Gujarati News

Gujarati News

News of Friday, 21st February 2020

જામનગર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેનને ૪ પોલીસમેને અપશબ્દો બોલીને મારમાર્યાની ફરિયાદ

મેયર હસમુખભાઇ જેઠવા સહિત ભાજપ આગેવાનો - પોલીસ અધિકારીઓ દોડી ગયા

જામનગર તા. ૨૧ : જામનગર મહાનગરપાલિકાની શિક્ષણ સમિતિના ચેરમેન અને વોર્ડ નં. ૯ ના પૂર્વ નગરસેવક આકાશભાઈ બારડ ગઈ મોડી સાંજના અરસામાં પોતાના ઘર નજીક પંજાબ નેશનલ બેંકવાળી શેરીમાં ઉભા હતા ત્યારે દરબાઢ પોલીસ ચોકીમાં ફરજ બજાવતા બે પોલીસ કર્મીઓ એક અરજીની તપાસ અર્થે આવ્યા હતા અને આકાશ બારડ સાથે બોલાચાલી  થઈ હતી. ૭૦ વર્ષથી વધુની ઉંમરના ૩ વ્યકિતઓને પોલીસ મથકે લઈ જવાનો પ્રયત્ન કરતા આકાશ બારડએ સામેથી હું પોલીસ મથકે લઈ આવું છું  તેમ જણાવતા તમે વચ્ચે બોલનાર કોણ છો તેમ કહી આકાશભાઈ સાથે બોલાચાલી કરી તેમનો મોબાઈલ ફોન આંચકી લીધો હતો અને માર મારવાનો ચાલુ કર્યું હતું. ત્યારબાદ અન્ય બે પોલીસ કર્મચારીઓને પણ બોલાવી લીધા હતા અને આકાશ બારડને મારતા મારતા પોલીસ મથકે લઈ ગયા હતા અને તેનું સરઘસ કાઢયું હતું.

પોલીસની આ કાર્યવાહીને લઈને ઘેરા પ્રત્યાઘાતો પડયા હતા અને જામનગરના મેયર હસમુખ જેઠવા તથા શહેર ભાજપના અન્ય હોદેદારો, કોર્પોરેટોર વગેરે દબારગઢ સર્કલમાં એકત્ર થઈ ગયા હતા તેમજ આકાશ બારડના અનેક સમર્થકો પણ મોટી સંખ્યામાં પોલીસ સ્ટેશન પાસે એકત્ર થયા હતા.

મામલાની ગંભીરતા જોઈ જિલ્લા પોલીસ વડા ખુદ દરબારગઢ પોલીસ મથકે આવી ગયા હતા અને ચારેય પોલીસ કર્મચારીઓના નામો મેળવી તેઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવાનો ઓર્ડર કર્યો હતો ઉપરાંત ચારેય સામે ગુનો દાખલ કરવાની સૂચના આપી હતી જેના આધારે આકાશ બારડે ચારેય હુમલાખોર પોલીસ કર્મીઓ અજય ભીમજી ચાવડા, મયુરસિંહ જયેન્દ્રસિંહ જાડેજા, ધર્મેન્દ્ર હંસરાજ પટેલ અને ચંદ્રકાંત દામજીભાઈ ગાંભવા સામે ફરીયાદ નોંધાવી હતી અને તેઓને કાનમાંથી લોહી નીકળતું હોવાથી અને શરીરે નાની મોટી ઈજા થઈ હોવાથી પોલીસ દ્વારા તેઓને સરકારી જી.જી. હોસ્પિટલમાં લઈ જઈ પ્રાથમિક સારવાર કરાવી હોવાનું જાણવા મળેલ છે.

ઉપરોકત બનાવ અંગે આજે સવારે ૧૧ કલાકે પોલીસ કંટ્રોલમાં ટેલીફોન કરી પૂછપરછ કરતા તેઓએ પોલીસ કર્મી વિરૂઘ્ધ કોઈ ફરીયાદ આવી નથી તેવું જણાવેલ હતું તેમજ જામનગર એસ.પી.નો ટેલીફોનીક કોન્ટેક કરવાનો પ્રયત્ન કરેલ પરંતુ એસ.પી.નો મોબાઈલ નો રિપલાય આવ્યો હતો ત્યાર બાદ સીટી એ ડિવિઝનમાં ફોન કરતા ત્યાંના પી.એસ.ઓ.એ ફરીયાદની વિગત નીચે મુજબ આપી હતી.

ફરીયાદી આકાશ ડોલરભાઈ બારડ ઉવ. ૩૮ વેપાર રહે. ચૌહાણફળી શેરી નં. ર વાળાએ સીટી એ ડિવિઝન પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે કે, આ કામેના આરોપી પોલીસ કર્મચારી મયુરસિંહ જયેન્દ્રસિંહ જાડેજા, ધર્મેન્દ્રભાઈ પટેલ, અજય ભીમજીભાઈ, ચંદ્રકાંત પટેલ તા. ર૦ ના સાંજના આઠેક વાગ્યાના સુમારે પંજાબ બેંક લવાના ડેલાપાસે આ કામેના આરોપીઓ મયુરસિંહ અને ધર્મેન્દ્ર પટેલ અરજીની તપાસ અર્થે ગયેલ હોય તેઓને ફરીયાદીને સાહેદોના વિરૂઘ્ધમાં અરજી હોય ત્યારે ફરીયાદી આકાશ બારડે કહેલ કે હું આ લોકોને પોલીસ ચોકી લઈને આવું છું તેમ કહેતા ફરીયાદી ઉપર આરોપી પોલીસ કર્મી મયુરસિંહ અને ધર્મેન્દ્ર પટેલે ગુસ્સે થઈ ગાળો કાઢી ઝાપટ મારી અને આરોપી અજયભાઈ ભીમજી તથા ચંદ્રકાંત પટેલને બોલાવતા તેઓ આવતા આ ચારેય આરોપીઓએ ફરીયાદીને ગાળો કાઢી માર મારતા પોલીસે આઈપીસી કલમ ૩ર૩, પ૦૪, ૧૧૪ મુજબ ગુન્હો કરેલ છે આ ફરીયાદની તપાસ સીટી એ ડિવિઝનના પી.આઈ.ને સોંપવામાં આવી છે.

જામનગર મહાનગરપાલિકાના નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન આકાશ બારડની આજે સાંજે કેટલાક પોલીસ કર્મીઓ તેના ઘર પાસેથી અટક કરી કોઈપણ કારણો વગર લઈ જતા હોવાની વાતને પગલે હોબાળો મચ્યો હતો.ભાજપના પદાધિકારીઓ આ ઘટનાને પગલે દરબાર ગઢ ખાતે સીટી એ. ડિવિઝન પોલીસ સ્ટેશન દોડી ગયા હતા.

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેનની અટકાયતના સમાચાર વાયુ વેગે ફેલાતા વાતાવરણ તંગ બની ગયું હતું. અને આકાશ બારડના સમર્થકો અને ખવાસ જ્ઞાતિના લોકોનો જમાવડો પોલીસ સ્ટેશન સુધી પહોંચતા તાબડતોબ એસ.પી.શરદ સિંઘલ દોડી ગયા હતા.

મોડી રાત્રે દરબાર ગઢ વિસ્તારમાં આ ઘટનાને પગલે લોકોના ટોળે ટોળા એકઠા થઇ ગયા હતા. તાબડતોબ દોડી આવેલા એસ.પી.સમક્ષ જામનગર મહાનગરપાલિકાના મેયર હસમુખભાઈ જેઠવા, સ્ટેન્ડિંગ ચેરમેન સુભાષ જોશી ભાજપના કોર્પોરેટર કેતન નાખવા,મનીષ કટારીયા, દિનેશ ગજરા સહિતના આગેવાનો પણ દોડી ગયા હતા.

આકાશ બારડને કોઈપણ કારણો વગર પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હોવાના આક્ષેપ સાથે સમય સુચકતા અને માહોલ ન બગડે તે માટે એસ.પી.એ તાત્કાલિક સીટી.એ.ડિવિઝન પોલીસ સ્ટેશનના મયુરસિંહ, અજય ચાવડા, ચંદ્રેશ પટેલ,ધર્મેશ પટેલ સહિત ચાર પોલીસ કર્મીને ખોટો બળ પ્રયોગ કરવા બદલ સસ્પેન્ડ કર્યા હતા. આ ઘટનાને પગલે આ મુદ્દો સમગ્ર જામનગર શહેરમાં ટોક ઓફ ધી ટાઉન બન્યો છે.

(3:58 pm IST)