Gujarati News

Gujarati News

News of Wednesday, 21st April 2021

કચ્છમાં માવઠા સાથે વાવાઝોડુઃ માતા-પુત્રના મોત

ગોંડલ અને વાસાવડમાં કમોસમી વરસાદ પડયોઃ રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં મિશ્ર હવામાન યથાવત

પ્રથમ તસ્વીરોમાં કચ્છના ભચાઉમાં થયેલ દુર્ઘટના અને છેલ્લી તસ્વીરોમાં ગોંડલ અને વાસાવડમાં વરસેલ માવઠુ નજરે પડે છે. (તસ્વીરઃ વિનોદ ગાલા(ભુજ) ભાવેશ ભોજાણી (ગોંડલ)

રાજકોટ તા. ર૧ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં માવઠામય માહોલ સાથે કમોસમી વરસાદ પડયો હતો. કચ્છમાં માતા-પુત્રના મોત થયા હતા.

ગોંડલ અને વાસાવાડમાં પણ કરા સાથે વરસાદ વરસ્યો હતો અને પવન ફુંકાયો હતો.

આજે સવારથી અસહ્ય ઉકળાટનો અહેસાસ થઇ રહ્યો છે અને લોકો પરસેવે રેબઝેબ થઇ રહ્યા છે.

ભુજ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ : ગઇકાલે સાંજે ભચાઉ પંથકમાં માવઠા વચ્ચે છાડવારા ગામે વંટોળિયા સાથે વાવાઝોડું ત્રાટકયું હતું. ભારે પવન અને કરા સાથેના વરસાદી વંટોળથી ગામના અનેક ઘરોના છાપરા ઉડી ગયા હતા. વીજ થાંભલાઓ પણ પડી ગયા હતા. પવને મોટા મોટા વૃક્ષોને ધરાશાયી કરતાં ગામના પાદરે મોટા વૃક્ષ નીચે કરા તેમ જ પવનથી બચવા આશરો લેનાર રીક્ષા ઝાડ ધરાશાયી થતાં તેની નીચે જ રીક્ષા દબાઈ ગઈ હતી. આ રિક્ષામાં બેઠેલા ૨૫ વર્ષીય ખતીજાબેન ઈરફાન ઘાંચી અને તેમનો દોઢ વર્ષનો પુત્ર અફન એ બંનેના મોત થયા હતા. જયારે ત્રણ ઈજાગ્રસ્ત થયા હતા. આ પરિવાર ગામમાં આવેલ તરતપીર ની દરગાહે માથું ટેકવવા ગયો હતો.

જામનગર

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગરઃ જામનગરનું મહત્તમ ડિગ્રી, લઘુતમ ર૪ ડિગ્રી હવામાં ભેજ ૮પ ટકા અને પવનની ઝડપ ૭.૮ કિ.મી.પ્રતિ કલાક રહી હતી.

(12:03 pm IST)