Gujarati News

Gujarati News

News of Saturday, 21st April 2018

અમાનવીય કૃત્ય આચરનારા શખ્સોને ફાંસી આપોઃ કોડીનારમાં મુસ્લિમ સમાજની મૌન રેલી

કોડીનાર તા. ૨૧ : દેશના વિવિધ શહેરોમાં નાની બાળાઓ ઉપર નરાધમ શખ્સો દ્વારા દુષ્કર્મ આચરી હત્યાઓના બનાવો દિવસે દિવસે વધી રહ્યા છે. ત્યારે કોડીનારના મુસ્લિમો દ્વારા અને સદભાવના ગ્રુપ દ્વારા કઠુઆ, ઉન્નાવ, સુરતના હેવાનીયત બનાવોના વિરોધમાં આજે જુમ્માની નમાઝ બાદ વિશાળ મૌન રેલી નીકળી હતી. કાદરી મસ્જિદ ચોકથી શરૂ થયેલી આ પ્રચંડ મૌન રેલીમાં મોટી સંખ્યામાં મુસ્લિમો જોડાયા હતા. આ મૌન રેલી શહેરના વિવિધ વિસ્તારોમાં થઈ મામલતદાર ઓફિસે પહોંચી મામલતદાર દ્વારા દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

આવી અમાનવીય ઘટનાઓથી નરાધમો ઉપર નફરત અને ફીટકારની લાગણી ફેલાવા સાથે ભારે આઘાત લાગેલ છે. તેમજ આવા બનાવોમાં ઉતરોત્ત્।ર સતત વધારો થઈ રહ્યો છે જે ચિંતાજનક બાબત હોય આ તમામ ઘટનાને કોડીનારના હિન્દુ મુસ્લિમોએ એક સાથે વખોડી રાજકારણથી દૂર રહી તમામે એક અવાજે આવા અમાનવીય નિંદનીય કૃત્યો આચરનારા નરાધમોને તાત્કાલિક સજાની માગ કરી હતી. તેમજ આવી ઘટનાઓમાં કોઈ નક્કર પગલાંઓ ભરવામાં નહી આવે તો આવનારા દિવસોમાં સભ્ય સમાજ અને નારીઓની આબરૂને લાંછન લગાડતા અને ગૌરવને લાંછન લગાડતી આવી ઘટનામાં સંડોવાયેલા કોઈ પણ અમરબંધીને છોડવા અને દાખલા રૂપ સજા તાત્કાલિક ધોરણે કરવા આવેદનપત્રમાં ઉગ્ર માગણી કરવામાં આવી છે. આ વિશાળ મૌન રેલીમાં મુસ્લિમ દ્વારા બળાત્કારીઓ વિરૂદ્ઘના બેનરો મોટી સંખ્યામાં જોવા મળ્યા હતા. જેમાં જસ્ટિસ આસિફા અને નરાધમોને ફાંસી જેવા અનેક બેનરો રેલીમાં જોવા મળ્યા હતા.

મૌન રેલી જયારે મામલતદાર ઓફિસરે પહોંચી ત્યારે કોડીનારના ધારાસભ્ય મોહનભાઈ વાળા કે.સી.ઉપાધ્યાય, મહેશ મકવાણા, શૈલેષ ભાઈ વાઘેલા, સંજર બાપુ કમાદરી, ફરજંદ અલી બાપુ, ઈબ્રાહીમ પિરાણી, બસીરભાઈ શેખ, તનવીર જુણેજા, દાદાબાપુ કાદરી સહિતના અગ્રણીઓએ મામલતદારને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી. આ મૌન રેલીમાં મોટી સંખ્યામાં મુસ્લિમો સહિત અનેક હિન્દુ સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(11:17 am IST)