Gujarati News

Gujarati News

News of Wednesday, 21st February 2018

જૈન સમાજમાં અનેરો ઉત્સાહ... મોરબીમાં રવિવારે ચોવીશીયંત્રના વિધિસર સમૂહજાપ

મહાવીર સ્વામીના મંગલકારી સ્ત્રોતમાં લગ્નજીવનના ૨૪ વર્ષ પૂર્ણ કરનાર ૨૪ દંપતિઓ સૌ પ્રથમ લેશે લાભઃ સંદિપભાઇ દફતરી, કાજલબેન દફતરીના વરસીતપ પારણા અનુરૂપ ધર્મકારણીનું પણ આયોજન

મોરબી તા. ૨૧ : અહીંયા સ્થાનકવાસી જૈનસંઘ – સોની બજારના આંગણે ગોંડલ સંપ્રદાયના પૂજય ગીરીશમુની મહારાજ સાહેબના શીષ્ય પૂજય સુશાંતમુની મહારાજ સાહેબ તથા પૂજય ભદ્રાબાઇ મહાસતીજી- લીંબડી સંપ્રદાયના પૂજય પ્રમોદીનીબાઇ મહાસતીજી તથા ગોંડલ સંઘાણી સંપ્રદાયના પૂજય હંસાબાઇ મહાસતીજી આદી ૧૬ મહાસતીજીના સાનીધ્યમાં તા. ૨૫મીએ સવારે ૯-૦૦ થી ૧૦-૩૦ સુધી પ્રભુ મહાવીર સ્વામીના મંગલકારી સ્તોત્ર એટલે કે, ચોવીશીયંત્રના જાપનું આયોજન કરવામાં આવેલ છે. આ જાપની અંદર જે દંપતીને લગ્નજીવનના ૨૪ વર્ષ પૂર્ણ થઇ ગયા હોય તેવા ૨૪ દંપતીને પ્રથમ વિધિમાં બેસવાનું રહે છે.

 

ધર્મોત્સવમાં અન્ય દંપતીઓ અને ૧૧ વર્ષથી ઉપરની કોઇપણ વ્યકિત નાત-જાતના ભેદભાવ વગર લાભ લઇ શકશે. જાપ સમયે ભાઇઓએ સફેદ વસ્ત્ર અને બહેનોએ લાલ વ સ્ત્રો અંગીકાર કરવાના રહેશે. કાળા કે બ્લ્યુ કલરના વ સ્ત્રો પહેરનાર પ્રવેશ મળશે નહિ. ચંદ્રકાંતભાઇ દફતરીના પુત્ર સંદીપભાઇ અને પુત્રવધુ કાજલબેનના વરસીતપ પારણા આગામી તા. ૪ માર્ચે હોવાથી તેને અનુરૂપ ધર્મકારણીનું આયોજન થઇ રહેલ છે. માત્ર રવિવારે થઇ શકતા સ્તોત્રના જાપ- ફળદાયી-વિઘ્નહર અને ઘાતરક્ષક છે.આ જાપ પૂજય સુશાંતમુની મહારાજ સાહેબ વિધી-વિધાન દ્વારા સંપન્ન કરાવશે. સૌ ધર્મપ્રેમી ભાઇઓ-બહેનોને લાભ લેવા સંઘ વતી નવીનભાઇ દોશીએ અનુરોધ કર્યો છે.(૨૧.૨૦)

(12:50 pm IST)