Gujarati News

Gujarati News

News of Friday, 21st February 2020

ભુજમાં વર્લ્ડ રેકોર્ડઃ ૩૦ લાખ રૂદ્રાક્ષના શિવલિંગનું નિર્માણ

કચ્છમાં મહાશિવરાત્રી પર્વની ભવ્ય ઉજવણીઃ ધ્રન્ગનાં મેકરણદાદા મંદિરે લોકમેળો

ભુજ,તા.૨૧: મહાશિવરાત્રિના પવિત્ર દિવસે સમગ્ર કચ્છમાં ભોલેનાથ પ્રત્યે જબરદસ્ત આસ્થાનો જુવાળ વરતાઈ રહ્યો છે. ભુજ મધ્યે સનાતન હિન્દુ સમાજ દ્વારા ભવ્યાતિભવ્ય નગરયાત્રાનું આયોજન કરાયું છે. જેમાં હજારો શિવભકતો વિશાળ સંખ્યામાં જોડાયા હતા. સમગ્ર શહેરમાં ફરેલી ભગવાન ભોલેનાથની આ નગરયાત્રા બાદ બધાએ હમીરસરના કાંઠે સમૂહ પ્રસાદ લીધો હતો.

સાંસદ વિનોદ ચાવડા સહિતના રાજકીય આગેવાનોએ નગરયાત્રાને સ્ટાર્ટ આપ્યો હતો. મહાશિવરાત્રિ દરમ્યાન ભુજ મધ્યે વલસાડના ધરમપુરના બટુકભાઈ વ્યાસના વ્યાસાસ્થને 'શિવ મહાપુરાણ' કથાનું આયોજન કરાયું છે. આ પ્રસંગ કચ્છ માટે ઐતિહાસિક બનશે. ખાસ કથા નિમિતે ૩૦ લાખ રુદ્રાક્ષમાંથી મહા શિવલિંગ બનાવાયું છે. આ અદ્દભુત શિવલિંગનું નામાંકન ગીનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં કરાશે.

ગઈકાલથી અહીં શિવ મહાપુરાણ કથાનો પ્રારંભ થયો છે. આ રુદ્રાક્ષ મહાશિવલિંગના દર્શને આજે વહેલી સવારથી જ લોકો ઉમટી રહ્યા છે. અહીં દરરોજ બપોરે ૩ થી ૬ દરમ્યાન બટુકભાઈ વ્યાસ શિવ કથાનું રસપાન કરાવશે. રુદ્રાક્ષ મહાશિવલિંગ મહોત્સવ સમિતિઙ્ગ કચ્છ વતી માવજીભાઈ ગુંસાઈ, ઇશ્વરગીરી ગોસ્વામી સહિતના આગેવાનો આ કથાની વ્યવસ્થા સંભાળી રહ્યા છે. તો, મહા શિવરાત્રિ પ્રસંગે કચ્છનો ભાતીગળ અને પરંપરાગત લોકમેળો ભુજના ધ્રન્ગ ગામે યોજાય છે.

વિધિવત રીતે આ લોકમેળાનો પ્રારંભ શિવરાત્રીની સાંજે થાય છે. જેમાં સાંજે આહીર બહેનોના સામુહિક રાસ સાથે મેળો શરૂ થાય છે. ત્યારબાદ સાંજે મહંત શ્રી મૂળજી રાજા ના નેજા નીચે શમી વૃક્ષનું પૂજન થાય છે. આ પ્રસંગે હજારો લોકો જોડાય છે. સૌરાષ્ટ્રના સંત અમર દેવીદાસ સાથે સંકળાયેલ કચ્છના મહાત્મા મેકરણદાદા અને તેમના મુંગા પશુઓ લાલિયો ગધેડો અને મોતિયો કૂતરો તેમની માનવસેવા માટે પ્રખ્યાત છે.ઙ્ગ ધ્રન્ગનો લોકમેળો શિવરાત્રિની સાંજથી બીજા દિવસે સવાર સુધી ચાલે છે.

રાત્રે મહાપ્રસાદ , સંતવાણી બીજા દિવસે અશ્વ દોડ, ગાડા દોડ, માનવ દોડ અને કુસ્તીના કાર્યક્રમો યોજાય છે. કચ્છના આહીર સમાજ ઉપરાંત સમગ્ર જિલ્લા અને મુંબઈથી શ્રદ્ઘાળુઓ ખાસ મહાશિવરાત્રિ પ્રસંગે ભુજના ધ્રન્ગ ગામે આવે છે. અહીં દાદા મેકરણ ઉપરાંત તેમના ૧૧ શિષ્યો અને બે મૂંગા પ્રાણીઓ લાલીયા મોતીયાની જીવંત સમાધિ આવેલી છે. ભુજ થી માત્ર ૩૨ કીમી દૂર આવેલ ધ્રન્ગ એક ઐતિહાસિક ધાર્મિક સ્થળ છે. 'જીનામ' શબ્દના મહામંત્ર દ્વારા આધ્યાત્મિક અહાલેક જગાવનારા મહાત્મા મેકરણદાદાનો ઇતિહાસ લક્ષમણ અવતાર તેમ જ ગુરુ દત્ત્।ાત્રેય સાથે સંકળાયેલો છે.

(11:00 am IST)