Gujarati News

Gujarati News

News of Tuesday, 21st May 2019

ખાતરની થેલીઓમાં ઘટએ કૌભાંડ નહી, ટેકનીકલ-માનવીય ક્ષતીઃ સાવરકુંડલા તાલુકા સહકારી સંસ્થાઓની પહેલ

સાવરકુંડલા, તા., ૨૧: જીએસએફસીના સરદાર બ્રાન્ડ ડી.એ.પી. ખાતરના કેટલાક ડેપો કે કેન્દ્રો પર થેલીઓમાંથી ૧૦૦ ગ્રામથી પ૦૦ ગ્રામ સુધી ઘટ નીકળી હોવાના મુદ્દે જે હોબાળો અને કુપ્રચાર ચલાવીને આને કૌભાંડની વ્યાખ્યામાં લેવાની જે સાજીશ ચાલી રહી છે તે અંગે સાવરકુંડલા તાલુકાની સહકારી સંસ્થાઓએ પહેલ કરીને. નહી શાસક પક્ષ નહી વિરોધ પક્ષ. કેવલ કિસાનીયત અને સહકારીતા પર સાવરકુંડલા તાલુકા સહકારી પરીવારે તાલુકા ખરીદ વેચાણ સઘના નેજા નીચે એક બેઠકનું આયોજન કરેલ. જેમાં વર્ષોથી સહકારી ચેનલ મારફત રા. ખાતરોનું વિતરણ કરતી તાલુકા ખરીદ વેચાણ સંઘ સહીત ગ્રામ્ય વિસ્તારની સહકારી મંડળીઓના પ્રતિનિધિઓ તેમજ તાલુકા સંઘના ડીરેકટરશ્રીઓ અને પુર્વ મેનેજરશ્રીઓ, માર્કેટયાર્ડના ડાયરેકટરશ્રીઓ અને ખેડુત અગ્રણીઓ ઉપસ્થિત રહયા હતા.

આ બેઠક બાદ દિપકભાઇ માલાણી પ્રમુખશ્રી આંબરડી સે.સ.મંડળી અને તાલુકા સહકારી ખ.વે.સંઘ, મનજીભાઇ તળાવીયા-પ્રમુખ વંડા સેવા સ.મંડળી અને વા.ચેરમેનશ્રી માર્કેટ યાર્ડ સા.કુંડલા શ્રી બી.એન.પટેલ પુર્વ મેનેજરશ્રી તાલુકા સંઘ અને ખેડુત અગ્રણી એ જણાવેલ કે ખાતરની થેલીઓમાં વજનું વેરીયેશન એ કોઇ કૌભાંડ નથી પણ એક માનવીય બેકાળજી કે ક્ષતી યાતો ટેકનીકલ ફોલ્ટથી વેરીયેશન આવે છે. કારણ કે થેલીઓ એક મજુરો મારફત વજન કરીને ભરાય છે અને બીજુ પ્લાન્ટ ઉપર ઓટોમેટીક સીસ્ટમથી એટલે આને કૌભાંડની વ્યાખ્યામાં ગણી શકાય નહી પણ એક ટેકનીકલ કે માનવીય ક્ષતી છે. જી.એસ.એફ.સી. ઇફકો, ક્રિભકો વિ. ખાનગી કંપની નથી. એટલે કૌભાંડનો પ્રશ્ન નથી. વજન વેરીએશનની સમસ્યા ઘટની જેમ થેલીઓમાંં વધુ વજન પણ નીકળે છે.

વર્ષોથી સરકાર નથી એટલે વારંવાર આ રીતે કાગનો વાઘ કરીને ખેડુતોને પોતાની સાથે રાજકીય રીતે જકડી રાખવાનો ઇરાદો રાખતા શ્યુડો ખેડુત આગેવાનોને ઓળખી કાઢી યાદી બનાવવાનું સુચન થયેલ છે. જે માણસ વિધાનસભા ટીકીટના મેન્ડેન્ટ જેવો અગત્યનો દસ્તાવેજ સાચવી નથી શકયા. તેવા ધારાસભ્યને કોઇના મીસમેનેજમેન્ટ કે ક્ષતી બાબતે ટીકા કરવાનો આજીવન અધિકાર નથી. જો તેઓ ધોરણો, મુલ્યો કે નૈતિકતા જાણતા હોય તો એ માનનીય ધારાસભામાં ખાતરની થેલી લઇ જવાનો આડંબર કરે એ જ બંધારણની મર્યાદા છે કેમકે જેનાથી મેન્ડેન્ટ ન સચવાણુ હોય એ આજીવન ડીસ્કવોલીફાઇ ગણાય.

બેઠકમાં અધ્યક્ષ મુખ્યમંત્રીશ્રી અને માન.જી.પી.સી.સી.ના પ્રમુખશ્રીને પત્ર લખી આવા માનનીયોને દેશમાં રા. ખાતરોની ઉત્પાદન અને વિતરણ વ્યવસ્થા અંગેની સરકારશ્રીની નીતીઓ અને ત્રિસ્તરીય માળખાવાળી વિતરણ વ્યવસ્થા બાબતે તાલીમ આપવા અથવા તો ખાનગી ટયુશન રખાવવા સુચન થયેલ. કેટલાક આગેવાનો વર્ષોથી જે વિરોધપક્ષમાં હોય તેને જ ખેડુતોની કાળજી છે અને તેને જ ખેડુતોની વકીલાત કરવાનો ઇજારો હોય (પછી તે પાક વિમાના નામે કે મગફળી ખરીદીના નામે કે અન્ય મુદઓ તેવું ઠસાવવા રોજીંદુ કાઇને કાંઇક કરે છે.

જો આવી બાબતે ખેડુતો અને સહકારી કાર્યકરો ન બોલવામાં નવ ગુણની રીતે મૌન કે શરમ રાખશે તો સહન કરવાનું સહકારીતા અને ખેડુતોને જ આવશે. આવા રીબડીયાઓ, કગથરાઓએ નહી. જોયુને આ વર્ષે ટેકાના ભાવની ખરીદી પ્રક્રિયામાંથી આઝાદી બાદ પ્રથમ વખત સહકારી સંસ્થાઓ નીકળી ગઇ અને એક આવકનો સોર્સ ગુમાવ્યો અને ખેડુતોને અઘરી પ્રક્રિયા વેઠવી પડી. આ બાબતે આ પરેશ ધાનાણીને ઉપવાસ કરવાનું ન સુજયુ. રા.ખાતરોના ધંધામાં નફાનો ગાળો બહુ જ જુજ છે. જે પણ એક સમસ્યા છે. જે બાબતે દર વર્ષના યુ.પી.એ.ના શાસન દરમ્યાન આ મિત્રોને ન સુજયું. તેમના જ એક પુર્વ સાંસદ પ૦ ટકા સહાયની હનીટ્રેપમાં ખેડુતોને લઇ કરોડો રૂપીયા ઓળવી લીધા. તેના કેટલાક પોલીસ કેસો પણ થયા છે. કોંગ્રેસના જ આગેવાનો ઉપવાસ ઉપર બેઠેલા તો પણ આ નાણા હજી નથી આવ્યા તે બાબતે ઉપવાસ કરવાનું કે તેને કૌભાંડની વ્યાખ્યામાં ગણવાનું આ લોકોને સુજતુ નથી. જેમ સીજનલ ધંધાર્થી રોજેરોજનો ધંધો કરી લેવાનું ગોતતો હોય છે તેમ તમારે રાજકીય ધંધો જ કરી લેવો હોય તો બીજા ઘણા મુદ્દાઓ છે. પણ ખાતર વિતરણ અને ઉત્પાદન જેવી ખેડુતો માટે જરૂરી સફળ અને ટકાઉ જે સીસ્ટમ છે તેની ઉપરથી વિશ્વાસ ઉઠી જાય કે તેને નુકશાન થાય તેવું ખેડુતોની અને સહકારીતાની કુસેવા કરવાનું પાપ ન કરે તેવું પણ જણાવેલ છે. આ સિવાય  ઉપસ્થિતોએ ચર્ચામાં ભાગ લઇ ઘણા નાના મોટા સુચનો કરેલ. જેમાં સર્વાનુમતી સુર રહેલ.

 આ બેઠકમાં સાવરકુંડલા એ.પી.એમ.સી.ના ડીરેકટરશ્રીઓ જસુભાઇ ખુમાણ, ધીરૂભાઇ વોરા, ચેતનભાઇ માલાણી, દેવાતભાઇ બલદાણીયા, દુર્લભજીભાઇ કઠીયા, હિંમતભાઇ ગુર્જર , અતુલભાઇ રાદડીયા, તેમજ સંઘના ડીરેકટરો બટુકભાઇ રૂપારેલીયા, ભરતભાઇ જેબલીયા, મનસુખભાઇ દેસાઇ તેમજ સેવા સ.મંડળી મંત્રી મંડળના ભીખાભાઇ કાબરીયા, ધીરૂભાઇ, ઘનશ્યામભાઇ જાની, બાબુભાઇ રમણા, અનુબાપુ હરીયાણી, ભાસ્કરભાઇ, ખેડુત આગેવાનશ્રી વિઠ્ઠલભાઇ, બાબુભાઇ વોરા, તેમજ વિવિધ મંડળીઓના પ્રમુખશ્રીઓ ઉપસ્થિત રહયા હતા.

(12:52 pm IST)