Gujarati News

Gujarati News

News of Thursday, 21st January 2021

સાયલાના ઢેઢુકીમાં ખોડુભાઇ વાળાની છરીના દસેક ઘા ઝીંકી હત્યા

કુટુંબી એવા એભલ બાબભાઇ વેગડ અને રામકુ બાબભાઇ વેગડ નાના ભાઇ ભુપતભાઇની નજર સામે જ મોટા ભાઇ ખોડુભાઇની હત્યા કરી કારમાં બેસી ભાગી ગયા : મૃતદેહ પોસ્ટ મોર્ટમ માટે રાજકોટ ખસેડાયો : બાપ દાદા વખતની વીડમાં ઢોર ચારતાં પશુપાલકો પાસેથી છાણનું ખાતર લઇ ૯૦૦૦માં વેંચી દેનારા કુટુંબીઓ એભલ અને રામકુને ખોડુભાઇએ પોતાના ભાગના રૂ. ૪૫૦૦ ધર્માદામાં આપી દેવાનું અથવા પશુપાલકોને ૯૦૦૦ પાછા આપી દેવાનું કહેતાં થયેલી માથાકુટ હત્યા સુધી પહોંચી : ખોડુભાઇ નાજભાઇ વાળા (ઉ.વ.૫૫)નો નિષ્પ્રાણ દેહ : નાજભાઇના પડખામાં ખૂંચેલી છરી સાથે મૃતદેહ પોસ્ટ મોર્ટમ માટે રાજકોટ ખસેડાયો

સાયલાના ઢેઢુકીમાં હત્યાના બનાવથી ખળભળાટઃ વઢવાણઃ સાયલા તાલુકાના ઢેઢુકી ગામે હત્યાના બનાવથી ખળભળાટ મચી ગયો છે એભલભાઇ વેગડે ખોડુભાઇ વાળાને છરીના ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતારતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. (તસ્વીરઃ ફઝલ ચૌહાણ-વઢવાણ)

રાજકોટ તા. ૨૧: સાયલાના ઢેઢુકીમાં કાઠી દરબાર પ્રોૈઢ પર તેમના જ કુટુંબી એવા બે ભાઇઓએ છરીથી હુમલો કરી આડેધડ આઠ-દસ જેટલા ઘા ઝીંકી દઇ આંતરડા કાઢી નાંખી ક્રુર હત્યા કરતાં અરેરાટી વ્યાપી ગઇ છે. બાપા દાદા વખતની વીડ જમીનમાં પશુપાલકો ગાયો ભેંસો ચારતા હોઇ તેના પૈસા લેવામાં આવતાં નથી. પણ બે કુટુંબી ભાઇઓએ ગાયો ભેંસોના છાણનું ખાતર વેંચી તેના રૂ. ૯૦૦૦ લઇ લેતાં હત્યાનો ભોગ બનનાર પ્રોૈઢે પોતાના ભાગે આવતાં રૂ. ૪૫૦૦ ધર્માદામાં આપી દેવાનું અથવા તમામ રકમ પશુપાલકોને પાછી આપી દેવાનું કહેતાં તે બાબતનો ખાર રાખી હત્યા કરાયાનું ખુલ્યું છે.

સાયલા પોલીસે આ બારામાં હત્યાનો ભોગ બનનારના ભાઇ ભુપતભાઇ નાજભાઇ વાળા (ઉ.વ.૪૫)ની ફરિયાદ પરથી ઢેઢુકી ગામના જ એભલ બાબભાઇ વેગડ તથા રામકુભાઇ બાબભાઇ વેગડ સામે આઇપીસી ૩૦૨, ૫૦૪, ૧૧૪, ૧૩૫ મુજબ હત્યાનો ગુનો નોંધ્યો છે.

ભુપતભાઇએ ફરિયાદમાં જણાવ્યું છે કે હું ડ્રાઇવીંગ કરુ છું. મારે પોતાનું ડમ્પર છે. અમે ચાર ભાઇઓ છીએ. જેમાં મોટા ખોડુભાઇ, તેનાથી નાના ઓઢભાઇ અને એથી નાના રણુભાઇ છે. જેઓ પાંચ વર્ષ પહેલા ગુજરી ગયા છે. સોૈથી નાનો હું છું.  હું તથા મારા મોટાભાઇ ઓઢભાઇ અમારા પરિવાર સાથે અલગ રહીએ છીએ. બીજા મોટા ભાઇ ખોડુભાઇના લગ્ન થયા નહોતાં. તેઓ ભત્રીજા પ્રદિપભાઇ રણુભાઇ સાથે રહેતા હતાં.

આજે (બુધવારે) સાંજે હું ઢેઢુકી ગામે મારા મામા રાવતભાઇ દાદભાઇ વેગડના ઘરેથી દુધ લઇને મારા ઘરે આવતો હતો ત્યારે સાંજે સાડા છ સાતેક વાગ્યે મારા ઘરની સામે મોટા ભાઇ ખોડુભાઇને અમારા ગામના એભલભાઇ વેગડ તથા રામકુભાઇ વેગડ છરીથી મારતાં હતાં અને જેમ તેમ ગાળો બોલતાં હોઇ હું દૂરથી જોઇ જતાં હાકલા પડકાર કરતાં એ બંને વેગનઆર કાર જીજે૧૩સીસી-૯૬૬માં બેસીને ભાગી ગયા હતાં.

આ વખતે મારા પત્નિ ઇલાબેન, ભત્રીજા પ્રદિપભાઇના પત્નિ કૈલાસબેન રાડારાડ કરતાં હતાં. પડોશીઓ પણ ભેગા થઇ ગયા હતાં. મારા ભાઇ ખોડુભાઇ ઘર પાસે બજારમાં ઉંધા માથે પડ્યા હતાં. જેથી મેં ત્યાં જઇને જોતાં પેટના ભાગે છરીના ઘાને કારણે આંતરડાના લોચા બહાર નીકળી ગયેલા દેખાયા હતાં. ડાબા પડખામાં છરી ખુંચેલી હાલતમાં હતી. તેઓ લોહીલુહાણ પડ્યા હતાં. કંઇ બોલતા નહોતાં. મોટા ભાઇ ઓઢભાઇ આવી જતાં મેં અને ઓઢભાઇએ મળી કુટુંબીઓને જાણ કરી હતી. એ પછી ભત્રીજા પ્રદિપભાઇ રણુભાઇ, ચાંપરાજભાઇ ઓઢભાઇ, મુન્નાભાઇ ઓઢભાઇ અને ગામના લોકો આવી જતાં અમે પ્રાઇવેટ વાહન મારફત ખોડુભાઇને સાયલા સરકારી દવાખાને લઇ ગયા હતાં. ત્યાં ડોકટરે તેમને મૃત જાહેર કર્યા હતાં.

આ બનાવનું કારણ એવું છે કે અમારા બાપ દાદા વખતની વીડ જમીન ઢેઢુકી ગામની સીમમાં આવેલી છે. આ વીડમાં રબારી-ભરવાડ સમાના પશુપાલકો ગાયો ભેંસો ચરાવવા જાય છે. જે ગાયો ભેંસોના છાણનું ખાતર રામકુભાઇ અને એભલભાઇએ રૂ. ૯૦૦૦માં વેંચ્યું હોઇ જે ખાતરના રૂ. ૪૫૦૦ અમારા ભાગે આવતાં હોઇ એ પૈસા મારા મોટા ભાઇ ખોડુભાઇએ ધર્માદામાં આપી દેવાનું કહેતાં બંને ભાઇઓ રામકુ અને એભલે બે દિવસ પહેલા બોલાચાલી કરી હતી. તેનો ખાર રાખી બુધવારે સાંજે બંનેએ ખોડુભાઇ પર છરીથી તુટી પડી આડેધડ પેટ, પડખા, હાથ સહિતના ભાોગોમાં છરીના ઘા ઝીંકી હત્યા કરી હતી.

સાયલાના પીએસઆઇ આર. જે. ગોહિલે ગુનો નોંધી ભાગી ગયેલા આરોપીઓને ઝડપી લેવા દોડધામ આદરી છે.

હત્યાનો ભોગ બનનાર ખોડુભાઇ વાળા હાલ નિવૃત જીવન જીવતાં હતાં. તેમના મૃતદેહને ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. સગાના કહેવા મુજબ હત્યા કરનારા આરોપીઓ પણ કુટુંબીજનો જ છે.

(11:39 am IST)
  • દિલ્હીની ટ્રેક્ટર રેલી અંગે પોલિસ અને ખેડૂતો વચ્ચે મંત્રણા : પ્રજાસત્તાક દિવસે ખેડૂતો ટ્રેક્ટર રેલી કાઢવાના છે તે સંદર્ભે દિલ્હીના ટોચના પોલીસ અધિકારીઓ અને ખેડૂત નેતાઓ વચ્ચે બેઠક ચાલુ થઈ છે. દિલ્હીના જોઇન્ટ પોલીસ કમિશનર એસ યાદવ સિંધુ બોર્ડર પાસે એક રિસોર્ટમાં પહોંચી ગયા છે. access_time 12:47 pm IST

  • કોગ્રેસની વકૅ કમીટીની બેઠક ૨૨ જાન્યુઆરીએ ઈન્ટરનેટ થ્રુ મળશે access_time 5:34 pm IST

  • ઇરાકના પાટનગર બગદાદ સુસાઈડ બોમ્બીંગમાં ૨૮ના મોત થયા છે access_time 4:14 pm IST