Gujarati News

Gujarati News

News of Friday, 21st February 2020

ધોરાજી તાલુકાના વેગડી જીઆઇડીસીમાં પ્રાથમિક સુવિધા પ્રશ્ને અન્યાયથી ઉદ્યોગકારોમાં રોષ

ધોરાજી, તા. ૨૧ : ધોરાજી તાલુકાના વેગડી ગામ પાસે આવેલ જીઆઈડીસી માં તંત્ર દ્વારા પ્રાથમિક સુવિધા ઓ પુરી પાડવા મા વામણુ સાબિત થયું છે ત્યારે પાણી સ્ટ્રીટ લાઈટ તથા અન્ય સુવિધાઓ નો અભાવ રહેલો છે. પ્રાથમિક અને આવશ્યક સેવાઓ મળતી ન હોય ત્યાં ઉધોગોને પ્રોત્સાહન આપવાની વાત દૂર રહી જાય છે.

જીઆઇડીસીમાં ઉધોગકારોના પ્રતિનિધિ રમેશભાઈ સાટોડીયાએ દુઃખ અને રોષની લાગણી વ્યકત કરતા જણાવેલ કે સરકાર દેશના વિકાસની વાતો કરે છે. બીજી તરફ દેશ મંદી માં ઘેરાતો જાય છે. ખેડૂતો હોય કે ઉદ્યોગકારો ખુબજ મહેનત અને સાહસ ધરાવે છે. પરંતુ ઉધોગોને પ્રોત્સાહન આપવા સ્થપાયેલ વેગડી જીઆઇડીસી ના હાલ બેહાલ છે.

આ જીઆઈડીસી માં અલગ અલગ પ્રકારના ધંધા ઉદ્યોગો ને મંદીના માહોલ માં પડતાં પર પાટું જેવી પરિસ્થિતિ નિર્માણ થવા પામી છે તેમજ કામ સબબ આવતા મહીલા મજુરો તથા કારખાના ઓના ઉદ્યોગ કારો ને સાંજે પોતાના ઘરે જવાં માં ભય નાં ઓથાર હેઠળ રહેવું પડે છે.કોઈ ખાસ સિકયુરિટી નથી. અને રાત્રે એકી સાથે પાંચ પાંચ કારખાનાઓ ના તાળા તૂટે, મજૂરોની સલામતીના પ્રશ્નો ઉભા થાય.સમયસર કરવેરાઓ ભરવા છતાં વીજળી, પાણી, રસ્તાની આવશયક સેવાઓ પૂરતી મળતી નથી.

વેગડી જી આઈ ડી સી નાં ઉદ્યોગ કારો દ્વારા સુત્રોચ્ચાર કરવામાં આવેલ. અને ઉધોગકારોએ જણાવેલકે અનેક વખત રજુઆત કરવા છતાં તંત્ર નાં પેટનું પાણી પણ હલતું નથી.જેથી આગામી દિવસોમાં જો યોગ્ય ન્યાય નહી મળે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે તેવી ચિમકી ઉચ્ચારી હતી.

ધોરાજીના વેગડી ગામે આવેલ જીઆઈડીસીમાં લગભગ અલગ અલગ પ્રકારના ધંધા ઉદ્યોગો આવેલ છે જેમાં પ્લાસ્ટીક, બેલા  તથા વિજળીના સબ સ્ટેશન, તથા અન્ય લગભગ ધંધા ઉદ્યોગો આવેલ છે અને ધોરાજી તથા જામકંડોરણા તથા આજુબાજુ ના વિસ્તારો માથી આવતાં મજુરો અને કારીગરો ને રોજગારી પૂરી પડાય છે. ત્યારે તંત્રની ઉદાસીનતાથી આ ઉધોગોને ટકી રહેવું મુશ્કેલ છે.

(11:50 am IST)