Gujarati News

Gujarati News

News of Friday, 21st February 2020

પ્રદૂષણ ફેલાવતા સાડી ધોલાઇ સામે ગોંડલ પ્રાંત અધિકારીની લાલ આંખ

જેતપુરના ખીરસરામાં બે ઘાટો તોડી ૧૧ લાખનો માલ સિઝ

ગોંડલ તા. ૨૧ : જેતપુર શહેર તાલુકા માં પ્રદૂષણ ની વ્યાપક ફરિયાદો સામે રાજેશ આલ નાયબ કલેકટર ગોંડલના માર્ગદર્શન હેઠળ મામલતદાર, જેતપુર વી.એમ.કારીયા તથા જી.પી.સી.બી.જેતપુરના રીઝીયોનલ ઓફીસર બારબેડા તથા પી.જી.વી.સી.એલ. અને પોલીસની ટીમો બનાવી જેતપુર તાલુકાના ખીરસરા ગામે ગેરકાયદેસર ચાલતા સાડી ધોલાઈ ઘાટોની તપાસ કરવામાં આવતા ખીરસરાના સર્વે નં. ૨૧૨ પૈકી ૨ ની જમીનમાં મુન્નાભાઈ બોદર રહેખીરસરા વાળી વ્યકિત ગેરકાયદેસર ધોલાઈ ઘાટો ચલાવી તેનું પ્રદુષિત પાણી પર્યાવરણને નુકશાન થાય તે રીતે નદીના વહેણમાં છોડતા હોય, આ બંને સાડી ધોલાઈ ઘાટો જે.સી.બી.વાહનથી તાત્કાલીક તોડી પાડવામાં આવેલ, ઉપરાંત આ જગ્યાએ તપાસણી દરમ્યાન મહેફીલ ચાલતી હોવાનું ધ્યાને આવતા, તાત્કાલીક પોલીસ દ્વારા તપાસ કરવામાં આવતા, ઈગ્લીસ દારૂ તથા દેશી દારૂની ભઠી પણ મળી આવતા પોલીસ દ્વારા પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

ઉપરાંત ખીરસરાના સર્વે નં. ૨૨૩ પૈકીની રામજીભાઈ ગોકળભાઈ ગોહિલની જમીનમાં પણ ગેરકાયદેસર રીતે જેતપુરના ગોકુલ પ્રીન્ટ નામના કારખાનાનું કાપડ ધોવાતુ હોય અને તેનું પ્રદુષિત પાણી સીધુ જ નદીના વહેણમાં છોડવામાં આવતું હોય, જે.સી.બી. વાહનની મદદથી આ ગેરકાયદેસર ઘાટ તોડી પાડવામાં આવેલ તથા કાપડ અને વાહન મળી આશરે રૂ.૧૧,૦૦,૦૦૦નો મુદામાલ પણ સીઝ કરવામાં આવેલ છે.

પ્રાંત અધિકારી, ગોડલની યાદીમાં જણાવ્યા મુજબ આવા ગેરકાયદેસર ધોલાઈ ઘાટો ચલાવતા ઈસમો સામે સખ્તાઈના પગલાઓ લેવાની કાર્યવાહી ચાલુ રહેશે તથા આવા તત્વો જો આવી પ્રવૃતિ ચાલુ રાખશે તો તેમની સામે પાસા તથા હદપારીની કાર્યવાહી પણ કરવામાં આવશે.

(11:52 am IST)