Gujarati News

Gujarati News

News of Saturday, 21st March 2020

ભાવનગર જિલ્લામાં પણ કલમ -૧૪૪ લાગુઃ સભા, સરઘસ, મેળાવડા કે લોકમેળા ઉપર રોક

પાન-માવાના ગલ્લાઓ, જીમ, સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ, સ્વિમિંગ પૂલ, ડાન્સ કલાસીસ, ગેઇમ ઝોન, કલબ હાઉસ, લોકોની અવરજવર રહેતી હોય તેવા તમામ સ્થળો બંધ

ભાવનગર જિલ્લાના પ્રસિધ્ધ યાત્રાધામો દેવસ્થાનો બંધઃ ભાવનગરઃ જિલ્લામાંઙ્ગ કોરોના વાઇરસના કારણે પાલીતાણાના તળેટી ડુંગર પર યાત્રા મોકૂફ રાખવામાં આવી છે.પાલીતાણામાં ૩૧.મી સુધી કોઈ યાત્રાળુએ આવું નહિ તેવી અપીલ પેઢી દ્વારા કરવામાં આવી છે. આણંદજી કલ્યાણજી પેઢી તા. ૩૧.મી સુધી ભાતા દ્યર બંધ રાખેલ છે પાલીતાણા માં કોઈ ભીડ ન થાય તે માટે ૩૧.મી સુધી પાલીતાણા ડુંગરની યાત્રા પણ બંધ રાખેલ છે તેની દરેક જૈન ધર્મના લોકો એ નોંધ લેવા અનુરોધ કર્યો છે.આ ઉપરાંત યાત્રાધામ ભગુડાધામ ખાતે પણ યાત્રિકોએ ન આવવા અપીલ કરવામાં આવી છે.તેમજ મંદિર તરફથી ભોજન તથા ચા-પાણીની વ્યવસ્થા બંધ કરવામાં આવી છે.પ્રસિદ્ઘ યાત્રાધામ બગદાણા ખાતે આવેલ ગુરુ આશ્રમ પણ દર્શનાર્થીઓ માટે અચોક્કસ મુદત સુધી બંધ કરવામાં આવેલ છે.

ભાવનગર, તા.૨૧: હાલમાં વિશ્વભરમાં નોવેલ કોરોના વાયરસ COVID-૨૦૧૯ના વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરેલ છે. આ બાબતે ભારત સરકારશ્રી અને ગુજરાત સરકાર દ્વારા સમયાંતરે નોવેલ કોરોના વાયરસ ફેલાતો અટકાવવા માટે વિવિધ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવેલ છે. આમ નોવેલ કોરોના વાયરસ COVID-૨૦૧૯નાઝડપી સંક્રમણને ધ્યાને લેતા તકેદારીના ભાગરૂપે લોકોની વધુ અવરજવર વાળા જાહેર અને ખાનગી સ્થળોએ નીચે મુજબની વિગતએ ભાવનગર જિલ્લાના સમગ્ર વિસ્તારમાં કેટલાક નિયંત્રણો મુકવા જરૂરી જણાતા ભાવનગર જિલ્લા કલેકટર શ્રી ગૌરાંગ મકવાણા દ્વારા ભારતના ફોજદારી કાર્યરીતિ અધિનિયમ ૧૯૭૩ (૧૯૭૪નો બીજો)ની કલમ ૧૪૪ થી આગામી તા.૨૦/૦૩/૨૦૨૦ થી તા.૨૯/૦૩/૨૦૨૦ સુધીના સમયગાળા દરમિયાન ભાવનગર જિલ્લાના સમગ્ર વિસ્તાર માટે જરૂરી પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું બહાર પાડેલ છે.

આ જાહેરનામા અનુસાર ભાવનગર જિલ્લામાં જાહેર સ્થળોએ સક્ષમ સત્ત્।ાધિકારીની પૂર્વ લેખિત પરવાનગી વગર કોઈપણ પ્રકારના સભા, સરઘસ, સંમેલન, મેળાવડા કે લોકમેળા કે જે પ્રસંગે વિશાળ સંખ્યામાં લોકો એકત્રિત થાય તેવા કોઈ આયોજન કરી શકાશે નહીં કે આવા આયોજનમાં વિશાળ સંખ્યામાં લોકોએ હાજર રહેવું નહીં.

શોપિંગ મોલ, મલ્ટીપ્લેકસ, સિનેમા કે નાટ્યગૃહો કે જયાં મોટી સંખ્યામાં લોકોની અવરજવર થતી હોય તેવા તમામ સ્થળો જાહેર જનતા માટે બંધ કરવાના રહેશે.

જીમ, સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ, સ્વિમિંગ પૂલ, ડાન્સ કલાસીસ, ગેઈમ ઝોન, કલબ હાઉસ કે જેમાં મોટી સંખ્યામાં લોકોની અવરજવર થતી હોય તેવા તમામ સ્થળો જાહેર જનતા માટે બંધ રાખવાના રહેશે.

પાન-માવાના ગલ્લાઓ, સિગારેટ, બીડીની દુકાનો તથા આ પ્રકારની ચીજવસ્તુઓનું વેચાણ કરતી દુકાનોના કે જયાં મોટી સંખ્યામાં લોકોની અવરજવર રહેતી હોય તેવી તમામ દુકાનો બંધ રાખવાની રહેશે.

શૈક્ષણિક સંસ્થાઓ, ટ્યુશન કલાસ વગેરે સ્થળોએ તમામ પ્રકારના શૈક્ષણિક કાર્ય બંધ રાખવાના રહેશે.

તમામ હોટેલો, રેસ્ટોરન્ટ, ખાણી-પીણીના સ્થળો, મીઠાઇ ફરસાણની દુકાનો, ભોજનાલય તથા તમામ ખાનગી સ્થળ કે જયાં મોટી સંખ્યામાં લોકોની અવરજવર થતી હોય તેવા જાહેર સ્થળોના સંચાલકોએ નોવેલ કોરોના વાયરસ COVID-૨૦૧૯ના ફેલાતો અટકાવવા માટે સરકારશ્રી તરફથી જાહેર કરવામાં આવેલ માર્ગદર્શિકા મુજબ જરૂરી તમામ પ્રકારે હાઇજીનની વ્યવસ્થા કરી પૂરતી તકેદારી રાખવાની રહેશે.

કોઈપણ વ્યકિત/સંસ્થા કોરોના વાયરસ અંગેની કોઈપણ પ્રકારની અફવા પ્રિન્ટ કે સોસીયલ મીડિયા મારફતે ફેલાવશે તો તે ગુનો ગણાશે અને તેમના વિરુદ્ઘ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

જો કોઈ મુસાફર જાહેર થયેલ કોરોના વાયરસ પોઝિટિવ વિસ્તાર/દેશમાંથી છેલ્લા ૧૪ દિવસમાં મુસાફરી કરીને આવેલ હોય તો તેમને નજીકની સરકારી હોસ્પિટલ ખાતે/જિલ્લા પંચાયત કચેરી હેલ્પલાઇન નંબર ૦૨૭૮ ૨૪૨૩૬૬૫/ ડિઝાસ્ટર કચેરી હેલ્પલાઇન નંબર ૦૨૭૮ ૨૫૨૧૫૫૪-૫૫/જિલ્લા ટોલ ફ્રી હેલ્પલાઇન લાઇન નંબર ૧૦૭૭/સ્ટેટ ટોલ ફ્રી નંબર ૧૦૪ પર ફરજીયાત જાણકારી આપવાની રહેશે.

પોલીસ અધીક્ષકશ્રી દ્વારા ભાવનગર જિલ્લાના મુખ્ય પ્રવેશ માર્ગો પર યોગ્ય બંદોબસ્ત ગોઠવી મોટા પ્રમાણમાં રહેતી લોકોની અવરજવરને મર્યાદીત અને નિયંત્રિત કરવા તમામ આવશ્યક પગલાં લેવાના રહેશે.

આ જાહેરનામાના ભંગ બદલ પગલા લેવા ફોજદારી અધિનિયમ (સને-૧૮૬૦ના ૪૫મા અધિનિયમ)ની કલમ ૧૮૮ મુજબ સજાને પાત્ર થશે તેમજ તેના ભંગ બદલ પગલા લેવા ફોજદારી કામ માંડવા માટે હેડ કોન્સ્ટેબલથી નીચેના ન હોય તેવા પોલીસ અધિકારીશ્રીને અધિકૃત કરવામાં આવે છે.

(11:56 am IST)