Gujarati News

Gujarati News

News of Saturday, 21st March 2020

કોરોના સામે લડવા કચ્છ સજ્જ : આર્મી કેમ્પસમાં 'નો એન્ટ્રી': વિદેશ ગયેલા ૨૧૭ જણા કવોરેન્ટલ, બીચ, લગ્ન વાડી, મંદિરો બંધ

હાજીપીર દરગાહ બંધ, મદ્રેસાઓ બંધ કરવા વિચારણા : હજ - ઉમરાહ જઇ આવેલાને માહિતી આપવા મુસ્લિમ સમાજની અપીલ : જનતા કર્ફયુ માટે વ્યાપારી સંસ્થાઓ, ઔદ્યોગિક એકમો તૈયાર : કચ્છમાં તંત્ર એલર્ટ

ભુજ તા. ૨૧ : 'કોરોના' સામે લડવા લોકોની જાગૃતિ અનિવાર્ય છે, એવા સંજોગોમાં કચ્છમાં વહીવટીતંત્રની જાગૃતિથી લોકો જાતે જ આગળ આવ્યા છે અને સહકાર આપી રહ્યા છે. આવતીકાલે જનતા કરફયુ દરમ્યાન સૌને કામકાજ બંધ રાખવા કચ્છની વ્યાપારી સંસ્થાઓ તેમ જ ઔધોગિક સંસ્થાઓએ કરેલ અપીલને સાનુકૂળ પ્રતિસાદ મળી રહ્યો છે. ભુજ પાલિકાએ જાહેરમાં થુકનાર ૪૬૮ નાગરિકોને દંડ ફટકારી લાઉડસ્પીકર દ્વારા પણ જાહેરનામાનો અમલ કરવા અપીલ કરી છે. વિદેશ જઈ આવેલા ૨૧૭ નાગરિકોને કવોરેન્ટલ માટે ૧૪ દિવસ ઘરની બહાર ન નીકળવા આરોગ્યતંત્રે અપીલ કરી છે. આ નાગરિકો કવોરેન્ટલમાં રહે તે માટે પોલીસે પણ સૂચના આપી છે, જો તેઓ બહાર નીકળશે તો ફોજદારી કેસ કરાશે.

કચ્છના મંદિરોએ બંધ માટે જાહેરાત કર્યા બાદ હાજીપીરબાબા ની દરગાહ પણ ૩૧ મી સુધી બંધ રહેશે એવી જાહેરાત સાથે અત્યારે સલામ ભરવા નહીં આવવા અપીલ કરાઈ છે. ગઈકાલે મુસ્લિમ દંપતીને કોરોનાના શંકાસ્પદ લક્ષણો જણાયા બાદઙ્ગ મુસ્લિમ સમાજ દ્વારા હજ, ઉમરાહ જઇ આવનારાઓને તેમની માહિતી આપવા મુસ્લિમ સમાજ દ્વારા અપીલ કરાઈ છે. તે સિવાય મદરેસાઓ પણ બંધ રાખવા વિચારણા કરાઈ રહી છે. કચ્છના જૈન સમાજ દ્વારા પણ ૩૧ માર્ચ સુધી પંચતીર્થીના દહેરાસરો બંધ રાખવાની, ઉપશ્રયોમાં વ્યાખાન બંધ રાખવાની જાહેરાત કરાઈ છે.ઙ્ગ

કચ્છના આર્મી કેમ્પસમાં પણ બહારના વ્યકિતઓ માટે  'નો એન્ટ્રી' ની જાહેરાત કરાઈ છે. કંડલા પોર્ટ દ્વારા તેમના જે કર્મચારીઓ વિદેશ પ્રવાસ ગયા હોય તેમને તે અંગે પોર્ટના મેડિકલ ઓફિસરને માહિતી આપવા અપીલ કરાઈ છે. કંડલા પોર્ટ મજદૂર યુનિયને આંદોલન મોકૂફ રાખ્યું છે. ૩૧ મી સુધી કચ્છની તમામ લગ્નવાડીઓ, અતિથિગૃહો, જાહેર ભોજનાલયો બંધ રહેશે. તમામ સરકારી જનસેવા કેન્દ્ર બંધ રહેશે અને જરૂરી કામકાજ સિવાય કચેરીઓમાં અરજદારોને પ્રવેશ નહીં કરવા અપીલ કરાઈ છે.

તો, ગાંધીધામના કોરોનાનો એક શંકાસ્પદ દર્દી ૧૮ મીના બરેલીથી ટ્રેનમાં આવ્યો હોઈ તેણે જે બી-૩ કોચમાં પ્રવાસ કર્યો હતો તે કોચના પ્રવાસીઓની યાદી પણ એરિયા રેલવે મેનેજર દ્વારા તૈયાર કરી તે કોચના રેલયાત્રીઓની તપાસ માટે આરોગ્યતંત્રએ તૈયારી કરી દીધી છે. તો, કચ્છના તમામ ટોલગેટ ઉપર વાહનચાલકોનું સઘન ચેકીંગ કરાઈ રહ્યું છે.

જોકે, વાહનચાલકોમાં સામાન્ય શરદીના બે ચાર કેસ હોવાનું દેખાયું છે. કચ્છના કલેકટર પ્રવીણા ડીકે, ડીડીઓ પ્રભવ જોશી, આઈજી સુભાષ ત્રિવેદી, જિલ્લા આરોગ્ય અધિકારી ડો. પ્રેમકુમાર કન્નરઙ્ગ સાથે સમગ્ર તંત્ર સતત એલર્ટ છે.

(12:06 pm IST)