Gujarati News

Gujarati News

News of Thursday, 21st January 2021

ભાવનગર જિલ્લામાં ૬૫,૪૨૨ લાભાર્થીઓને અન્ન સલામતી યોજનાનો લાભ મળશે

'રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદા' હેઠળ સમાવિષ્ટ લાભાર્થીઓના અભિવાદન કાર્યક્રમ યોજાયો

(મેઘના વિપુલ હિરાણી)  ભાવનગરતા.૨૧ : ભાવનગર જિલ્લાના તળાજા એ.પી.એમ.સી ખાતે સાંસદ શ્રીમતી ભારતીબેન શિયાળની અધ્યક્ષતામાં 'રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદા' હેઠળ સમાવિષ્ટ લાભાર્થીઓનો અભિવાદન કાર્યક્રમ યોજાયો હતો.

સાંસદસભ્ય શ્રીમતિ ભારતીબેન શિયાળે લાભાર્થીઓને સંબોધતા જણાવ્યું હતું કે, મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના વરદ્દ હસ્તે જૂનાગઢના કેશોદથી ઇ-લોન્ચિંગ કર્યુ હતું જેમાં રાજયના ૧૦૧ તાલુકામાં ૫૦ લાખ પરિવારોને અન્ન સલામતી કાયદા હેઠળ આવરી લેવામાં આવશે. જે અંતર્ગત ભાવનગર જિલ્લામાં ૬૫,૪૨૨ લાભાર્થીઓને આ યોજના હેઠળ લાભ મળશે. આ યોજના હેઠળ બાંધકામ શ્રમિકો, દિવ્યાંગ લાભાર્થીઓ,વૃદ્ઘ પેન્શન મેળવતા લાભાર્થીઓ,વિધવા સહાય મેળવતી ગંગા સ્વરૂપ બહેનો અને અન્ય લાભાર્થીઓને આવરી લેવામાં આવ્યા છે. જેમાં ગરીબી રેખાથી નીચે આવતા અને એન.એફ.એસ.એ.ના કાર્ડધારકોને આ યોજના હેઠળ આવરી લેવામાં આવ્યા છે. સરકાર દરેક વ્યકિતને લક્ષમાં રાખીને કામ કરે છે. સરકારે અનેકવિધ કાયદામાં સુધારા કરીને અનેક પરિવારોનો ઉદ્ઘાર કર્યો છે. સરકારનો ઉદ્દેશ ગરીબ માનવી સમક્ષ બની રહ્યો છે. સરકારની વિવિધ યોજનાઓનો લાભ ગરીબોને મળે તે માટે તે ભગીરથ કામો સરકારે કર્યા છે. જિલ્લાના કલેકટરશ્રી અને તેમની ટીમે વિધવા બહેનોનોને ઘરે-ઘરે જઈ લાભ આપવાનું ઉમદા કાર્ય કર્યું છે.

સાંસદશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, કોરોના જેવી મહામારીમાં સરકારે 'વન રેશન, વન નેશન'નો કાયદો લાવીને અનેક રાજયોમાં રહેતા પરપ્રાંતિયોને પણ અનાજ પૂરું પાડ્યું હતું અને મહામારીમાં કોઈ ભૂખ્યું ન રહે તેની ચિંતા કરી હતી અને સાત માસ સુધી મફત અનાજ પૂરું પાડવામાં આવ્યું હતું.ગ્રામ્ય સ્તરે પંચાયતોમાં ૨૪ જેટલી યોજનાઓને ઓનલાઇન કરી યોજનાની લાભ લેવાની સુલભતા કરી આપી છે.

આ અંગે જિલ્લા પુરવઠા અધિકારી શ્રી એ જણાવ્યું હતું કે આગામી સમયમાં પણ ઉપરોકત તમામ કેટેગરીમાં સ્ક્રીનીંગ ની કાર્યવાહી શરૂ રહેશે તેમજ નવા લાભાર્થીઓને આ યોજનામાં આવરી લેવામાં આવશે.

આ ઉપરાંત ભાવનગરના અટલબિહારી વાજપેયી હોલ તેમજ વલ્લભીપુર ખાતે પણ અભિવાદન કાર્યક્રમ યોજાયો હતો.

આ કાર્યક્રમમાં પ્રાંત અધિકારી શ્રી તળાજા, મામલતદાર શ્રી તળાજા, ભાવનગર ખાતે પૂર્વ મેયરશ્રી મનહરભાઈ મોરી, જિલ્લા પુરવઠા અધિકારી શ્રીમતી ભુમિકાબહેન વાટલીયા, મામલતદારશ્રી ભાવનગર શહેર તથા વલ્લભીપુર સહિત લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(10:13 am IST)