Gujarati News

Gujarati News

News of Saturday, 21st April 2018

સુરેન્દ્રનગર ખાતે પ્રધાનમંત્રી કૌશલ્ય કેન્દ્રનો સાંસદ ફતેપરાના હસ્તે પ્રારંભ

સુરેન્દ્રનગર તા. ૨૧ : સુરેન્દ્રનગર ખાતે પ્રધાનમંત્રી કૌશલ્ય કેન્દ્ર લોકસાભાના સાંસદ દેવજીભાઇ ફતેપરાના હસ્તે રીબન કાપી ખુલ્લુ મુકાયું હતું.

આ પ્રસંગે સાંસદ ફતેપરાએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના અંતર્ગત ભારતના દરેક જિલ્લા દિઠ એક પ્રધાન મંત્રી કૌશલ્ય કેન્દ્રની સ્થાપના કરવામાં આવી છે. આ કૌશલ્ય કેન્દ્રમાં વર્ષ-૨૦૨૨ સુધીમાં ૨૪ લાખ યુવક-યુવતીઓને તાલીમ આપીને તેમને રોજગારી આપવાની સરકારની નેમ છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે ભારત સરકારની આ કૌશલ્ય વિકાસ યોજના અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લામાં શરૂ થયેલ પ્રધાનમંત્રી કૌશલ્ય કેન્દ્ર ખાતે આધુનિક સુવિધા સાથે વિવિધ તાલીમ આપવામાં આવશે. જિલ્લાના બેરોજગાર યુવાનો- યુવતિઓએ ટુંકાગાળાની તાલીમનો લાભ લઇ સ્વરોજગારી મેળવી સ્વાવલંબી બનવા ઉપસ્થિતોને અનુરોધ કર્યો હતો.

આ પ્રસંગે સુરેન્દ્રનગર નગરપાલિકાના ઉપપ્રમુખશ્રી જીજ્ઞાબેન પંડયા, જનરલ મેનેજરશ્રી ગજેન્દ્ર સોલંકી તથા સેન્ટર મેનેજરશ્રી અતુલ ચતુર્વેદીએ કાર્યક્રમની સવિસ્તાર રૂપરેખા આપી પ્રાસંગિક ઉદ્દબોધન કરતા જણાવ્યું હતું કે સુરેન્દ્રનગર ખાતે પ્રધાનમંત્રી કૌશલ્ય કેન્દ્ર ખાતે હાલ સિલાઈ મશીન ઓપરેટર, ઈન્વેન્ટરી કલાર્ક, પ્લમ્બર જનરલ, ફીટર સ્તર, સંતુલન ગોઠવણી, ઓટોમોટીવ સર્વિસ ટેકનીશીયન (ટુ અને થ્રી વ્હીલર) આમ પાંચ પ્રકારની કૌશલ્ય તાલીમ આપવામાં આવશે. જેનો ૧૮ થી ૩૫ વર્ષના કોઇપણ વ્યકિત લાભ લઇ શકશે. તો આ કેન્દ્ર ખાતે શરૂ કરવામાં આવેલ પાંચ પ્રકારની ટુંકી મુદતની તાલીમનો લાભ ઉઠાવવા અનુરોધ કર્યો હતો.

સાંસદ ફતેપરા તેમજ મહાનુભાવોના હસ્તે દિપ પ્રાગટ્ય કરવામાં આવેલ હતું. આ પ્રસંગે પી.એસ.આઇ. શ્રી વી.બી. કલોતરા, એન.એસ.ડી.સી.ના સ્ટેટ કો- ઓર્ડીનેટર રાકેશકુમાર સહિત બહોળી સંખ્યામાં તાલીમાર્થીઓ ઉપસ્થિત રહયા હતાં.(૨૧.૧૨)

(12:47 pm IST)