Gujarati News

Gujarati News

News of Monday, 21st May 2018

સૌરાષ્ટ્ર - કચ્છમાં પુરૂષોત્તમ મહિનામાં ધાર્મિક - સેવાકાર્યોનો ધમધમાટ

જૂનાગઢ લેઉવા પટેલ મહિલા મંડળ દ્વારા જરૂરિયાતમંદ બહેનોને અનાજ કીટ, સિલાઇ મશીનનું વિતરણ કરાશે : ખંભાળીયાના શિવાલયોમાં પૂજન, અર્ચન સહિતના કાર્યક્રમો

રાજકોટ તા. ૨૧ : પવિત્ર પુરૂષોત્તમ મહિનાનો પ્રારંભ થયા બાદ રાજકોટ સહિત સૌરાષ્ટ્ર કચ્છમાં અનેકવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે સેવાકાર્યોનો ધમધમાટ થઇ રહ્યો છે.

દરરોજ સવાર સાંજ મોટી સંખ્યામાં મહિલાઓ દ્વારા પૂજન અર્ચન, કિર્તન, સત્સંગ સહિતના કાર્યક્રમો યોજાઇ રહ્યા છે.

જૂનાગઢ

સમુહલગ્ન, સિલાઇ મશીન વિતરણ અને સામાજીક કાર્યો થકી બહેનો તથા સમાજને સ્વનિર્ભર અને જાગૃત કરવાનું કાર્ય કરતા જૂનાગઢ જિલ્લા લેઉવા પટેલ મહિલા મંડળ દ્વારા હાલ ચાલી રહેલા પવિત્ર પુરૂષોત્તમ માસ નિમિતે કામ ન કરી શકતી જરૂરિયાતમંદ રપ બહેનોને અનાજ કીટસ અને ૧૧ બહેનોને રોજગારીનું માધ્યમ સિલાઇ મશીન અર્પણ કરવામાં આવશે. દાતાઓના સહયોગથી યોજાનાર આ કાર્યક્રમની સાથે સાથે ગામડે ગામડે જળસંચય અને સામાજીક ઉત્થાનનું અભિયાન પણ શરૂ કરવામાં આવશે.

અત્યાર સુધીમાં ૩૭૦૦ જેટલી બહેનોને સિલાઇ મશીન અર્પણ કરી પગભર બનાવી સ્વરોજગારી અપાવનાર જૂનાગઢ જિલ્લા લેઉવા પટેલ મહિલા મંડળની શહેર અને જિલ્લા શાખાઓ દ્વારા પવિત્ર પુરૂષોત્તમ માસ નિમિતે ધર્મની સાથે સમાજસેવાને સાંકળી લઇને અનેરૂ સેવાકાર્ય કરવામાં આવશે. સમુહલગ્નના પ્રણેતા અને મહિલા મંડળના માર્ગદર્શક હરસુખભાઇ વઘાસીયાએ આ અંગે વિગતો આપતા જણાવ્યું છે કે, આગામી દિવસોમાં દાતાઓના સહયોગથી રપ બહેનોને અનાજ કીટસ અર્પણ કરાશે. ઘઉં, ચોખા, ખાંડ, ચા, તેલ જૂદી જૂદી દાળ સહિતની વસ્તુઓ આ કીટસમાં બહેનોને અર્પણ કરાશે. સાથે સાથે બહેનો આત્મનિર્ભર બને તેવા આશયથી ૧૧ બહેનોને સિલાઇ મશીનનું વિતરણ પણ કરાશે.

જૂનાગઢ જિલ્લા લેઉવા પટેલ મહિલા મંડળના પ્રીતીબેન વઘાસીયા, શારદાબેન ગાજીપરા, જયશ્રીબેન વેકરીયા, રૂપલબેન વઘાસીયા સહિતના બહેનોની ટીમ આ કામગીરી માટે જહેમત ઉઠાવે છે. ખરા અર્થમાં જરૂરિયાત મંદો હોય તેવા બહેનોની પુરતી ચકાસણી કર્યા બાદ જ આ સહાય અર્પણ કરાશે. જેથી દાતાઓ દ્વારા આપાતુ દાન અને સહાય યોગ્ય વ્યકિતઓ સુધી પહોચાડી શકાય.

બીજી તરફ જૂનાગઢ જીલ્લા લેઉવા પટેલ મહિલા મંડળ દ્વારા આગામી દિવસોમાં  એક ખાસ અભિયાન હાથ ધરવામાં આવશે. ગામડે ગામડે બેઠકો યોજીને આ અભિયાન અંતર્ગત લોકોને જળસંચય અને જમીનના તળ રિચાર્જ કરવા જાગૃત કરવામાં આવશે. હાલ ઉનાળાનો સમય ચાલે છે. આગામી દિવસોમાં ચોમાસુ આવી જશે ત્યારે ખેતી અને ગામડા બચાવવા માટે જળસંચય જ સૌથી શ્રેષ્ઠ વિકલ્પ છે. લોકો ખોટા સામાજીક કુરિવાજોમાંથી બહાર આવે, સંતાનોમાં શ્રેષ્ઠ સંસ્કારોનું સિંચન અને શિક્ષણ આપે, પરિવારને આત્મનિર્ભર બનાવે તેવા ઉદ્દેશ સાથે આ અભિયાન ચલાવવામાં આવશે.

સમાજના રાજકીય આગેવાનો, સામાજીક અને સંસ્થાકીય અગ્રણીઓ, અધિકારીઓ, પદાધિકારીઓ, કાર્યકરો, સમાજસેવકો, નિષ્ણાંતો, તજજ્ઞો વગેરેને આ અભિયાનમાં જોડવામાં આવશે. ગામડે ગામડે સમાજ સંગઠીત બને અને સમાજ તથા રાષ્ટ્રનો વિકાસ કરે તેવી સમજણ આ અભિયાનમાં આપવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ નાની મોણપરી ખાતે ૫૬ દિકરીના સમુહલગ્નનું આયોજન કરવામાં આવ્યુ હતુ. આવી રીતે અગાઉ દાત્રાણા, ચિરોડા, ભેંસાણ સહિતના જિલ્લાના જુદા જુદા વિસ્તારમાં સમુહલગ્ન દ્વારા ૧૮૦૦ થી વધુ દિકરીઓને સાસરે વળાવીને સમાજના ખોટા ખર્ચા અને સમયના બગાડને અટકાવવામાં જૂનાગઢ જિલ્લા લેઉવા પટેલ મહિલા મંડળ માધ્યમ બન્યું છે.

ખંભાળિયા

પવિત્ર પુરૂષોત્તમ અધિક માસમાં લોકો આસ્થાપુર્વક ભગવાન પુરૂષોત્તમની ભકિત ભાવના સાથે પુજન અર્ચન કરી રહ્યા છે. કલ્યાણરાયજી મંદિરે રોજ સવારથી ભાવિકો ઉમટે છે તથા રોજ વિશેષ પૂજા દર્શનના લાભ પણ ભાવિકો લે છે. તો પાળેશ્વર મહાદેવ, શ્રી આમનાથ મહાદેવ મંદિરે પણ ભાવિકો ભગવાનની સ્થાપના કરીને રોજ વ્રતકથા કરે છે.

મહાદેવવાડાના શિવમંદિરો નદીના કાંઠા પર આવેલ હોય ત્યાં પણ ભાવિકો અને મહિલાઓ સવારથી પૂજામાં ઉમટે છે.પુરૂષોત્તમજીનું મંદિર આવેલ છે ત્યાં પણ ભાવિકો ઉમટે છે. અગાઉ પુરૂષોત્તમ માસને ડોસીયોનો માસ ગણીને વૃધ્ધ સ્ત્રીઓ ઘી નદીમાં રામનાથ આમનાથ ખાતે ઉમટી પડતા કાંઠાગોરની પુજા થતી કાઠા પર પુરૂષોત્તમ ભગવાનની સ્થાપના તથા રોજ કથા થતી હતી પણ ધીરે ધીરે આ પરંપરા ઓછી થતી જાય છે.

રામનાથ સોસાયટીમાં શારદાબેન ગોકાણીની આગેવાની હેઠળ સોસાયટીના લલીતાબેન રાણાભાઇ જાદવ, વાલીબેન વીરમભાઇ ગઢવી, મયુરીબેન સતીશભાઇ જાદવ, દત્તાબેન સુનીલભાઇ ગોકાણી, રેખાબેન સુનીલભાઇ જાદવ વગેરેએ પુરૂષોત્તમ ભગવાનની સ્થાપના સાથે રોજ પૂજન અર્ચન કરે છે.

(12:33 pm IST)