Gujarati News

Gujarati News

News of Friday, 21st February 2020

ભવનાથ તળેટીમાં મહાશિવરાત્રીનો મેળો માણવા માનવ મહેરામણ ઉમટ્યું

રવેડીમાં મહા મંડલેશ્વરો સાધુ - સંતો જોડાશે: ભવનાથ તળેટી તરફ લોકોનો અવિરત પ્રવાહ : મૃગીકુંડમાં સ્નાન બાદ ભવનાથ મહાદેવની મહાઆરતી યોજાશે

જૂનાગઢ : સમગ્ર દેશભરમાં શિવરાત્રીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે ગુજરાતનાં જૂનાગઢમાં પણ ભવ્ય મહાશિવરાત્રીનો મેળો ચાલી રહ્યો છે. ત્યારે ચાર દિવસથી બહોળા પ્રમાણમાં માનવમહેરામણ ઉમટી રહ્યું છે, ત્યારે આવતીકાલે મેળાના અંતિમ દિવસે મહાશિવરાત્રીનાં પરંપરાગત રીતે સાધુ - સંતોની રવેડી યોજાશે.

 જૂના અખાડા ખાતેથી પ્રસ્થાન થનાર રવેડીમાં મહામંડલેશ્વરો, દિગમ્બર સાધુ - સંતો જોડાશે. અને સાધુ - સંતોના અંગકસરતના દાવ, લાઠીદાવ, તલવાર બાજી રવેડીનું મુખ્ય આકર્ષણ રહેશે. ગિરનારની ગોદમાં મહાશિવરાત્રી મેળો ચાલી રહ્યો છે. ગત રાત્રીનાં મેળામાં હજારો લોકો ઉમટી પડયા હતાં. અને ભરડાવાવ નજીકથી વાહનોને પ્રવેશ બંધી કરવી પડી હતી. રાત્રી દરમ્યાન લોકોની અવર જવર ચાલુ રહી હતી.

 આજે સવારથી સાંજ સુધી જૂનાગઢ શહેરમાંથી ભવનાથ તળેટી તરફ લોકોનો પ્રવાહ અવિરત વહેતો રહ્યો હતો. સાંજ સુધી આ સ્થિતી રહી હતી. અને ભવનાથ તળેટીમાં મેળો માણવા માટે માનવ મહેરામણ ઉમટી પડયો હતો. અને અન્નક્ષેત્રોમાં ભોજન પ્રસાદ લઈ મેળાની રંગત માણી હતી. આજે સાંજે પણ ભવનાથ તળેટી તરફ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડયા હતાં. અને મોટા વાહનોને પ્રવેશ બંધી કરવી પડી હતી. આજે મોડી રાત સુધી લોકોની ચહલ પહલ રહી હતી.

 

 મહાશિવરાત્રી નિમીતે મેળાનો અંતિમ દિવસ છે. રાત્રે ૮ વાગ્યે જૂના અખાડા ખાતેથી બેન્ડ વાજા, તથા સંગીતની સુરાવલીઓ સાથે સાધુ - સંતોની રવેડી યોજાશે. જેમાં અખાડાના આરાધ્ય દેવ તથા મહામંડલેશ્વરો પાલખીમાં સવાર થઈ રવેડીમાં જોડાશે. આ રવેડી જૂના અખાડા ખાતેથી મંગલનાથબાપુ આશ્રમ પાસેથી દતચોક, તથા ઈન્દ્રભારતીબાપુ ગેટ સુધી જશે. ત્યાંથી આપાગીગા ઓટલાના અન્નક્ષેત્ર પાસે થઈ ભારતી આશ્રમ પાસે થઈ પરત ભવનાથ મંદિરે પહોંચશે.

રવેડી દરમ્યાન દિગમ્બર સાધુ સંતો તથા અન્ય અખાડાના સાધુ - સંતો દ્વારા કરવામાં આવતા અંગ કસરતના દાવ, લાઠી દાવ, તલવાર બાજી સહિતના કરતબો રવેડીનું મુખ્ય આકર્ષણ રહેશે. રવેડીના રૂટ આસપાસ બપોરથી બેરીકેડ બાંધવામાં આવશે. રાત્રે રવેડી યોજાનાર હોવા છતાં રવેડીના દર્શન માટે ભાવિકો બપોરથી જ રૂટની આસપાસ ગોઠવાઈ જશે. રાત્રીના રવેડી રૂટ પર પરિભ્રમણ કરી પરત ભવનાથ મહાદેવ મંદિર ખાતે પહોંચશે જયાં સાધુ સંતો મૃગીકુંડમાં સ્નાન કરશે. ત્યારબાદ ભવનાથ મહાદેવની મહાઆરતી યોજાશે. અને મોડી રાત્રીનાં ભવનાથ તળેટીમાં પાંચ દિવસીય મેળાની પૂર્ણાહૂતિ થશે.

 રવેડીને લઈને તંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરવામાં આવી છે. બેરીકેડ બંધાઈ ગયા બાદ રવેડીના રૂટને પાણીથી શુધ્ધ કરવામાં આવશે. રવેડીનું લોકો જીવંત પ્રસારણ નિહાળી શકે અને રૂટ આસપાસ ભીડ ન થાય તે માટે મેળામાં પાંચ સ્થળે એલ.ઈ.ડી. સ્ક્રીન પણ મુકવામાં આવી છે. દર વર્ષે રવેડીમાં શ્રી પંચદશનામ જૂના અખાડા, આવાહન અખાડા અને અગ્નિ અખાડા જોડાતા હતાં. પરંતુ આ વર્ષે કિન્નર અખાડાને પણ રવેડીમાં જોડાવાનો સાધુ સંતોએ નિર્મય કર્યો છે રવેડીમાં આ ત્રણેય અખાડા ઉપરાંત કિન્નર અખાડો પણ જોડાશે. ભવનાથ તળેટીમાં અનેક અન્નક્ષેત્રોમાં લોકોને ભોજન પ્રસાદ પીરસવામાં આવી રહ્યો છે. આવતીકાલે મહા શિવરાત્રી હોવાથી અન્નક્ષેત્રોમાં ભાવિકો માટે ફરાળની વ્યવસ્થા કરવામાં આવશે.

(10:44 am IST)