Gujarati News

Gujarati News

News of Thursday, 21st January 2021

વિસાવદરના નાની મોણપરી ગામે ધોળા દિવસે બંધ મકાનમાં તસ્કરો ખાબકયા

કરેણી અને કેશોદમાં પણ તસ્કરોનો તરખાટ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા.ર૧ : વિસાવદરના નાની મોણપરી ગામે ધોળા દિવસે તસ્કરો બંધ મકાનમાં ખાબકયા હતા. તો બીજી તરફ કરેણી અને કેશોદમાં પણ તરખાટ મચાવ્યો હતો. વિસાવદર તાલુકાના નાની મોણપરી ગામે રહેતા દિનેશ ડાયાભાઇ મકવાણા તા. ૧૯ના રોજ સવારે ખરખરાના કામે જુનાગઢ ગયા હતાં. ત્યારે બપોરના ર-૪પ સુધી બંધ રહેતા તેમના મકાનની ડેલી કુદી તસ્કરો રૂમનું તોડીને ખાબકયા હતા અને કબાટમાંથી રૂ.૪૩ હજારના સોનાના દાગીના ચોરીને તસ્કરો નાસી ગયા હતાં.

આ અંગે પોલીસ ફરીયાદ નોંધીને ધોરણસરની કાર્યવાહી કરી હતી.

જયારે કેશોદ તાલુકાના કરેણી ગામના કડવાભાઇ ડાયાભાઇ માલમના બંધ મકાનમાંથી બે માસ અગાઉ તસ્કરો મહેમાન બન્યા હતાં. મકાનનો પાછળનો દરવાજો તોડીને ઘરમાં પ્રવેશેલા તસ્કરો સોનાની બુટી, વાસણો, કપડા વગેરે મળી કુલ રૂ. ૧,પપ,પ૦૦ની માલમતાની ચોરી કરી ગયા હોવાની ફરીયાદ થતાં કેશોદના પીએસઆઇ પી.એસ. ઝાલાએ તપાસ હાથ ધરી છે.

કરેણી ઉપરાંત કેશોદની ઇન્દ્રલોક ટાઉનશીપમાં મકાન ધરાવતા સંજયભાઇ ભુપેન્દ્રભાઇને ત્યાંથી કબાટમાંથી રૂ. ર૦ હજારની રોકડ અને  રૂ. ૧૦ હજારના ઘરેણાનો હાથ ફેરો કરી ગયા હોવાની ફરીયાદ નોંધાવતા પીએસઆઇ એમ.સી. ચુડાસમાએ તપાસ ધરી છે.

(1:20 pm IST)