Gujarati News

Gujarati News

News of Saturday, 21st May 2022

ભાવનગરમાં બદલાયેલ જીવનશૈલીના કારણે મહિલાઓમાં બ્‍લડપ્રેશરની બિમારી વધીઃ 20 ટકા મહિલાઓ રોગનો શિકારઃ 2,35,645 મહિલાઓને લેવી પડે છે નિયમીત દવા

નેશનલ ફેમિલી હેલ્‍થ સર્વેના તારણથી ચિંતાઃ 4.1 ટકા મહિલાઓનું બ્‍લડપ્રેશર 160થી વધુ

ભાવનગરઃ ભાવનગરમાં નેશનલ ફેમિલી હેલ્‍થ દ્વારા કરવામાં આવેલા સર્વેમાં જિલ્લાની કુલ વસ્‍તી પૈકી મહિલાઓમાં 20.1 ટકા મહિલા બ્‍લડપ્રેશરથી પીડાય છે, જ્‍યારે 4.1 ટકા મહિલાનું બ્‍લડપ્રેશર 160થી વધુ જોવા મળ્‍યુ છે. બદલાયેલી જીવનશૈલી અને આહારમાં થયેલા ફેરફાર મુખ્‍ય કારણ છે. જેમાં બેહોશી, થાક, ધ્‍યાન ન લાગવુ, શુષ્‍ક ત્‍વચા અને શ્વાસની તકલીફ જેવા લક્ષણો છે.

શહેરમાં મહિલાઓમાં બ્લડ પ્રેશરની સમસ્યામાં ખૂબ વધારો થયો છે, જેમાં છેલ્લા એક દાયકામાં બ્લડ પ્રેશરના કેસોમાં ગંભીર પ્રમાણમાં ઉછાળો આવ્યો છે. નેશનલ ફેમિલી હેલ્થ સર્વેના રિપોર્ટ મુજબ ભાવનગર જિલ્લામાં બ્લડ પ્રેશરને કાબૂમાં રાખવા 20.1 ટકા મહિલાઓ દવાઓ લે છે. જેમાં વધુ ચિંતાજનક બાબત એ છે કે 4.1 ટકા મહિલાઓ બ્લડ પ્રેશર 160 થી વધુ જોવા મળે છે.

ભાવનગર જિલ્લાની કુલ વસ્તીમાં મહિલાઓની વસ્તી 11,57,438ની છે અને તે પૈકી 20.1 ટકા મહિલાઓ બ્લડ પ્રેશરની બીમારીથી પીડાય છે. અંદાજે 2,32,645 મહિલાઓને બ્લડ પ્રેશર રોકવા માટે દવાઓ લેવી પડે છે. બેહોશી, થાક, ધ્યાન ન લાગવું, ઠંડી અને શુષ્ક ત્વચા, અને શ્વાસની રિધમ બદલાઈ જવી વગેરે હાઈ બ્લડ પ્રેશરના લક્ષણો છે. જે માટે દર વર્ષે 17 મેના દિવસે હાઇ બ્લડ પ્રેશર અથવા વર્લ્ડ હાઇપર ટેન્શન ડે ઉજવવામાં આવે છે. આ દિવસની ઉજવણીનો મુખ્ય હેતુ લોકોમાં સાયલન્ટ કિલર તરીકે ઓળખાતી હાઈપરટેન્શન એટલે કે હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા વિશે જાગૃતિ ફેલાવવાનો છે.

આ અંગે ભાવનગરના એમ.ડી ફિઝીસિયન ડોકટર દીપક મુનશી એ જણાવ્યું હતું કે, અગાઉના વર્ષોમાં પુરૂષોની તુલનામાં મહિલાઓને બ્લડ પ્રેશરની બિમારી ઓછી જોવા મળતી હતી, પરંતુ હવે બંને સમાન ટકાવારીમાં આવી ગયા છે. પણ વિશેષ દવા લેવામાં પુરુષોની ટકાવારી 18 ટકા છે. જ્યારે મહિલાઓની ટકાવારી 20.1 ટકા છે. જેનું મુખ્ય કારણ બદલાયેલી જીવનશૈલી છે, લાઈફસ્ટાઈલ અને ડાયટમાં ફેરફાર કરીને આ બીમારી કન્ટ્રોલ કરી શકાય છે. જો દરરોજ 30 મિનિટનું વૉક કરવામાં આવે તો બ્લડ પ્રેશર 5થી 8 પોઈન્ટ ઘટાડી શકાય છે. જોકે વૉક સતત કરવું જોઈએ નહિ તો બ્લડ પ્રેશર ફરી વધી જાય છે. જોગિંગ, સાઈકલિંગ અને ડાન્સ કરવાથી પણ બ્લડ પ્રેશર ઓછું થાય છે.

(5:15 pm IST)