Gujarati News

Gujarati News

News of Saturday, 21st April 2018

મોરબીના મકનસર ગામે બંધ મકાનમાં તસ્કરો ત્રાટકયાઃ રોકડ-દાગીના સહિત ૩ લાખની ચોરી

ગીરીશભાઈ રાઠોડ તેમના પરિવાર સાથે થાનગઢ લગ્નમાં ગયા હતા અને તસ્કરો ઘર સાફ કરી ગયા

રાજકોટ, તા. ૨૧ :. મોરબી જિલ્લાના મકનસર ગામે ગઈ તા. ૧૯ની રાત્રીએ બંધ મકાનમાં તસ્કરોએ ત્રાટકી રૂ. ૨૫ હજાર રોકડા અને સોના-ચાંદીના દાગીના સહિતની મત્તા ચોરી જતા નાના એવા ગામમાં ફફડાટ સાથે ચકચાર મચી જવા પામી છે.

આ બનાવ અંગે મકનસરમાં રેલ્વે લાઈન પાસે સોસાયટીમાં રહેતા ગીરીશભાઈ દેવીદાસભાઈ રાઠોડે જાહેર કર્યા મુજબ ગઈ તા. ૧૯ના રોજ તેઓ પરિવાર સાથે થાનગઢ ગામે લગ્ન પ્રસંગે ગયા હતા. જ્યાંથી તા. ૨૦ના સાંજે ૫ વાગ્યા આસપાસ તેઓ પરિવાર સાથે પોતાના ઘર પહોંચ્યા ત્યારે ઘરના તાળા તૂટેલા હતા અને ઘરમાં તમામ ઘરવખરી વસ્તુઓ વેરવિખેર પડેલી જોવા મળી હતી. આથી પરિવારજનોએ ઘરમાં તપાસતા ઘરમાં રાખેલા પગારના રૂ. ૨૫૦૦૦ રોકડા ઉપરાંત કબાટની તિજોરી તથા અન્ય સ્થળોએ રાખેલ સોનાના બે ચેઈન, ચાર વીટી, ૩ જોડી બુટી, ચાંદીની ૩ જોડી સાંકળા, નાના બાળકના ૩ ઓમકાર, બે ચાંદીની લક્કી સહિત કુલ ૩ લાખનો મુદ્દામાલ ચોરી થયાની હકીકત ખુલી હતી. આથી ગીરીશભાઈના પુત્ર રાજુએ તાત્કાલીક પોલીસને જાણ કરતા પોલીસે આ બાબતે જાણવાજોગ વિગતો નોંધી અને સત્તાવાર ફરીયાદની તજવીજ હાથ ધરી છે.(૨-૧૨)

(12:42 pm IST)