Gujarati News

Gujarati News

News of Friday, 21st February 2020

જસદણના કમળાપુર ગામે એક સાથે ત્રણ મંદિરમાં તસ્કરો હાથ ફેરો કરી ગયા

રામાણી પરિવાર, બોધરા પરિવારના કુળદેવી અને સ્વામિનારાયણ મંદિરની દાનપેટી તોડી રોકડ રકમ અને ચાંદીના બે કંદોરા લઇ ગયા

આટકોટ, તા.૨૧: જસદણના કમળાપુર ગામે ગત તા.૧૬ની રાત્રે ગામનાં ત્રણ મંદિરોમાં એક સાથે ચોરી થવાની ઘટના બાદ હજુ આજ સુધી પોલિસ ફરીયાદ દાખલ નથી થઇ જો કે ભાડલા પોલિસે ત્રણ વખ મંદિરોમાં જઇ તપાસ કરી હોવાનું જણાવ્યુ છે.

આ અંગે મુળ કમળાપુરનાં અને હાલ રાજકોટ રહેતા જીલ્લા ભાજપનાં ઉપપ્રમુખ  અને રામાણી પરિવારના ભુવા મનસુખભાઇ રામાણીના જણાવ્યા મુજબ ચાર દિવસ પહેલા કમળાપુર ગામે રામાણી પરિવારના કુળદેવી મંદિરે, બોધરા પરિવારના કુળદેવીના મંદિરે અને સ્વામિનારાયણ મંદિરે રાત્રીના સમયે નિસાચરો ઘુસી મંદિરોમાં રહેલ દાન-પેટીમાં હાથ ફેરો કરી ગયા હતાં.સ્વામિનારાયણ મંદિરમાં અને બોધરા પરિવારનાં મંદિરમાં દાન-પેટીમાંથી રોકડ રકમ લઇ ગયા હતા જયારે રામાણી પરિવારનાં કુળદેવીમાંના મંદિરમાંથી ૪૦ થી ૫૦ હજારની રોકડ રકમ તેમજ ૫૦૦ ગ્રામ જેટલા વજનનાં બે ચાંદીના કંદોરા પણ લઇ ગયા હોવાનું મનસુખભાઇ રામાણીએ જણાવ્યુ હતું.

બનાવ બન્યા બાદ ભાડલા પોલિસ કમળાપુર જઇ યોગ્ય તપાસ કરી હતી પણ હજુ સુધી આરોપી પકડાયા નથી.

ત્રણ મંદિરમાં રામાણી પરિવારનાં મંદિરમાં સી-સી.ટી.વી કેમેરા છે તેમાં ચોરીના દ્રશ્યો કેદ થઇ ગયા છે પરંતુ આરોપીની ઓળખ સ્પષ્ટ દેખાતી નથી.

આ બનાવથી કમળાપુર ગામમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને વ્હેલી તકે આરોપીને પકડવા માંગણી કરવામાં આવી છે.

આ બનાવની વધુ તપાસ ભાડલા પોલિસ ચલાવી રહી છે અને શકમંદોની પૂછપરછ ચાલુ હોવાનું પણ જણાવ્યુ છે.

(11:01 am IST)