Gujarati News

Gujarati News

News of Monday, 21st May 2018

ગોંડલમાં ચારણ પરિવારો વચ્ચે લાકડી-ધોકાથી ધમાલઃ ૮ ઘવાયા

રિસામણે આવેલી બહેનને બાજુમાં જ રહેતાં બનેવીએ મારકુટ કરતાં ભાઇ છોડાવવા જતાં જામી પડીઃ પીઠા, તેના ભાઇઓ દેપાળ, પ્રાગજી અને માતા પાલીબેન તથા સામા પક્ષે પીઠાના બનેવી કલ્યાણ, તેના મામા વાઘાભાઇ અને મામાના દિકરા નકાને ઇજાઃ રાજકોટ ખસેડાયા

સામ-સામી મારામારીમાં ઘાયલ થયેલા ચારણ પરિવારના લોકોને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે

રાજકોટ તા. ૨૧: ગોંડલમાં જામવાડી પેટ્રોલ પંપ નજીકની શ્રી હોટેલ સામે રહેતાં ચારણ પરિવારો વચ્ચે સાંજે ધોકા-લાકડીથી મારામારી થતાં બંને પક્ષના ૮ને ઇજા થતાં સારવાર માટે રાજકોટ ખસેડાયા હતાં. ચારણ યુવાનની રિસામણે આવેલી બહેનની બાજુમાં જ રહેતાં બનેવીએ મારકુટ કરતાં આ યુવાન છોડાવવા જતાં તેના પર હુમલો થયા બાદ સામા-સામા એક બીજા પર તૂટી પડ્યા હતાં.

હુમલામાં ઘાયલ થયેલા પીઠા સોમાભાઇ નાકરાણી (ચારણ) (ઉ.૩૫), તેના ભાઇ દેપાળ સોમાભાઇ (ઉ.૩૦), પ્રાગજી સોમાભાઇ (ઉ.૨૫) અને માતા પાલીબેન સોમાભાઇ (ઉ.૬૨)ને સારવાર માટે ગોંડલ હોસ્પિટલમાં અને ત્યાંથી રાજકોટ સિવિલમાં ખસેડાયા હતાં. પીઠા નાકરાણીના કહેવા મુજબ પોતે પશુપાલન કરી ગુજરાન ચલાવે છે. તેના બહેન લક્ષ્મીબેન બાજુમાં જ સાસરે છે. તેણીને બનેવી કિલ્યાણભાઇ સાથે માથાકુટ થતાં તેણી ચારેક દિવસથી રિસામણે આવી હતી. ગત સાંજે બહેનને બનેવીએ ઘર પાસે મારકુટ શરૂ કરતાં પોતે છોડાવવા જતાં પોતાના પર હુમલો થયો હતો. ભાઇઓ અને માતા દોડી આવતાં તેના ઉપર પણ કિલ્યાણ, વાઘાભાઇ, નકા, બધીબેન સહિતે લાકડી-ધોકાથી હુમલો કર્યો હતો. સામા પક્ષે કિલ્યાણભાઇ માણસુરભાઇ માલાણી (ઉ.૪૦), તેના મામા વાઘાભાઇ લખધીરભાઇ નાકરાણી (ઉ.૪૯), મામાનો દિકરો નકા વાઘાભાઇ (ઉ.૨૯) અને બધીબેન માણસુરભાઇ માલાણી (ઉ.૬૦) પણ પોતાના પર પીઠા, દેપાળ, પ્રાગજી, પાલીબેને લાકડીથી હુમલો કરી માર માર્યાની ફરિયાદ સાથે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં  દાખલ થતાં બંનેની એન્ટ્રી હોસ્પિટલ ચોકીના સ્ટાફે ગોંડલ સીટી પોલીસમાં નોંધાવી હતી. (૧૪.૬)

(10:52 am IST)