Gujarati News

Gujarati News

News of Saturday, 21st March 2020

જામનગરમાં માલધારી મહિલા સંમેલનમાં અસ્સલ ભરવાડ સંસ્કૃતિના દર્શન

ખાનદાની ખુમારી અમારી જોવી હોય તો કલિકાળમાં ભરવાડ સમાજમાં જોવા મળશેઃ ચંદ્રેશભાઇ પટેલ : મુખ્ય યજમાનોનું ભરવાડી ધાબળીની પહેરામણીથી સ્વાગતઃ સમુહ લગ્નના ૧૧૩ નવદંપતીઓને રાજય સરકારની સહાય અને કુંવરબાઇનું મામેરુ આદેશ પત્ર વિતરણ સહિત ત્રિવિધ સમારંભ યોજાયો

ફલ્લા તા. ર૧ :.. જામનગર પંચકોષી સમસ્ત ભરવાડ સમાજ, ગોપાલક માલધારી સમુહલગ્ન સમિતિના નેજા હેઠળ તાજેતરમાં ભરવાડ સમાજની ૧૧૩ ગોપ કન્યાઓનો બારમો સમુહ લગ્નોત્સવ ઉજવાયો હતો. તેનાં અનુસંધાને 'કુંવરબાઇનું મામેરુ' આદેશપત્ર વિતરણ, બારમા સમુહલગ્નના હિસાબો તેમજ માલધારી મહિલા સંમેલન સાથેનો ત્રિવિધ સમારોહ બેટ-દ્વારકાના પૂજય મહંતશ્રી રઘુભગત રાજાભગતની સાનિધ્યમાં જામનગરમાં યોજાયો હતો.

આ ત્રિવિધ સમારોહનું દીપ પ્રાકટયથી ઉદઘાટન જિલ્લા ભાજપના પ્રમુખ ચંદ્રેશભાઇ પટેલ તથા સંતો - મહંતો અને આમંત્રીત મહેમાનોએ કર્યું હતું. સમારોહના પ્રારંભમાં જામનગર ગોપાલક સમુહ લગ્ન સમિતિના મુખ્ય પ્રયોજક મનોજભાઇ ચાવડીયાએ શબ્દપુષ્પથી અભિવાદન સાથે બારમા સમુહ લગ્નના હિસાબો રજૂ કરી પ્રાસંગિક બાબતોનો ચિતાર આપ્યો હતો.

સમારોહના મુખ્ય યજમાનો ભરવાડ ખોડાભાઇ તથા લખનભાઇ તથા મેઘાભાઇ વકાતર સપરિવારે સૌ  મહાનુભાવોનું ફુલહાર તથા ભરવાડી ધાબળીની પહેરામણીથી સ્વાગત કરેલ હતું.

પછાતમાં પણ સૌથી પછાત એવા ભરવાડ સમાજની કન્યાઓ લગ્નગ્રંથીથી જોડાયેલ ૧૧૩ કન્યાઓને ગુજરાત સરકારના વિકસતી જાતિ કલ્યાણ ખાતા તરફથી 'કુંવરબાઇનું મોમેરુ' તથા 'સાત ફેરા સમુહ લગ્ન' યોજનાન મળી પ્રત્યેક કન્યાને રૂપિયા વીસ - વીસ હજાર તથા આવી ઉમદા કામગીરી કરવા બદલ ગોપાલક સમુહલગ્ન સમિતિને રૂપિયા પચાસ હજારની સહાય સાથે કુલ રૂ. રર.૬૦ લાખની આર્થિક સહાયન આદેશપત્ર - ચેક સ્વરૂપે તેમજ મેરેજ રજીસ્ટ્રેશન સર્ટીફીકેટ લગ્નના ફોટોગ્રાફસ અને અન્ય ચીજવસ્તુઓની કીટ જામનગર જિલ્લા ભાજપના પ્રમુખ ચંદ્રેશભાઇ પટેલ, જામનગર જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ વશરામભાઇ રાઠોડ, વિકસીત જાતિ જિલ્લા નાયબ નિયામક શ્રી ડો. આલાભાઇ ખમળ, વિકસતી જાતિ કલ્યાણ ખાતાના મદદનીશ અધિકારી, ડાડુભાઇ આંબલીય, ધારાશાસ્ત્રી હેમલભાઇ ચોટાઇ, જામનગર મહાનગરપાલિકાના કોર્પોરેટર આલાભાઇ રબારી, શ્રીમતી જનકબા જાડેજા, ખોડુભા જાડેજા, જામનગર તાલુકા ભાજપના પ્રમુખ મુકુંદભાઇ સભાયા, શ્રી જયેન્દ્રસિંહ જાડેજા, તાલુકા પંચાયતના સદસ્યા શ્રીમતી કુંવરબેન ઝાંપડા તથા સંતો - મહંતોના વરદ હસ્તે આપવામાં આવી હતી.

જામનગર જિલ્લા ભાજપના પ્રમુખ ચંદ્રેશભાઇ પટેલે જણાવેલ કે ખાનદાની, ખુમારી અને અમીરી જોવી હોય તો તે કળિકાળમાં ભરવાડ સમાજમાં જોવા મળે છે. શિસ્તબધ્ધ સમાજના પડતર માટે શિક્ષણ પાયાની જરૂરીયાત છે. રાજયની મહિલાઓ આત્મનિર્ભર બને તે માટે સરકારે અનેક નિર્ણયો કર્યા છે.

સમારોહના મુખ્ય મહેમાન તરીકે પધારેલા વિકસતી જાતિના જિલ્લા નાયબ નિયામક ડો. આલાભાઇ ખમળએ જણાવેલ કે ભરવાડ સમાજની બહેનો ઘરબેઠા નાણામંત્રીની ફરજો બજાવે છે. માલધારી સમાજની બહેનો વ્યવહાર કુશળ હોય છે. કરકસર સાથે ઘરના વ્યવહારો ચલાવવાની તેઓમાં આગવી સૂઝ હોય છે. રાજય સરકારની યોજનાઓનો વધારેમાં વધારે લાભ ભરવાડ સમાજ લઇ રહ્યો છે તેની ખુશી વ્યકત કરી હતી.

આ પ્રસંગે ભરવાડ સમાજે ભ્રુણ હત્યા, બાળલગ્ન અને કન્યા વિક્રયને દેશવટો આપવાનો સંકલ્પ જાહેર કર્યો હતો. નગા-લાખાની જગ્યા મોટો બોરુ (જિ. અમદાવાદ) થી પધારેલ લઘુમહંત પૂ નામદેવબાપુએ તમામ દિકરીઓ - મહીલાઓને મંગલમય, કલ્યાણકારી અને સુખી થવાના આશીર્વાદ પાઠવ્ય હતાં. માલધારી મહિલ સંમેલન પ્રસંગે દિલ્હી સ્થિત જામનગર-દેવભૂમિ દ્વારકાના સાંસદ પુનમબેન માડમના પ્રતિનિધિઓ તરીકે શ્રી આંબલિયા તથા શ્રી રાચ્છ ઉપસ્થિત રહી શુભેચ્છઓ પાઠવી હતી.

આ ઉપરાંત જિલ્લા પંચાયત જામનગરના ઉપપ્રમુખ વશરામભાઇ રાઠોડે ભરવાડ સમાજની એકતા, સંપ અને સંગઠન અન્ય સમાજ માટે પ્રેરણારૂપ છે તે અંગેના ઉદાહરણો આપી સમજણ - સંપીલા સમાજની સરાહના કરી જિલ્લા પંચાયત તરફથી મળતી યોજનાઓનો લાભ લેવા સૌને અનુરોધ કર્યો હતો.

સમારોહમાં ગોપાલક - માલધારી સમુહ લગ્ન સમિતિઓના આયોજકો, ભરવાડ સમાજના અગ્રણીઓ વિરમભાઇ વકાતર, ઘેલાભાઇ વરૂ, અજાભાઇ બાંભવા, પાંચાભાઇ વરૂ, સુરેશભાઇ બાંભવા, રાજુભાઇ સરસીયા, રાજાભાઇ ઝાંપડા, સુરેશભાઇ કાંટોડિયા, મચ્છાભાઇ વેસરા, મંગાભાઇ બાંભવા, પાંચાભાઇ મંુધવા, કરણાભાઇ ખાટરીયા તથા મચ્છાભાઇ બાંભવ, પરેશભાઇ ટોળિયા, વિજયભાઇ ઠુંગા, ઉપસ્થિત રહ્યા હતાં.

અસલ ભરવાડી વંશપરંપરાગત પોષાકમાં વિવાહીત કન્યાઓની ઉપસ્થિત સૌનું ધ્યાન ખેંચતી હતી. સાચા અર્થમાં ભરવાડી સંસ્કૃતિનાં દર્શન થતાં હતાં. સુંદર શમિયાણી, ચા-પાણી, ઠંડા પીણાં, ભોજન સમારંભ તેમજ આનુસાંગિક તમામ વ્યવસ્થા વકાતર પરિવારના શ્રી ખોડાભાઇ, લખનભાઇ તથા મેઘાભાઇ તરફથી કરવામાં આવી હતી. આ ત્રિવિધ સમારોહને સફળ બનાવવા માટે હોદેદારોએ જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમનું સંચાલન રાજુભાઇ જોગસવાએ તથા આભારવિધી કમલેશભાઇ ખાટરીયાએ કરી હતી.

(12:59 pm IST)