Gujarati News

Gujarati News

News of Wednesday, 21st February 2018

જેતલસર પાસે છકડો રીક્ષાએ ડબલસ્વારી બાઇકને ઉલાળ્યું: ૩ને ગંભીર ઇજા

પીપળવાના હાર્દિક ભેસાણીયા અને કરણ ભેસાણીયા તથા રીક્ષામાં બેઠેલ એક મજૂરને જેતપુર હોસ્પિટલમાં ખસેડાયા

તસ્વીરમાં અકસ્માતગ્રસ્ત બંને વાહનો અને ઇજાગ્રસ્તો નજરે પડે છે. (તસ્વીર : કુલદિપ જોષી, જેતલસર)

જેતલસર તા. ૨૧ ઉ જેતલસર પાસે, જૂનાગઢ રોડ પર આજે સવારે એક છકડો રિક્ષા ચાલકે પીપળવા ગામના બે બાઇકસવારોને હડફેટે લઇ ગંભીર ઈજાઓ પહોંચાડતા આ બને બાઇક સવારો અને રિક્ષાના એક મજૂરને સારવાર માટે જેતપુર દવાખાને ખસેડાયા છે.

બનાવની મળતી વિગતો મુજબ જેતલસર પંથકના પીપળવા ગામેથી જેતપુર જવા નીકળેલા હાર્દિક હરસુખભાઈ ભેંસાણીયા અને કરણ અશ્વિનભાઈ ભેંસાણીયા એમ બંને બાઇક ચાલકોને જૂનાગઢ રોડ ઉપર, જેતલસર નજીકની હોટેલ સોરઠ સામે જેતપુર તરફથી માતેલા સાંઢની જેમ રોંગ સાઈડમાં દોડી આવતી, નંબર પ્લેટ વગરની છકડો રિક્ષાએ ધડાકાભેર હડફેટે લેતા બંને યુવાનોના પગ ભાંગી જવા જેવી ગંભીર ઈજાઓ પહોંચતા બનાવ સ્થળે લોહીના પાટોળા ભરાયા હતા. આ અકસ્માતમાં રિક્ષામાં બેઠેલા એક આધેડને પણ નાની મોટી ઈજાઓ થઇ હતી. ત્રણેય ઇજાગ્રસ્તોને સરકારી ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા જેતપુર દવાખાને ખસેડાયા હતા. બનાવ બાદ રિક્ષા ચાલક ગભરાઈને ભાગી ગયો હતો. રિક્ષા મોટી મારડના પીઠ અમરા પરમારની હોવાની અને આ રિક્ષામાં પાંચેક મજૂરો બેઠા હતા અને તે બધા કોઈ ડામર કામ મજૂરી માટે જતા હતા.

જયારે ઘાયલ બાઇક સવારો બંને મામા ફૈબાના ભાઈઓ હોવાનું તેમજ હાર્દિકને જેતપુરમાં એકાઉન્ટની ઓફીસ હોય, આજે રાબેતા મુજબ પીપલવાથી નીકળી જેતપુર તરફ જતો હતો ત્યારે જેતલસર નજીક તેમને રિક્ષાએ હડફેટે લીધો હતો.

બનાવની જાણ પરથી જેતપુર તાલુકા પોલીસ ઘટના સ્થળે દોડી આવી જરૂરી કાગળો કર્યા હતા.

(12:52 pm IST)