિબિરમાં રાષ્ટ્રીય મહિલા આયોગના સભ્યશ્રી સુષ્મા શાહુએ મહિલાઓને શિક્ષિત થઇ પોતાના અધિકારોની જાણકારી મેળવી અને મહિલા શોષણ અટકાવવા જરૂરી માર્ગદર્શન અને કાયદાકીય કલમોની જાણકારી આપી હતી. સાથે જ મહિલાઓએ પોતાની જવાબદારી સમજી પોતાના બાળકોને વધારેમાં વધારે સમય ફાળવી બાળકોને ગુન્હાહીત પ્રવૃતિમાં ન ધકેલાય તેની કાળજી લેવા અનુરોધ કર્યો હતો.

નારી શકિત રાષ્ટ્ર શકિત બને તે દિશામાં રાજય સરકારના પ્રયત્નોને પૂર્વ મંત્રી શ્રીમતી વસુબેન ત્રિવેદીએ બિરદાવ્યા હતા અને રાજય સરકારની મહિલા સુરક્ષા, મહિલા સશકિતકરણ તેમજ મહિલાઓને લગતી વિવિધ રાજય સરકારની યોજનાઓને બિરદાવી હતી.                        જિલ્લા વિકાસ અધિકારી શ્રી પ્રશસ્તિ પારીકે મહિલાઓને પોતાના અધિકારોને લગતા કાયદાઓની વિસ્તૃત માહિતી આપી હતી.

આ શિબિરમાં જીલ્લા પંચાયત દ્વારા સગર્ભા બહેનોને કાળજી લેવા અંગેના કેલેન્ડરનું વિમોચન કરવામાં આવેલુ હતુ અને સગર્ભા બહેનોને તે કેલેન્ડરનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યુ હતુ.        આ શિબિરમાં મેયરશ્રી હસમુખભાઇ જેઠવા, ગુજરાત રાજય મહિલા આયોગના સભ્ય સચિવ શ્રીમતી વિણાબેન પટેલ, પૂર્વ મેયરશ્રી પ્રતિભાબેન કનખરા તેમજ પદાધિકારીઓ-અધિકારીઓ અને સ્થાનિક સ્વરાજની ચુંટાયેલી મહિલાઅઓ તેમજ મોટી સંખ્યામાં અન્ય મહિલાઓ ઉપસ્થિત રહેલ હતા.

(1:43 pm IST)