Gujarati News

Gujarati News

News of Friday, 21st February 2020

રાજકોટ તથા ચોટીલા ખાતે માતૃભાષા ગૌરવ દિન નિમિત્તે 'સ્મરણાંજલિ' અર્પણ : પૂ. કસ્તુરબાની પુણ્યતિથિઃ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓની ઉપસ્થિતિ : અહિંસા - સ્ત્રી ભૃણ હત્યા વિરોધ વિષય પર સામુહિક લેખન - વાંચન

ચોટીલા : ૨૧ ફેબ્રુઆરીને વિશ્વભરમાં માતૃભાષા ગૌરવ દિન તરીકે ઉજવવામાં આવે છે. આ અંતર્ગત રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની જન્મભૂમિ ચોટીલા તથા બાલ્યાવસ્થાની લીલાભૂમિ રાજકોટ ખાતે માતૃભાષા ગૌરવ દિન નિમિત્તે 'સ્મરણાંજલિ' અર્પણ થઈ. મહાત્મા ગાંધીનાં સહધર્મચારિણી, પ્રથમ સત્યાગ્રહી અને કર્મયોગી પૂ. કસ્તુરબાની પુણ્યતિથિ ૨૨મી ફેબ્રુઆરીએ છે તે નિમિત્તે એમને પણ ભાવાંજલિ અર્પણ કરવામાં હતી. નવી પેઢી આપણાં ગૌરવવંતા સાહિત્ય-સંસ્કૃતિથી પરિચિત-પ્રેરિત થાય તેમજ દેશપ્રેમની ભાવના જાગૃત થાય તે આશયથી ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પિનાકી નાનકભાઈ મેઘાણી સ્થાપિત ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન દ્વારા આ પ્રેરક કાર્યક્ર્મોનું આયોજન થયું હતું. રાજકોટ-સદર સ્થિત ઐતિહાસિક રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી પ્રાથમિક શાળા, જયાંથી ૧૯૦૧માં ઝવેરચંદ મેઘાણીએ શાળા-શિક્ષણનો આરંભ કર્યો હતો ત્યાં સ્મણાંજલિ કાર્યક્ર્મનું આયોજન કરાયું હતું. ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પિનાકી મેઘાણી, લોકગાયક નીલેશ પંડ્યા, સહકારી ક્ષેત્રના અગ્રણી ધીરૂભાઈ ધાબલીયા, સેન્ટ્રલ એકસાઈઝ એન્ડ કસ્ટમના પૂર્વ આસી. કલેકટર વિપીનભાઈ ઓઝા (આઈઆરએસ), સાબરમતી જેલના પૂર્વ નાયબ અધિક્ષક પી. બી. સાપરા, પૂર્વ જિલ્લા શિક્ષણાધિકારી મુનાફભાઈ નાગાણી, સરોજિની નાયડુ હાઈસ્કૂલના આચાર્યા ડો. સોનલબેન ફળદુ, રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી પ્રાથમિક શાળાના પૂર્વ આચાર્યા પૂર્વીબેન ગાંધી, ઈન્ચાર્જ આચાર્ય રમેશભાઈ માંગરોલીયા, શિક્ષિકા-બહેનો હીનાબેન શાહ અને હર્ષિદાબેન સોમૈયા, ૧૯૮૮-૮૯ના 'ભારત જોડો' અરૂણાચલથી ઓખા ૯૦૦૦ કિ.મી.ની ઐતિહાસિક સાયકલ યાત્રાનાં સાયકલ-વીરો રાજેશભાઈ ભાતેલીયા અને નયનાબેન પાઠક-જોષી, જૈન અગ્રણી જતીનભાઈ ઘીયા, વાલજીભાઈ પિત્રોડા, પ્રદીપભાઈ કથવાડીયા, દિપકભાઈ જોષી, નિધીબેન ધ્રુવની વિશેષ ઉપસ્થિતિ રહી. મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓની હાજરી રહી. વિજ્ઞાન-ગણિતની સાથોસાથ માતૃભાષા ગુજરાતીનું પણ સવિશેષ મહત્વ છે તેમ પિનાકી મેઘાણીએ ભારપૂર્વક જણાવ્યું હતું. ગુજરાતી ભાષાના લબ્ધપ્રતિષ્ઠિત લેખકો-કવિઓની ઉત્ત્।મ કૃતિઓને વાંચવાની પ્રેરણા આપી હતી. મહાત્મા ગાંધી, કસ્તુરબા અને ઝવેરચંદ મેઘાણીના સંભારણાંને પણ વાગોળ્યા હતા. લોકગાયક નીલેશ પંડ્યાએ મેઘાણી-ગીતોની રમઝટ બોલાવી હતી. એસ. એન. કણસાગરા ઈંગ્લિશ મિડિયમ સ્કૂલમાં ધો. ૬માં અભ્યાસ કરતી તેજસ્વી વિદ્યાર્થીની હેતવી કથવાડીયાએ ઝવેરચંદ મેઘાણી કૃત અતિ લોકપ્રિય કાવ્ય 'ચારણ-કન્યા'ની ભાવસભર  ઝમકદાર રજૂઆત કરીને સહુને ડોલાવી દીધા હતા. રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી પ્રાથમિક શાળામાં ધો. ૮માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની માઈના શેખે ઝવેરચંદ મેઘાણીની માહિતીસભર જીવન-ઝાંખી રજૂ કરી હતી. સરોજિની નાયડુ હાઈસ્કૂલની વિદ્યાર્થીનીઓ માધવી વેકરીયા, શિવાની ટંકારીયા, દિવ્યા લાખીયા, અશ્વિની સરપદડીયા અને સાવિસ્તા અંસારીએ અહિંસા-  સ્ત્રી ભૃણ હત્યા વિરોધ વિશે નિબંધ-લેખન-વાંચન કર્યું હતું.    

ચોટીલા સ્થિત એન. એન. શાહ – જે. વી. દોશી સ્કૂલમાં પણ સ્મણાંજલિ કાર્યક્ર્મનું આયોજન ચોટીલા એજયુકેશન એન્ડ ચેરિટી ટ્રસ્ટના સહયોગથી થયું હતું. ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પિનાકી મેઘાણી, ચોટીલા એજયુકેશન એન્ડ ચેરિટી ટ્રસ્ટના કિરીટસિંહ રહેવર (મામા), મહીપતસિંહ વાઘેલા અને ધર્મેન્દ્રસિંહ વાઘેલા, જૈન અગ્રણી જતીનભાઈ ઘીયાની વિશેષ ઉપસ્થિતિ રહી. મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓની હાજરી રહી. વિદ્યાર્થીઓએ મેઘાણી-ગીતોનું સમૂહ-ગાન કર્યું હતું. આ શાળામાં ધો. ૭માં અભ્યાસ કરતી તેજસ્વી વિદ્યાર્થીની દિપાલી કણસાગરાએ અહિંસા- સ્ત્રી ભૃણ હત્યા વિરોધ વિશે નિબંધ-લેખન કરીને વાંચન કર્યું હતું.

આલેખન : પિનાકી નાનકભાઈ મેઘાણી

ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન  (મો. ૯૮૨૫૦ ૨૧૨૭૯)

(12:43 pm IST)