Gujarati News

Gujarati News

News of Wednesday, 21st April 2021

વાંકાનેરમાં ગાયત્રી કોવિડ કેર સેન્ટરે રેપીડ ટેસ્ટ સવારે ૧૦ થી ૧ થશે

(નિલેશ ચંદારાણા દ્વારા) વાંકાનેર તા.૨૧ : ગાયત્રી શકિતપીઠ પાસે નવા બનેલા હોલમાં રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ પ્રેરીત ડો.હેડગેંવાર જન્મ શતાબ્દી સેવા સમિતિ સૌરાષ્ટ્ર પ્રાંત અને વેદમાતા ગાયત્રી પબ્લિક ચેરી. ટ્રસ્ટ દ્વારા ઉદ્યોગપતિઓના સહયોગથી ૫૦ બેડનું શ્રી ગાયત્રી કોવીડ કેર સેન્ટર શરૂ થયુ છે. જયા કુદરતી વાતાવરણ વચ્ચે દર્દીઓને ભોજન દવા, સારવાર સંપુર્ણ નિઃશુલ્ક મળી રહે છે.

આ કોવિડ કેર ઉપર આવતા દર્દીઓ રેપીડ ટેસ્ટ પણ અહી જ થાય તે માટે જસદણ સિરામીકના યુવા ઉદ્યોગપતિ પ્રજ્ઞેશભાઇ પટેલ અને તેમની ટીમ દ્વારા મોરબી સિરામીક એશો.નો સંપર્ક કરી રેપીડ ટેસ્ટ કીટની વાત કરી અને તેમા સહયોગ આપવા જણાવતાની સાથે જ મોરબી સીરામીક એશો. દ્વારા તુરંત ૫૦૦ કીટ આ કોવિડ સેન્ટરને આપવા તૈયારી બતાવેલ. આ સાથે શ્રી ગાયત્રી કોવીડ કેર સેન્ટર ઉભુ કરવામાં દોડધામ કરતા મોરબી જીલ્લા ભાજપના પુર્વ મહામંત્રી હિરેન પારેખ, પ્રજ્ઞેશ પટેલ, ચેતનગીરી ગોસ્વામી, રૂષીભાઇ ઝાલા દ્વારા મોરબી જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગની ટીમની સેવા માંગતા તે પણ સવારે ૧૦ થી ૧ વાગ્યા સુધી આરોગ્ય વિભાગનો સ્ટાફ આ કોવીડ સેન્ટર ઉપર હાજર રહી ટેસ્ટ કરી આપવા તૈયાર થતા આ કોરોના રેપીડ ટેસ્ટ માટે લોકો રૂ. ૭૦૦ થી ૮૦૦ ખર્ચવા પડતા તે હવે આ કોવીડ સેન્ટર ઉપર વિનામુલ્યે થઇ શકે છે અને દરરોજ ૧૦ થી ૧ વચ્ચે ૫૦ લોકોના ટેસ્ટ કરવામાં આવશે.

ગઇકાલે પ્રથમ દિવસે ગાયત્રી કોવિડ કેર સેન્ટર ઉપર સારવાર માટે આવેલ દર્દીઓના કોરોના રેપીડ ટેસ્ટ સેન્ટરના નીચેના રૂમમાં ઇન્ચાર્જ ટીએચઓ ડો.ધવલ રાઠોડના માર્ગદર્શન હેઠળ ડો.મહેરીન પરાસરા, ડો.રવિરાજ મકવાણા સહિતના ડોકટર અને પેરા મેડીકલ સ્ટાફ વિનામુલ્યે ટેસ્ટ કરવામાં આવ્યા હતા.

શ્રી ગાયત્રી કોવીડ કેર સેન્ટરમાં ડો.એ.જે.મસાકપુત્રા, ડો.અભિષેક પરસાણીયા, નર્સિંગ સ્ટાફ દ્વારા દર્દીઓની સારવાર ચાલી રહી છે અને રોગમુકત થતા દર્દીઓને પુષ્પગુચ્છ આપી કોવીડકેર માંથી રજા સાથે શુભેચ્છા આપવામાં આવેલ છે.

કોરોના રેપીડ ટેસ્ટ દરરોજ સવારે ૧૦ થી ૧ સુધી કરાશે. આ માટે લોકોએ ટેસ્ટ કરાવવો હોય તેઓએ ચેતનગીરી ગોસ્વામી મો. ૯૭૨૩૩ ૬૦૬૬૬ ઉપર સંપર્ક કરી ટોકન નંબર મેળવી લેવા શ્રી ગાયત્રી કોવીડ કેર સેન્ટર દ્વારા જણાવાયુ છે.

(12:06 pm IST)