Gujarati News

Gujarati News

News of Monday, 21st May 2018

મોરબી એલસીબીનો સપાટો : હાઇવે પર સ્ત્રી વેશે વાહન ચાલકોને લુંટતી ડફેર ગેંગના બે સાગરીતોની ધરપકડ

આરોપીઓ પાસેથી ઇકો કાર ઉપરાંત ધારીયું, છરી અને દોરડું તેમજ ટોર્ચ જેવા સાધનો કબજે

માળિયા હાઈવે પર તાજેતરમાં  ટ્રક ચાલકોને માર મારી લૂંટી લેવાનો બનાવ નોંધાયો હતો જેમાં એક ટ્રક ચાલકનું ઢોર મારને પગલે મોત થયું હતું ત્યારે લૂંટ વિથ મર્ડરના આ બનાવ અંગે ઇન્ચાર્જ એસપી અક્ષય રાજ મકવાણા અને ડીવાયએસપી બન્નો જોષીના માર્ગદર્શન હેઠળ મોરબી એલસીબી ટીમે સઘન તપાસ ચલાવી હતી જેમાં માળિયા હાઈવે પર સીસીટીવી ફૂટેજની મદદથી શંકાસ્પદ ઇકો કાર નં જીજે ૦૧ આરએન ૯૪૯૧ જણાઈ આવતા આ કારને આંતરીને માળિયા ભીમસર ચોકડી પાસે ઝડપ લેતા કારમાં સવાર સંજયસિંહ ઉર્ફે મુન્નો ઘનશ્યામસિંહ દરબાર અને કિશન ચંદુભાઈ જાદવ કોળી રહે. બંને ગાંગડ તા. બાવળા જી. અમદાવાદ વાળાને ઝડપી લઈને પૂછપરછમાં લૂંટના ગુન્હાની કબુલાત આપી હતી

  આરોપીઓ પાસેથી ઇકો કાર ઉપરાંત ધારીયું, છરી અને દોરડું તેમજ ટોર્ચ જેવા સાધનો મળી આવતા કબજે લેવાયા છે. બંને આરોપીને ઝડપી લઈને સઘન પૂછપરછ કરતા તેની લૂંટારૂ ગેંગના અન્ય નવ ઇસમોના નામો ખુલ્યા છે જેમાં જમાલ ઉર્ફે સલીમ દાઉદ ડફેર, રમઝાન દાઉદ ડફેર, લાલો કાવા ડફેર, કાવા દાઉદ ડફેર, હૈયાઝ દાઉદ ડફેર રહે. બધા ગાંગડ તેમજ કટિયા સુલેમાન ડફેર, આમદ મયુદીન ડફેર, અકબર સુમાર ડફેર અને સદામ ઈસ્માઈલ ડફેર રહે. દેવાળિયા તા. રાણપુર જીલ્લો બોટાદ વાળાના સાથે મળીને લૂંટને અંજામ આપતા હોવાની કબુલાત આપી છે.

   આરોપીઓ રાત્રીના સમયે ઇકો કારમાં બેસીને હાઈવે પર લૂંટને અંજામ આપતા હતા અને સ્ત્રીનો વેશ ધારણ કરીને ટોર્ચનો ઉપયોગ કરી ટ્રક રોકાવતા બાદમાં ટ્રક ચાલકને બાંધી દઈને લૂંટ ચલાવતા હોવાની કબુલાત આપી છે. એલસીબી ટીમે આરોપીના રિમાન્ડ મેળવવા તજવીજ આદરી છે અને રિમાન્ડ દરમિયાન લૂંટનો મુદામાલ રીકવર કરવાની તજવીજ આદરી છે.

(10:24 pm IST)