Gujarati News

Gujarati News

News of Thursday, 21st June 2018

કોંગીના ૩ સભ્યો ભાજપના આશરે બેસી જતા તળાજા તાલુકા પંચાયત કોંગીએ ગુમાવી

કોંગ્રેસના ૪ સભ્યોને પક્ષાંતર ધારા મુજબ સસ્પેન્ડ કરાશેઃ કોંગ્રેસ પ્રમુખ દિગુભા : ભાજપના અલંગ બેઠકના કિશોરભાઇ ભથાભાઇ દિહોરા અને અલંગની બેઠકના કોંગ્રેસના ઉમેદવાર વલ્લભભાઇ દિહોરા ગેરહાજર રહયા હતાં.ચૂંટણીને લઇ પો.ઇ.બી. એમ. લશ્કરી દ્વારા દાડા પોસઇ મકવાણા સહિતની હથીયારધારી પોલીસ ટીમ સાથે ચૂસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો.

ભાવનગર તા.૨૧ તળાજા તાલુકા પંચાયતની બીજી ટર્મ માટે આજે અધિક કલેકટરની અધ્યક્ષતામાં પ્રમુખ-ઉપપ્રમુખ પદ માટેની ચૂંટણી હથીયારધારી પોલીસ બંદોબસ્ત સાથે યોજાઇ હતી. કોંગ્રેસના ત્રણ સભ્યોએ અંતિમ ઘડીએ ભાજપ સાથે બેસી જઇ ભાજપના પ્રમુખ-ઉપપ્રમુખના ઉમેદવારની તરફેણમાં મતદાન કરતા કોંગ્રેસને સત્તા ગુમાવવાનો વારો આવ્યો હતો. ભાજપનો ભગવો લહેરાયો હતો.

તળાજા તાલુકા પંચાયતમાં કોંગ્રેસ પાસેથી સત્તા આંચકવામાં ભાજપને સફળતા મળી છે. તાલુકા પંચાયતની સત્તા કાજે ભાજપ દ્વારા કોંગ્રેસના સભ્યોને તોડવા માટે હાથ ધરવામાં આવેલ પ્રયત્નોને કારણે કોંગ્રેસ દ્વારા સત્તા ટકાવવા માટે બે દિવસ પહેલા કોંગ્રેસ દ્વારા સોમનાથ- દ્વારકાના પ્રવાસે લઇ જવાયા હતા. મોબાઇલ પણ લઇ લેવામાં આવ્યાં હતા.

આજે ચૂંટણીના સમયે કોંગ્રેસ-ભાજપના સભ્યોએ લગભગ એક સાથે જ સભાખંડમાં ચૂંટણી પ્રક્રિયા સાથે પ્રવેશ કર્યો હતો.

કોંગ્રેસના ત્રણ સભ્યો નાગજીભાઇ ચોૈહાણ (વેજોદરી), લાચીબેન હાજુભાઇ આહીર(પસવી), મધુબેન ભુપતભાઇ બારેૈયા( દિહોર) એ સભાખંડમાં પ્રવેક કરતાં જ સીધા ભાજપના સભ્યો સાથે બેસી ગયા હતા

એ જોતા જ કોંગ્રેસના સભ્યો આગેવાનો અવાચક બની ગયા હતાં. છેક સુધી અમારી સાથે રહયા છો હવે ગદ્દારી તેવા શબ્દો ઉચ્ચારી કોંગ્રેસ સાથે રહેવા દબાણ શરૂ કર્યુ હતું. પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવાની ધમકી આપવા છતાં ભાજપના જ ચોકોમાં બેસી રહયા હતાં એક સમયે મહિલા સભ્ય લાચીબેનને તેમના પતિ દ્વારા કોંગ્રેસ સાથે બેસવા માટે મનાવવામાં આવવા છતાં તે માન્યા ન હતા.

અધિક કલેકટર ડો. રાજેન્દ્ર પટેલ, ટીડીઓ વાળા દ્વારા ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાતા ભાજપના પ્રમુખના દાવેદાર આશાબેન ચંદુભાઇ મકવાણા તથા ઉપપ્રમુખ પદના ગોહિલ ગીતાબા શકિતસિંહ ને ૧૭-૧૭ મતો મળ્યા હતા

કોંગ્રેસના ત્રણ સભ્યોના ભાજપ તરફી મતદાને કમળને ખીલવી દિધું હતું. સત્તા અપાવી હતી. સામાપક્ષે કોંગ્રેસના પ્રમુખ-ઉપપ્રમુખના દાવેદાર મંજુલાબેન પરમાર, મધુબેન ધીરુભાઇ માપડા ને ૧૩-૧૩ મતો મળતા સાથી મિત્રો વફાદારી ન નિભાવતા હારનો સામનો કરવો પડયો હતો.

ઝાંઝમેર મેઘજીભાઇ પોતાનો મત પોતાનેજ ન આપી શકયા

તાલુકા પંચાયતની ઝાઝમેર બેઠકના ભાજપના સભ્ય ભાલીયા મેધજીભાઇ બાબુભાઇએ ગઇકાલે બળવો કરીને પોતે પ્રમુખ પદ માટે ફોર્મ ભરી આવ્યા હતા. આ વાતની ભાજપ મોવડીઓને ખબર પડતાં જ મનામણા કરી લીધા હતા. અધિક કલેકટર એ ભાલીયા મેધજીભાઇ ને મત આપવા માંગતા આંગળી ઉંચી કરે તેમ કહેતા સાભખંડમાં મતદાન કરવા બેઠા હોવા છતાં મેધજીભાઇ પોતાનો મત પણ પોતાને આપી શકાય ન હતા.

કોંગ્રેસના ૧ સભ્ય ઘરવાળા બીમાર છે તેમ બુધ્ધિપૂર્વક કોંગ્રેસના ચોકામાંથી નિકળી ગયા

સોમનાથના દર્શન કર્યા બાદ કોંગ્રેસના એક સભ્યએ ઘરવાળા બીમાર છે. મારે તાત્કાલીક જવું પડશે તેમ કોંગ્રેસના પ્રવાસીઓ સાથે બુધ્ધિપૂર્વક છેડો ફાડી નિકળી ગયા હતા.

કોંગ્રેસના ૪ સભ્યોને પક્ષાંતર ધારા મુજબ સસ્પેન્ડ કરાશેઃ કોંગ્રેસ પ્રમુખ દિગુભા

 કોંગ્રેસની સત્તા ટકાવી રાખવા માટે એડીચોટીનું જોર લગાવવા છતાં ભાજપની ભાંગફોડ પ્રવૃતિ ફળી કોંગ્રેસને સત્તા ગુમાવવાનો વારો આવ્યો. આ બાબતે કોંગ્રેસના સંગઠન અધ્યક્ષ એ ભાજપ દ્વારા પ્રલોભન આપવામાં આવ્યાની શંકા વ્યકત કરી હતી. પાર્ટી સાથે વફાદાર ન રહેનાર ચારેય સભ્યોન સસ્પેન્ડ કરવાની કાર્યવાહી કરવામાં આવશે. પ્રદેશ અધ્યક્ષને જાણ કરવામાં આવી હોવાનું કહયું હતું.

કાર્યકર્તાઓની થઇ છે જીતઃ ભાજપ અધ્યક્ષ

તળાજા તાલુકા ભાજપના સંગઠન અધ્યક્ષ સત્તા મેળવવા માટે છેલ્લા ત્રણ દિવસથી સાથી કાર્યકર્તાઓ સાથે રાત ઉજાગરો કરતા જોવા મળ્યા હતા. તેમણે ભાજપને મળેલી સત્તાને કાર્યકર્તાઓની જીત ગણાવી. કોંગ્રેસ પર પ્રહાર કરતા જણાવ્યું કે કોંગ્રેસના અઢી વર્ષના શાસનના કારણે કોંગ્રેસના સભ્યો કંટાળી જતાં ભાજપ સાથે ભળ્યા છે. પ્રલોભન કોઇને આપવામાં આવ્યું નથી

(11:14 am IST)