Gujarati News

Gujarati News

News of Saturday, 21st March 2020

હૈયે રાષ્ટ્ર હિત : સીંગાપોરથી પરત આવેલ માંગરોળના કાંતિભાઇએ પોતાને સામે ચાલીને કવોરન્ટાઇન કર્યા

૧૪ દિવસ આરોગ્ય ખાતાના ઓબ્ઝર્વેશનમાં : ટીવી જોવુ, પુસ્તકો વાંચવા અને મોબાઇલ પર સોશ્યલ મીડીયા સાથે સમય ગાળે છે : પુત્ર જાગૃતભાઇ કગરાણા કહે છે પપ્પાને નખમાઇ રોગ નથી, પરંતુ હાલની પરિસ્થિતીને ધ્યાને લઇ લોકહિત કાજે સભાનતા દાખવી છે, અમદાવાદના યશ નિશા ઠકકરે સોશ્યલ મીડીયામાં સૌ પ્રથમ આ કિસ્સો શેર કર્યો અને એ રીતે લોકજાગૃતિ કેમ્પેઇન ચાલ્યુ

રાજકોટ તા. ૨૦ : એક તરફ કોરોનાનો ભય સૌને સતાવી રહ્યો છે, ત્યારે લોકોને  સાચી સમજણ મળે અને હિમ્મત આવે તેવું કાર્ય માંગરોળના કાંતિભાઇ કગરાણાએ કરી બતાવ્યુ છે.

મોટા દિકરાના ઘરે સીંગાપોર ગયેલા કાંતિભાઇ વતન પાછા ફર્યા પછી સામે ચાલીને પોતાની જાતને ૧૪ દિવસ માટે કવોરન્ટાઇન કરી દીધી છે. તેમને નોવલ કોરોના વાઇરસનો ચેપ લાગ્યો જ નથી. છતા માત્ર પોતાના પરિવાર માટે તેમજ સમગ્ર રાષ્ટ્રનું હિત વિચારી તેમને આ રીતે કવોરન્ટાઇન થવાનો નિર્ણય લીધો છે.

માંગરોળમાં રહેતા તેમના નાના પુત્ર જાગૃતભાઇ કગરાણાનો સંપર્ક કરતા તેઓને જણાવેલ કે મારા પિતાશ્રી એકદમ સ્વસ્થ જ છે. પરંતુ લોકો પ્રેરણા મેળવે જાગૃતિ આવે અને સાચી સમજણ આવે તે હેતુથી તેઓએ આ દાખલો બેસાડયો છે.

હાલ તેઓ ૧૪ દિવસ માટે આરોગ્ય  ખાતાના ટીમની તપાસ હેઠળ છે. દરરોજ તબીબી તજજ્ઞોની ટીમ તેમની તપાસ કરી રોજે રોજના રીપોર્ટ મેળવી જાય છે તેઓને અલાયદો રૂમ ફાળવી દેવાયો છે. જયાં ટી.વી. જોવુ, મોબાઇલ પર સોશ્યલ મીડીયા  નિહાળવા સહીતની પ્રવૃતિઓથી ખુશનુમા સમય વિતાવી રહ્યા છે.

તેઓ જય વસાવડાના અતિ ચાહક છે. એટલે પુસ્તકો વાંચવામાં પણ મોટાભાગનો સમય ગાળી રહ્યા છે.

અહીં જાગૃતભાઇ કગરાણા (મો.૯૭૨૩૭ ૨૧૦૦૦) એ જણાવેલ કે સૌ પ્રથમ આ કિસ્સાને અમદાવાદના યશ નિશા ઠકકરે સોશ્યલ મીડીયામાં શેર કરેલ. બાદમાં રેડીયો પર પણ ટોક આપેલ. એ રીતે લોકો કોરોનાથી ડરે નહીં અને કોઇને થોડી ઘણી પણ શંકા હોય તો દર્દને છુપાવવા કે દબાવવાને બદલે તબીબી પરીક્ષણો માટે આગળ આવવા પ્રેરણા મળે તે માટે કાંતિભાઇ કગરાણાએ કરી દેખાડેલ કાર્યને ચોમેરથી બિરદાવવામાં આવી રહ્યુ છે.

(11:41 am IST)