Gujarati News

Gujarati News

News of Saturday, 21st March 2020

'જનતા કફર્યુમાં' જોડાજો - 'કોરોના'ને ગંભીરતાથી લેજો-સ્વચ્છતા રાખજો-બહાર જવાનુ ટાળજોઃ ગીતા રબારી

મહામારીથી બચવા માટે કચ્છની કોયલ તરીકે જાણીતા લોકગાયિકાની અપીલ

રાજકોટ તા. ર૧ :.. 'કોરોના' રોગચાળો ધીમે ધીમે વધુ પ્રસરતો જાય છે ત્યારે 'કચ્છની કોયલ' તરીકે જાણીતા લોકગાયિકા ગીતા  રબારીએ આ રોગથી બચવા માટે કાળજી રાખવાની અપીલ કરી છે.

સોશ્યલ મિડીયામાં વિડીયો વાયરલ કરીને ગીતા રબારીએ કહયું કે, 'કોરોના' ને ઘણા લોકો ગંભીરતાથી નથી લેતા. પરંતુ આ રોગચાળો વધુ પ્રસરે નહી તે માટે સાવચેતીના પગલા ભરવા જરૂરી છે.

ગીતા રબારીએ વધુમાં જણાવ્યુ છે કે, આખા વિશ્વમાં જે 'કોરોના' નામની મહામારી ફેલાઇ છે તેમા આપણુ 'ભારત' પણ આવી ગયુ છે. આપણા ભારતમાં તેમજ ગુજરાતમાં ખાસ કરીને ૪ થી પ કેસ પોઝીટીવ આવ્યા છે તો આપણે બધાએ સ્વચ્છ રહીને આ બિમારી સામે લડવાનું છે.

ગીતા રબારીએ વધુમાં કહયું કે આમ તો ઘણા બધા દુષ્કાળો આપણે વેઠયા છે પણ આ બિમારી એવી છે કે જેની સામે લડવા માટે ફકત એક જ પોઇન્ટ છે. આપણી આજુબાજુ સ્વચ્છતા રાખીએ અને આપણે ખુદ સ્વચ્છ રહીને આની સામે લડવાનું છે.

ગીતા રબારીએ અપીલ કરતા જણાવ્યુ કે બહાર જવાનું ટાળો, બહાર જવાનુ થાય તો માસ્કનો ઉપયોગ કરો, અને ઘરે બને ત્યા સુધી હાથ ચોખ્ખા રાખો, વારંવાર હાથને સાબુ અને સેનેટાઇઝરથી સાફ કરો અને ઘરનું તાજુ જમવાનું રાખો.

ગીતા રબારીએ વધુમાં કહયું કે, ઘણા બધા લોકોએ 'કોરોના' ગંભીરતા લીધો નથી. કેમ કે તેઓ કહે છે કે આનાથી શું થશે?  પરંતુ તમે જે વિચારો છો એટલી નાની વસ્તુ નથી. બહુ મોટી બિમારી છે.

ગીતા રબારીએ કહયું કે ૬૦ થી ૬પ વર્ષના વ્યકિતઓને આ બિમારી વધુ શિકાર બનાવે છે તેવુ મે સાંભળ્યુ છે. જેથી આપણા ઘરમાં રહેતા વડિલોને બહાર ન જવા દઇએ. રર મીએ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જનતા કફર્યુ જાહેર કર્યુ છે. તેને સમર્થન આપવા ગીતા રબારીએ અપીલ કરી છે.

(12:00 pm IST)