Gujarati News

Gujarati News

News of Monday, 21st May 2018

અમરેલી રામપરામાં કોળી નવોઢાનું દાઝી જતાં મોતઃ ત્રાસથી સળગી ગયાનો ગઢડા રહેતાં ભાઇનો આક્ષેપ

કૈલાસબેન (ક્રિષ્નાબેન) (ઉ.૨૨)એ રાજકોટની હોસ્પિટલમાં દમ તોડ્યોઃ અઢી માસ પહેલા જ લગ્ન થયા'તા

રાજકોટ તા. ૨૧: અમરેલીના રામપરા-૫માં રહેતી કૈલાસબેન (ક્રિષ્નાબેન) રોહિત મકવાણા (ઉ.૨૨) નામની કોળી નવોઢા ગત તા. ૧૬ના રોજ દાઝી જતાં સારવાર માટે અમરેલી અને ત્યાંથી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. તેણીનું આજે વહેલી સવારે મોત નિપજ્યું છે. મૃતકના સાસરિયા પક્ષે પોલીસની પ્રાથમિક પુછતાછમાં  તેણી સ્ટવ પર રસોઇ બનાવતી વખતે દાઝી ગયાનું જણાવાયું હતું. જો કે ગઢડા સ્વામીના ખાતે રહેતાં તેણીના ભાઇ મનોજ મધુભાઇ જમોડે એવો આક્ષેપ કર્યો હતો કે બહેન ક્રિષ્નાને દહેજ બાબતે ત્રાસ હોવાથી તેણી મરી જવા મજબૂર થઇ છે અને આ બાબતે પોતે ફરિયાદ નોંધાવશે.

જાણવા મળ્યા મુજબ કૈલાસબેન (ક્રિષ્નાબેન) ૧૬/૫ના સવારે આઠેક વાગ્યે દાઝી જતાં અમરેલી અને ત્યાંથી રાજકોટ સિવિલમાં ખસેડવામાં આવી હતી. પોલીસ ચોકીના સ્ટાફની પ્રાથમિક પુછતાછમાં કૈલાસબેન સ્ટવ પર રસોઇ બનાવતી વખતે ભડકો થતાં દાઝી ગયાનું જણાવાયું હતું. તેણીના લગ્ન હજુ અઢી મહિના પહેલા જ થયા હતાં. આજે સવારે સારવાર દરમિયાન તેણીનું મોત નિપજતાં હોસ્પિટલ ચોકીના એએસઆઇ જગુભા ઝાલા અને રવિભાઇ ગઢવીએ અમરેલી પોલીસને જાણ કરી હતી.

મૃતકના ભાઇ મનોજ જમોડે ટેલિફોનીક વાતચીતમાં જણાવ્યું હતું કે તેની બહેન અકસ્માતે દાઝી નથી, પણ દહેજ માટે સાસુ-સસરા ત્રાસ આપતાં હોવાથી મરી જવા મજબુર થઇ છે. આ બાબતે પોતે ફરિયાદ પણ કરવાના છે. અમરેલી પોલીસે વિશેષ તપાસ હાથ ધરી છે. (૧૪.૭)

 

(1:06 pm IST)