Gujarati News

Gujarati News

News of Thursday, 21st June 2018

ભાવનગર જીલ્લા પંચાયતમાં ભાજપનું શાસન

તળાજા, પાલીતાણા અને ભાવનગર તાલુકા પંચાયતમાં પણ કોંગ્રેસે સતા ગુમાવી

ભાવનગર, તા. ર૧ : ભાવનગર જીલ્લા પંચાયત કોંગ્રેસ પાસેથી ભાજપે કબ્જે કરી છે. ઉપરાંત જીલ્લાની ત્રણ તાલુકા પંચાયતો જેમાં તળાજા, પાલીતાણા અને ભાવનગર તાલુકા પંચાયતમાં પણ કોંગ્રેસ સત્તા જાળવવામાં નિષ્ફળ ગઇ છે તો સામા પક્ષે કોંગ્રેસે સિહોર તાલુકા પંચાયત ભાજપ પાસેથી આંચકી લીધી છે આમ ભાવનગર જિલ્લામાં ે પૂરો રાજકીય માહોલ અને ઉત્તેજના જોવા મળી હતી. ભાજપે શામ-દામ-દંડ-ભેદ અપનાવી જીલ્લા પંચાયત ઉપરાંત ત્રણ તાલુકા પંચાયતો કબ્જે કરતા જીલ્લાના રાજકીય વર્તુળોમાં ભારે ચકચાર જાગી છે.

ભાવનગર જિલ્લા પંચાયતમાં કોંગ્રેસના રર સભ્યો અને ભાજપના ૧૮ સભ્યો ચૂંટાયા હોય અઢી વર્ષથી કોંગ્રેસનું શાસન હતું. પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી હોય ભાજપે કોંગ્રેસના સભ્યોને ખેડવીને પ્રમુખ અને ઉપપ્રમુખ પદે પોતાના ઉમેદવારોને વિજય બનાવી સતા કબ્જે કરી છે. ભાજપના ઉમેદવાર વકતુબેન મકવાણા અને ઉપપ્રમુખના ઉમેદવાર વી.કે. ગોહિલ બહુમતીથી ચૂંટાઇ આવ્યા છે. મતદાની સભા દરમ્યાન કોંગ્રેસના હિરાબેન રાઘવજીભાઇ અવૈયા (ચમારડી બેઠક) ગેરહાજર રહ્યા હતાં. જયારે કોંગ્રેસના મંગાભાઇ બારૈયા (બગદાણા બેઠક) અને ભાનુભાઇ ચૌહાણ (પાલીતાણા બેઠક) એ વળવો કરી ભાજપના ઉમેદવારોનું સમર્થન કરતા ભાજપના ઉમેદવારો વિજેતા થતા કોંગ્રેસ સતા ગુમાવી હતી અને ભાજપે સતા હાંસલ કરી છે.

પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. એસ.પી. સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ જીલ્લા પંચાયતમાં હાજર હતા. મતદાન સમયે મીડીયાને સભાગૃહમાં પ્રવેશબંધી ફરમાવવામાં આવી હતી. કોંગ્રેસ પાસેથી સતા આંચકી લેવા ભાજપે એડીચોટીનું જોર લગાવ્યુ હતું અને સતા કબ્જે કરવામાં સફળ રહેતા રાજકીય વર્તુળોમાં ભારે ચકચાર જાગી છે.

ભાવનગર તાલુકા પંચાયત ભાજપે કબ્જે કરી

ભાવનગર તાલુકા પંચાયતમાં ર૦માથી ૧૧ સભ્યો ભાજપના ચૂંટાઇ આવ્યા છતાં પ્રમુખ-ઉપપ્રમુખપદે પોતાના ઉમેદવારોને બેસાડવામાં અઢી વર્ષ પહેલા કોંગ્રેસ ફળ રહી હતી, પરંતુ આજે પ્રમુખ ઉપપ્રમુખ માટે વરણી થતા બહુમત સભ્યો ધરાવતા ભાજપે આખરે સતા કબ્જે કરી હતી. કોંગ્રેસના ૯ પૈકી ર સભ્યો ચૂંટણી વખતે ગેરહાજર રહેતા ભાજપે બહુમતીથી પ્રમુખ પદે વજીબેન રઘુભાઇ ગોહેલ અને ઉપપ્રમુખ પદે ગનુબેન માણસુરભાઇ હરકર વિજેતા બનમાવ્યા હતા. આમ ભાવનગર તાલુકા પંચાયત ભાજપે કબ્જે કરી છે.

પાલીતાણા તાલુકા પંચાયત પણ કબ્જે કરી

ભાવનગર જીલ્લાની પાલીતાણા તાલુકા પંચાયતમાં ર૦ પૈકી કોંગ્રેસ પાસે ૧૧ સભ્યો હતો આથી શાસન ધુરા કોંગ્રે પાસે હતી, પરંતુ આ વખતે કોંગ્રેસ શાસીત પાલીતાણા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ ગોરધનભાઇ ગોટીને ભાજપે પોતાના પ્રમુખપદના ઉમેદવાર જાહેર કરી સતાનો દાવ ખેલ્યો હતો જે સફળ રહ્યો છે. કોંગ્રેસમાંથી તેમના ઉપપ્રમુખ ગોરધનભાઇ ગોટી, પ્રમુખ શારદાબેન વાઢેર અને સભ્ય ચંપાબેન વાઘેલાને ભાજપે તોડતા ભાજપની સંખ્યા ૧૧ થઇ હતી અને બહુમતીથી ભાજપના ઉમેદવાર પ્રમુખપદે ગોરધનભાઇ ગોટી અને ઉપપ્રમુખપદે ગોપાલભાઇ વાઘેલા ચૂંટાઇ આવ્યા હતા. આમ ત્રણ સભ્યો ભાજપમાં ભળી જતા કોંગ્રેસે સતા ગુમાવી છે.

સિહોર તાલુકા પંચાયત કોંગ્રેસે કબ્જે કરી

સિહોર તાલુકા પંચાયતની પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી દરમ્યાન ભાજપ પાસેથી સતા આંચકી લેવામાં કોંગ્રેસ સફળ રહ્યું છે. અપક્ષના ટેકાથી કોંગ્રેસના પ્રમુખપદના ઉમેદવાર ઇલાબેન ગોહિલ અને ઉપપ્રમુખ પદના ઉમેદવાર ગોકુલભાઇ આલ ચૂંટાઇ આવ્યા છે આમ અઢી વર્ષ ભાજપે સતા ભોગવી હવે અઢી વર્ષ કોંગ્રેસ સતા ભોગવશે.

(11:19 am IST)