Gujarati News

Gujarati News

News of Monday, 21st May 2018

પડધરીના નાની અમરેલી ગામે ફાયરીંગ : રાજકોટના રમેશભાઇ મકવાણા પર ૧૪ શખ્સોનો ખૂની હુમલો

પેપર મીલ દ્વારા થતા પ્રદુષણનો વિરોધ કરતા ડખ્ખો થયો'તો : ૧૪ શખ્સો સામે હત્યાની કોશિષ, રાયોટ, એટ્રોસીટી તથા આમ્સ એકટની કલમ હેઠળ ગુનો

રાજકોટ, તા. ર૧ : પડધરીના નાની અમરેલીમાં પેપરમીલ દ્વારા કરવામાં આવતા પ્રદુષણનો વિરોધ કરતા રાજકોટના બીલ્ડીંગ મટીરીયલ્સના ધંધાર્થી વણકર યુવાન પર ૧૪ શખ્સોએ લોખંડના પાઇ,પ ધોકા, તલવાર તથા છરી સહિતના હથીયારોથી જીવલેણ હુમલો કરી હવામાં ફાયરીંગ કર્યાની ફરીયાદ થઇ છે.

મળતી વિગત મુજબ પડધરીના નાની અમરેલીના વતની હાલમાં રાજકોટ કાલાવડ રોડ ગાયત્રી મંદિર સામે રહેતા અને બીલ્ડીંગ મટીરીયલનો વ્યવસાય કરતા રમેશભાઇ રાણાભાઇ મકવાણા (ઉ.વ.૩૯) ગઇકાલે પોતે તાની અમરેલી ગામ પાસે દાતાર હોટલના ગ્રાઉન્ડમાં હતાં ત્યારે આંબા બચુભાઇ વાડોદરીયા, ભાવેશ આંબા વાડોદરીયા, ભગવાનજી પટેલ, રોહિત ભગવાનજી પટેલ, પાંચા કુરજીભાઇ ટીંબડીયા, વિપુલ પાંચા ટીંબડીયા, પરેશ હંસરાજભાઇ ટીંબડીયા, સવજી રવજીભાઇ રાણાપરીયા, રાજેશ પરસોતમ અકબરી, હિતેષ પરસોતમ અકબરી, અરૂણ મોહનભાઇ સોરઠીયા, ખીમજી કડવાભાઇ મારડીયા, કેશુ પટેલ તથા હિતેષ પટેલે આવી રમેશભાઇ સાથે ઝઘડો કરી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરી લોખંડના પાઇપ, ધોકા, તલવાર તથા છરી વડે હુમલો કરી ગંભીર ઇજાઓ કરી હતી અને ભાવેશ પટેલે હવામાં ફાયરીંગ કર્યું હતું. બાદ તમામ નાસી ગયા હતા. બાદ રમેશભાઇને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ બનાવની જાણ થતાં પડધરી પોલીસ મથકના પીએસઆઇ ખરાડી તથા રાઇટર અશ્વિનભાઇએ રમેશભાઇ મકવાણાની ફરીયાદ પરથી ૧૪ શખ્સો સામે આમ્સ એકટ, હત્યાની કોશિષ તથા એટ્રોસીટી એકટની કલમ હેઠળ ગુનો દાખલ કરી એસટીએસસી સેલના એસીપીએ તપાસ હાથ ધરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં ખૂલ્યા મુજબ રમેશભાઇ બીલ્ડીંગ મટીરીયલ્સનો વ્યવસાય કરે છે. ગામ પાસે આવેલ નીલકંઠ પેપરમીલ દ્વારા કરવામાં આવતા પ્રદુષણ મામલે તેણે ત્રણ દિવસ પહેલા વિરોધ કર્યો હતો. જે બાબતનો ખાર રાખી ૧૪ શખ્સોએ ખૂની હુમલો કર્યો હોવાનું જાણવા મળ્યું છે. આ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.

(4:13 pm IST)