Gujarati News

Gujarati News

News of Thursday, 21st January 2021

ભાવનગરના કુંભારવાડાની વૃદ્ધાના હત્યાના કેસમાં આરોપી તકસીરવાનઃ કલમ ૩૦૪ પાર્ટ-ર હેઠળ ચુકાદો

સજા અંગેની સુનાવણી હવે પછી થશેઃ અન્ય એક આરોપીને શંકાનો લાભ

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા. ર૧ : બે વર્ષ પુર્વે ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં વૃદ્ધાના ઘરમાં ઘુસી બે શખ્સોએ લાકડી, પાઇપ વડે હુમલો કરતા ઇજા ગ્રસ્ત વૃદ્ધાનું મોત નિપજતા આ બનાવ હત્યામાં પરીણામ્યો હતો. આ અંગેનો કેસ ભાવનગરના પ્રિન્સીપલ ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ જજ આર.ટી.વચ્છાણીની અદાલતમાં ચાલી જતા અદાલતે એક આરોપી સામે ઇપીકો કલમ ૩૦૪ પાર્ટ-ર મુજબ તકસીરવાન ઠરાવ્યો હતો. આ કેસમાં સજાની સુનવણી હાલ તુરંત મોકુફ રાખવામાં આવી હતી.

આ કેસની પ્રાપ્ત વિગતો મુજબ આ કામના ફરીયાદી હીરૂબેન નારણભાઇ કંટારીયા તા. ર૬/૩/ર૦૧૮ નાં રોજ રાત્રીના અગિયારેક વાગે પોતના ઘરે હતી અને દિનેશ તથા કાંતી તેઓના ઘર પાસે આવી, ગાળો બોલતા હોય, જેથી ફરીયાદીએ ગાળો બોલવાની ના પાડતા કાંતીભાઇનો હાથમાં પાઇપ હતો તે હીરૂબેનને મારતા તેને મૂંઢ ઇજા થયેલ અને દિનેશનાં હાથમાં લાકડી હતી, જે હિરૂબેનને મારતા મુંઢ ઇજા થયેલ અને આ દરમ્યાન હિરૂબેને દેકારો કરતા, હિરૂબેનના દિકરા જેઠાભાઇ પણ ત્યાં આવી જતાં, તેને પણ ગાળો દેવા લાગેલ, તે દરમ્યાન દેકારો થતા બીજા ઘણા માણસો ભેગા થઇ ગયેલ અને આ લોકોએ જતા જતા ફરીયાદીના દિકરા જેઠાભાઇને કહેતા ગયેલ કે આજે તો તુ બચી ગયો હવે પછી અહીંયા અમે ગતે તેમ બોલીએ ગમે તેમ ગાળો બોલીએ તું વચ્ચે પડીશ તો તને જાનથી મારી નાખીશું તેવી ધમકી આપી બન્ને જણા જતા રહેલ આ અંગેની ફરીયાદ તા.ર૭/૩/ર૦૧૮ ના રોજ બોરતળાવ પોલીસ સ્ટેશનમાં હિરૂબેને જે તે સમયે નોંધાયેલ ત્યારબાદ હિરૂબેનનું સારવાર દરમ્યાન મોત નિપજતા આ બનાવ હત્યામાં પરીણામ્યો હતો.

આ બનાવ અંગે બોરતળાવ પોલીસ મથકમાં હિરૂબેન નારણભાઇ કંટારીયાએ ફરીયાદ નોંધાવતા પોલીસે આરોપી (૧) દિનેશ મીઠાભાઇ ચૌહાણ (ઉ.પ૦) (ર) કાંતિ મીઠાભાઇ ચૌહાણ (ઉ.પ૮) (રહે. કુંભારવાડા, ઠક્કરબાપા સોસાયટી, નારી રોડ) સામે ઇપીકો કલમ ૩૦ર, ૪પર,૩ર૩, પ૦૪, પ૦૬ (ર), ૧૧૪, તથા જીપીએકટ ૧૩પ મુજબનો ગુનો નોંધાયો હતો. આ અંગેનો કેસ ભાવનગરના પ્રિન્સીપલ ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ જજ આર.ટી.વચ્છાણી અદાલતમાં ચાલી જતા અદાલતે સરકારી વકિલ વિપુલભાઇ દેવમુરારીની અસરકાર દલીલો મૌખીક પુરાવા-૧૧, દસ્તાવેજી પુરાવા-૩પ વિગેરે ધ્યાને લઇ આ કામના આરોપી નં.ર કાંતિભાઇ મીઠાભાઇ ચૌહાણની સામે ઇપીકો કલમ ૩૦૪ પાર્ટ-ર મુજબનો શિક્ષા પાત્ર ગુના અન્વયે તકસીરવાન ઠરાવવામાં આવેલ છે. હાલ તુરંત સજા બાબતે સાંભળવાનું મુલત્વી રાખવામાં આવ્યું છે. અન્ય એક આરોપીને શંકાનો લાભ આપી અદાલતે નિર્દોષ છોડી મુકવાનો હુકમ કર્યો હતો.

(11:54 am IST)