Gujarati News

Gujarati News

News of Saturday, 21st March 2020

રવિવાર પૂર્વે જ અસરઃ આજથી જ અનેક ગામો શહેરો સૂમસામ

સૌરાષ્ટ્ર-કચ્છમાં નરેન્દ્રભાઇ મોદીની 'જનતા કર્ફયુ' ની અપીલને વધાવતા લોકોઃ ૧૪૪ની કલમ લાગુ થયા બાદ બજારોમાં ઘરાકી ઘટી

વિરપુર(જલારામ)ની બજારો બંધઃ વિરપુર (જલારામ): આજે સવારના વિરપુર (જલારામ)ની બજારો સજ્જડ બંધ રહી છે. (તસ્વીરઃ કિશન મોરબીયા-વિરપુર(જલારામ).

રાજકોટ, તા., ર૧: 'કોરોના' વાયરસની અસર ધીમે-ધીમે વધી રહી છે અને લોકો પણ સાવચેતી રાખી રહયા છે. ત્યારે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ કાલે રવિવારે 'જનતા કર્ફયુ' ની અપીલ કરવામાં આવતા લોકોએ તેમની અપીલને વધાવી લીધી છે અને અનેક શહેરો તથા ગ્રામ્ય વિસ્તારો આજથી સુમસામ છે.

કલેકટર તંત્ર દ્વારા ગીર સોમનાથ, જુનાગઢ, પોરબંદર, જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર સહીતના શહેરમાં ૧૪૪ની કલમ લગાડીને એક જગ્યાએ ૪ વ્યકિતઓને એકત્ર ન થવા આદેશ કરતા અનેક વિસ્તારો સમુમસામ છે.

આજે સવારે રાજકોટ, જુનાગઢ, વિરપુર (જલારામ) સહીત અનેક શહેરોમાં બંધ જેવો માહોલ છે.

વિરપુર (જલારામ)

વિરપુર (જલારામ) : પવિત્ર યાત્રાધામ વિરપુર (જલારામ)માં ચાની કેબીન, પાનના ગલ્લાના વેપારીઓએ બંધ પાળતા તેમા વિરપુર (જલારામ)ના વેપારીઓ પણ જોડાયા છે. અને સવારથી દુકાનો બંધ રાખવામાં આવી છે.

કાલે પણ જનતા કર્ફયુમાં દુકાનો બંધ રહેશે તેમ વેપારીઓએ જણાવ્યું છે.

જુનાગઢ

જુનાગઢઃ કાલના જનતા કરફયુની જુનાગઢમાં ભારે અસર થઇ છે અને આજે સવારથી જુનાગઢની બજારો અને રસ્તાઓ સુમસામ ભાસે છે.

૧૪૪ની કલમને લઇ ચા-પાનના ગલ્લા સજ્જડ બંધ રહયા છે.

ગુજરાતમાં પણ બે દિવસના ગાળામાં છે. કોરોના વાયરસના સાત પોઝીટીવ નોંધાતા અને હનજુ કેટલાક કેસ શંકાસ્પદ હોવાના કારણે ખળભળાટ મચી ગયો છે.

જો કે ગુજરાત સરકાર અને તેના વહીવટી-આરોગ્ય તંત્ર દ્વારા ઠોસ પગલા લેવામાં આવતા અને જનજાગૃતીનાં જોરદાર પ્રયાસોને લઇ કોરોના વાયરસનું સંકટ હજુ સદનશીબે ગંભીર બન્યુ નથી.

જુનાગઢ શહેર અને જિલ્લામાં કોરોના વાયરસને અટકાવવા કલેકટર ડો. સૌરભ પારધી, મ્યુનિ. કમિશ્નર તુષાર સુમેરા સહીતના અધિકારીઓ તંત્ર દ્વારા ઠોસ પગલા લેવામાં આવેલ છે. જેના ભાગરૂપે ભવનાથ મંદિર સહીતનાં ધાર્મિક સ્થળો બંધ રહયા છે તેમજ ચા-પાનના ગલ્લા બંધ રાખવા આદેશ કરાયો છે.

તેમજ સલામતી માટે ૧૪૪ ની કલમ  ગઇકાલથી લાદી દેવામાં આવી છે જેના પગલે ગઇકાલે સાંજે જુનાગઢમાં અફવાનું બજાર જોરદાર ગરમ થઇ ગયું હતું.

વિશ્વ અફવાને લઇ લોકોએ શાક માર્કેટ, કરીયાવારની દુકાનોએ ખરીદી માટે ઘસારો કર્યો હતો. તેમજ પાન-બીડીની દુકાનોએ પાન-મસાલાના થોકબંધ પાર્સલ માટે વ્યસનીઓએ પડાપડી કરી હતી.

તંત્રએ લોકોને અફવાથી દુર રહેવા અને અફવા પર ધ્યાન ન આપવા અનુરોધ કર્યો છે.

લોકો શાકભાજી ખરીદવા ઉમટી પડતા ગઇસાંજે જુનાગઢમાં ઉઘાડી લુંટ ચલાવવામાં આવી હોવાની ફરીયાદો ઉઠી હતી. ૮૦ થી ર૦૦ રૂ.ના કિલો શાકભાજી વેચાયા હતા.

બીજી તરફ સાંજે મનપા તંત્રએ લારી-ગલ્લા બંધ કરાવતા દોડધામ મચી ગઇ હતી. જો કે શાકભાજીની માર્કેટ, કરીયાણાની દુકાનો, દુધ સેન્ટર કોઇ સંજોગોમાં બંધ થશે નહી.

બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની રવિવારના જનતા કરફયુ પાળવાની અસર જુનાગઢમાં આજે સવારથી જ જોવા મળી રહી છે. શ્રી મોદીની અપીલને માન આપવાની સાથે ૧૪૪ ની કલમને લઇને પણ આજે સવારથી જુનાગઢની અમુક બજારો ખુલ્લી નથી.

કેટલીક બજારમાં એકલ-દોકલ દુકાનો ખુલ્લી રહેવા પામી છે. તંત્રના આદેશને પગલે જુનાગઢમાં ચા-પાનનાં ગલ્લા સવારથી જ જડબેસલાક બ઼ધ રહયા છે અને બજારોની સાથે રસ્તાઓ પરના રોજીંદા વાહન વ્યવાહરને પણ અસર થઇ છે.

આમ આજથી જ જુનાગઢમાં જનતા કરફયુ શરૂ થઇ ગયો હોય એવી સ્થિતિ જોવા મળી રહી છે. તંત્રવાહકો તમામ સ્થિતિ પર નજર રાખી રહયા છે.

ડીઆઇજી મન્નીદર પ્રતાપસિંહ પવાર, એસપી સૌરભસિંઘની સુચનાથી ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા, જે.બી.ગઢવી વગેરે ૧૪૪ કલમના ચુસ્ત અમલ પાલન માટે દેખરેખ રાખી રહયા છે.

જામનગર

જામનગરઃ ભારતના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા જનતા કફર્યુમાં જોડાવા અપીલ કરવામાં આવેલ છે. આ બધા મંડપ સર્વિસ અને ઇલેકટ્રીકસ ડીલર્સને પોતાના કામકાજ શનીવારે પુર્ણ કરી લેવા તથા તા.રરના જનતા કફર્યુમાં જોડાવા અપીલ કરવામાં આવેલ છે તેમ ગોપાલભાઇ સોરઠીયા, અંજન મસાલીયા સહીતનાએ જણાવ્યુ઼ છે.

દેશમાંથી છેલ્લા ૧૪ દિવસમાં મુસાફરી કરીને આવેલા હોય તેની જાણ હેલ્પ લાઇન નં.૧૦૪ અને કંટ્રોલરૂમ ૦૨૮૧-૨૪૪૪૬૮૦ ઉપર કરવી

કોરોના વાયરસ અંગે કોઇપણ વ્યકિત કે સંસ્થા દ્વારા પ્રિન્ટ કે સોશિયલ મીડીયા મારફતે અફવા ન  ફેલાવવી તથા કોરોના વાયરસ પોઝીટીવ વિસ્તારમાંથી/ દેશમાંથી છેલ્લા ૧૪ દિવસમાં મુસાફરી કરીને આવેલા હોય તો તેની જાણ નજીકની હોસ્પિટલ ખાતે કંટ્રોલરૂમ ૦૨૮૧-૨૪૪૪૬૮૦ અથવા હેલ્પલાઇન નં.૧૦૪ પર ફરજીયાત કરવાની રહેશે. આ હુકમ પોલીસ કમિશ્નરેટશ્રી રાજકોટ શહેરની હકુમત સિવાયના તમામ રાજકોટ જીલ્લા ગ્રામ્ય વિસ્તારમાં તા.૨૯ માર્ચ સુધી અમલી રહેશે.

(11:41 am IST)