Gujarati News

Gujarati News

News of Wednesday, 21st March 2018

રોડ ઉપર ખેડુતો ભીખ માંગીને ફાળો સરકારને મોકલશે

ખંભાળીયામાં ઉપવાસ આંદોલનના બીજા દિવસે આશ્ચર્યજનક કાર્યક્રમ

ખંભાળીયા, તા., ૨૧: ખેડુત હિત રક્ષક સમીતી દ્વારા ખેડુતોની વિવિધ માંગણીઓને લઇને ૭ર કલાકના ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવ્યા છે. જેમાં આજે બીજા દિવસે ખેડુતો દ્વારા રાજમાર્ગ પરથી પસાર થતા લોકો પાસેથી ભીખ માંગી રૂપીયા એકઠા કરી સરકારને મોકલવાનું આશ્ચર્યજનક કાર્યક્રમ આપવામાં આવનાર છે.

આજે ઉપવાસ આંદોલનના પાલાભાઇ આંબલીયા, દેવુભાઇ ગઢવી, કારૂભાઇ મકવાણા, ભીમશીભાઇ બારીયા, પરબતભાઇ ચુડાસમા, દેવરામભાઇ સોનગરા સહીતના ખેડુતો ઉપવાસ આંદોલનમાં જોડાયા છે. આ ઉપરાંત સરકાર જો યોગ્ય કાર્યવાહી નહી કરે તો વધુ આશ્ચર્યજનક કાર્યક્રમ ખેડુત હીત રક્ષક સમીતી દ્વારા આપવામાં આવશે.

ખેડુતોએ માંગણી કરી છે કે મગફળીના પોષણક્ષમ ભાવ મળે જમીન માપણીમાં ભુલોને કારણે પરેશાની ભોગવવાનો વારો આવ્યો છે.

જાધપુર ગેઇટ પાસે ગાંધીજીની પ્રતિમાને સુતરની આંટી પહેરાવી ઉપવાસ આંદોલન શરૂ કર્યુ. ખેડુતોનો આક્ષેપ છે કે મગફળીના ટેકાના ભાવે ખરીદીને ૬ માસ જેટલો સમય થવા છતાંય તેમના પૈસા ચુકવાયા નથી. અનેક ખેડુતોને મગફળી કેન્દ્ર પર આપવાના મેસેજ આવ્યા પરંતુ મગફળી લેવાતી નથી. એટલે હજારો ટન મગફળી યાર્ડમાં ધૂળ ખાઇ રહી છે.

(1:11 pm IST)