Gujarati News

Gujarati News

News of Thursday, 21st June 2018

ભચાઉના કડોલમાં અભ્યારણ્યની અંદર ઉભા કરાયેલા ૩૮ અગરોની લીઝ રદઃમીઠા ઉદ્યોગમાં હડકંપ

કલેકટરના હુકમને પગલે વીજ કનેકશન કટ, સુરેન્દ્રનગરને જોડતા નાના રણના અભ્યારણ્યમાં ચિંકારા, ઘુડખરનો વસવાટ

ભુજ તા. ર૧ :.. છેલ્લા ઘણા સમયથી ભચાઉના રણકાંધીના ગામે કડોલ નજીક મીઠાના અગરો દ્વારા અભ્યારણ્યમાં કરાયેલ જમીન દબાણ ચર્ચામાં રહ્યું છે. જો કે મીડીયાના ઉહાપોહ તેમજ આરટીઆઇ કાર્યકર્તાઓની હલચલ અને ગ્રામ પંચાયતના સભ્યોની જાગૃતિ બાદ કચ્છ જિલ્લા કલેકટરે કડક કાર્યવાહીના આદેશો આપ્યા છે.

ગત તા. ૧ર-૬-૧૮ ના રોજે કલેકટર રેમ્યા મોહને કરેલા હુકમમાં રણ વિસ્તારના અભ્યારણ્યને રક્ષિત ગણાવતા અહીં આવેલા મીઠાના અગરોના દબાણોને દૂર કરતો આદેશ આપીને ૩૮ લીઝ રદ કરવા આદેશ આપ્યો છે. હજી ભચાઉ મામલતદારની પ૬ અને કલેકટર ઓફીસની ૭ એ લીઝ અંગે તપાસ કરીને અલગથી કાર્યવાહી થઇ શકે છે.પૂર્વ કચ્છના વન સરંક્ષકને તપાસ કરવા અપાયેલા આદેશ ને પગલે તેમની સાથે ભચાઉ પ્રાંત અધિકારીએ પણ તપાસ કરી હતી. પૂર્વ કચ્છ વન સંરક્ષક પ્રવિણસિંહ વિહોળે આ વિસ્તારને વન્ય જીવોનું રક્ષિત અભ્યારણ્ય હોવાનો અહેવાલ કલેકટરને આપ્યો હતો. તો ભચાઉ પ્રાંત અધિકારીએ લેખિત રીપોર્ટમાં જણાવ્યા પ્રમાણે તા. ૧ર-૩-૧૮ ના આ પત્રમાં એવો એકરાર કર્યો હતો કે ૧૯૯૧ થી ર૦૧૧ દરમ્યાન પ્રાંત અધિકારી અંજાર દ્વારા કડોલ વિસ્તારમાં જે લીઝ મંજૂર કરાઇ હતી તે વન્યજીવન અધિનિયમન ૧૯૭ર હેઠળ સુસંગત નથી. જો કે, વચ્ચેના સમયગાળામાં અમુક લીઝો ર૦ર૧ સુધી રીન્યુ કરાઇ છે.

વન સરંક્ષક પૂર્વ દ્વારા આ તમામ લીઝ રદ કરવા જણાવાયા બાદ કલેકટરનાં આદેશ મુજબ મામલતદાર ભચાઉ દ્વારા ૩૮ લીઝ રદ કરાઇ છે. જયારે અન્ય લીઝ રદ કરવાની કાર્યવાહી આરંભાઇ છે. દરમ્યાન પીજીવીસીએલ દ્વારા કલેકટરનાં આદેશ ના પગલે ૩૮ પૈકી રર જગ્યાએ વીજ કનેકશન કાપી નખાયા છે.

(11:54 am IST)