Gujarati News

Gujarati News

News of Saturday, 21st April 2018

માણાવદર, માંગરોળ, બાંટવા, પોરબંદર, કુતિયાણા પંથકમાં ભેદી ધડાકાઃ સુરેન્દ્રનગરમાં ભૂકંપના ત્રણ હળવા આંચકા

રાજકોટ, તા. ૨૧ :. લાંબા સમય બાદ સુરેન્દ્રનગરમાં ભૂકંપના હળવા આંચકા અનુભવાતા લોકોમાં ભય ફેલાયો છે. જ્યારે આજે માણાવદર પંથકમાં ભેદી ધડાકા સાથે ધરા ધ્રુજી ઉઠતા લોકોમાં ગભરાટ ફેલાયો છે.

ગાંધીનગર સ્થિત સીસ્મોગ્રાફી સેન્ટરના અહેવાલમાં જણાવાયુ છે કે, ગઈકાલે સાંજે ૫.૦૫ વાગ્યે ૨.૦ તથા ૬.૦૩ વાગ્યે સુરેન્દ્રનગરમાં ૧.૩ અને ૬.૩૩ વાગ્યે ૨.૧ની તિવ્રતાના આંચકા અનુભવાયા હતા. જેથી લોકોમાં ગભરાટ ફેલાયો હતો.

માણાવદરના પ્રતિનિધિ ગીરીશ પટેલના અહેવાલમાં જણાવાયુ છે કે, આજે બપોરે ૧૨.૦૫ વાગ્યે માણાવદર શહેર તથા પંથકમાં ભેદી ધડાકા સાથે ધરતી ધ્રુજી ઉઠતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. પ્રચંડ ધડાકાથી લોકોમાં ભારે ભય ફેલાય ગયો હતો અને ૨૬મી જાન્યુઆરીની યાદ આવી ગઈ હતી.

પોરબંદરના પ્રતિનિધિ પરેશ પારેખના અહેવાલમાં જણાવાયુ છે કે, કુતિયાણા રાણાવાવ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં આજે બપોરે ૧૨ વાગ્યા પછી ભેદી ધડાકો થતા લોકો ઘરની બહાર નિકળી ગયેલ હતા. ભેદી ધડાકાથી કયાંય નુકશાન થયેલ નથી.

જૂનાગઢના પ્રતિનિધિ વિનુ જોશીના અહેવાલમાં જણાવાયુ છે કે આજે બપોરે માણાવદર, માંગરોળ, બાંટવા તથા પોરબંદર જિલ્લાના કુતિયાણા અને પોરબંદરમાં ભેદી ધડાકા સંભળાયા હતા. જેના કારણે લોકોમાં ભય ફેલાય ગયો છે.

દરમિયાન ગાંધીનગર સ્થિત સિસ્મોગ્રાફી સેન્ટરમાં આ અંગે તપાસ કરતા તેઓએ જણાવ્યુ હતુ કે, સૌરાષ્ટ્રમાં કોઈપણ જગ્યાએ આજે ભૂકંપનો આંચકો નોંધાયો નથી.

પોરબંદરના મામલતદારશ્રીએ જણાવ્યુ હતુ કે, ટાયર ફાટયુ હોય અને મોટો અવાજ આવે તેવો અવાજ આજે બપોરે ૧૨ વાગ્યા આસપાસ સંભળાયો હતો.

બેટ ટાપુ ઉપર પણ ધડાકા સંભળાયા

જામનગરઃ. દેવભૂમિ દ્વારકા જિલ્લાના બેટ દ્વારકા ટાપુ ઉપર આજે બે ત્રણ ભેદી ધડાકા સંભળાયા હતા. જો કે આ ધડાકા નેવીની કોઈ કવાયત દરમિયાન થતા હોવાનું પણ જાણવા મળ્યુ છે.

છેલ્લા ૧૦ - ૧૨ દિવસથી અહીં આવા ધડાકા વારંવાર સંભળાતા હોવાનું પણ જાણકારો જણાવી રહ્યા છે. જો કે ભૂકંપના કોઈ ધડાકા હોવાનું સમર્થન મળતુ નથી.

(3:12 pm IST)