Gujarati News

Gujarati News

News of Friday, 21st February 2020

ખંભાળીયામાં મહાશિવરાત્રી નિમિતે શિવજીની ભવ્ય વરણાંગી

ઠેર-ઠેર પૂજન, અર્ચન, યજ્ઞ, આરતી, મહાપ્રસાદ, ચાર પ્રહરની પૂજા સહીતનું આયોજનઃ ભાવીકોની ભીડ

ખંભાળીયા, તા., ર૧: ખંભાળીયામાં આજે શિવરાત્રી ભગવાન શિવની ભવ્ય વરણાંગી શોભાયાત્રા શહેરમાં નીકળી હતી.

૧૦૦ વર્ષ જુની પરંપરા મુજબ રંગ મહેલ શાળાની સામેની બાજુમાં વીસ મણ ચાંદીની શંકર પાર્વતી તથા ગણેશજીની કલાત્મક ભવ્ય પ્રતિભા તથા ચાંદીની પાલખી તથા ચાંદીના દંડ છત્ર સાથેની આ પાલખીની શોભાયાત્રા નીકળી હતી.

સવારના આઠ વાગ્યાથી ખામનાથ મહાદેવના ટ્રસ્ટીશ્રી ધ્રુવભાઇ, મનુઅદા સોમૈયા તથા બ્રહ્મ અગ્રણીઓ નીતીનભાઇ આચાર્ય, હસમુખ ખોડા, મનુભાઇ ભાડથર વાળા, દવેભાઇ જીલ આચાર્ય, કનોજીયા ભટ્ટ પરીવારમાં તથા શિવ યુવા ગૃપના યુવાનો તથા પ્રાણલાલ જોશી મોટી સંખ્યામાં ભાવીકો પાલખી શોભાયાત્રાના પુજનમાં સવારથી ઉમટયા હતા.

૧૦૦ વર્ષથી જુની પરંપરા મુજબ આ પાલખી શિવ વરણાંગી માત્ર ભુદેવો જ ઉપાડે છે. તથા અત્યંત વજદાર પાલખીને જય મહાદેવ હરહર મહાદેવના નારા સાથે પગમાં ચપ્પલ પણ પહેર્યા વિના ભુદેવો સમગ્ર શહેરમાં શોભાયાત્રા કાઢીને પછી ખામનાથ મહાદેવ મંદિરે પુર્ણાહુતી માટે લઇ જાય છે જયાં ભવ્ય આરતી થાય છે જેમાં મોટી સંખ્યામાં ભાવીકો જોડાય છે.

અગાઉ બ્રહ્મ અગ્રણીઓ સ્વ. ધર્મેન્દ્રભાઇ આચાર્ય સ્વ.એલ.સી.જોશી, સ્વ. ચંપકભાઇ  દવે, સ્વ. ભીુખભાઇ બોડા, સ્વ. વિશ્વનાથ જોશી તથા અનેક ભુદેવ અગ્રણીઓ આ પાલખી શોભાયાત્રામાં જોડાયા હતા.

ઠેર -ઠેર શોભાયાત્રાનું ભવ્ય સ્વાગત સાથે યુવાનો તલવારબાજીમાં પણ જોડાયા હતા. તથા અનેક ચોકમાં ભવ્ય સ્વાગત થયું હતું તથા ઠેર ઠેર કેસરીયા ઝંડા તથા મહાદેવ હરની ધુન મચી હતી. આગળ ડી.જે. ઢોલ નગારા સાથે ભવ્ય ધજા સાથે શોભાયાત્રા શહેરમાં ફરી હતી.

ખંભાળીયા શહેરના પ્રાચીન શિવ મંદીરો શ્રી ખામનાથ મહાદવ, શ્રી રામનાથ મહાદેવ, શ્રી શરણેશ્વર મહાદેવ, શ્રી પાણેશ્વર મહાદેવ, શ્રી સુખનાથ મહાદેવ, શ્રી ઝાલણીયા મહાદેવ, શ્રી શિરેશ્વર મહાદેવ, શ્રી સુખનાથ મહાદવ, શ્રી ઝાલણીયા મહાદેવ, શ્રી શિરેશ્વર મહાદેવ, મહાદેવ વાડામાં આવેલા શ્રી સિધ્ધનાથ મહાદેવ, વિદ્યાશંકર મહાદેવ, ભીડભંજન મહાદેવ, કોટેશ્વર મહાદેવ, કાશી વિશ્વનાથ મહાદેવ, ભોળેશ્વર મહાદેવ, નર્મદેશ્વર મહાદેવ, ભુતનાથ મહાદેવ, બાલનાથ મહાદવ તથા ગ્રામ્ય પંથકમાં વડગામાં જોગેશ્વર મહાદેવ, ભાતેલમાં ભોળેશ્વર મહાદેવ, દાત્રાણા દંતેશ્વર મહાદેવ, બજાજ્ઞામાં કાશી વિશ્વનાથ મહાદેવ, સલાયા પાસે નાગનાથ મહાદેવ, કોટા કોટેશ્વર મહાદેવ વિ. સ્થળે વિીશષ્ટ દર્શન તથા ભવ્ય શણગાર પુજા તથા અનેક સ્થળે યજ્ઞ પણ યોજાયા હતા. તથા રાત્રે ચાર પ્રહર આરતીનો ઉત્સવ પણ યોજાયો છે.

(1:40 pm IST)