Gujarati News

Gujarati News

News of Thursday, 21st January 2021

સૌરાષ્ટ્ર સહિત રાજ્યના બંદરોનું આધુનિકરણ કરી દરિયાકાંઠાના અર્થતંત્રને વધુ મજબૂત કરાશે સાગર ખેડુના વિકાસ માટે સરકાર પ્રતિબદ્ધ: વિજયભાઈ રૂપાણી

ગીર સોમનાથ જિલ્લાના નવા બંદર ખાતે રૂપિયા ૩૦૦ કરોડના ખર્ચે નિર્માણ પામનાર અદ્યતન અને આંતરરાષ્ટ્રીય કક્ષાની સુવિધા યુક્ત મત્સ્યબંદરનું ખાતમુહુર્ત કરતા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી:રાજ્ય સરકાર સંવેદના સાથે સાગરખેડૂની સાથે ઉભી છે : માછીમારોને સહાય સબસીડી ઓનલાઈન કરાશે : મત્સ્યોદ્યોગ અને પ્રવાસન મંત્રી

અમદાવાદ : ગીર સોમનાથ જિલ્લાના નવા બંદર ખાતે રૂપિયા ૩૦૦ કરોડના ખર્ચે નિર્માણ પામનાર અદ્યતન અને આંતરરાષ્ટ્રીય કક્ષાની સુવિધા યુક્ત મત્સ્યબંદરનું ખાતમુહુર્ત કરતા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે ગુજરાતને મળેલા ૧૬૦૦ કિલોમીટરના દરિયાકાંઠાની વિપુલ તકોનો ટેકનોલોજી સાથે સમન્વય સાધીને સૌરાષ્ટ્ર સહિત રાજ્યના બંદરોનું આધુનિકરણ કરી દરિયાકાંઠાના અર્થતંત્રને વધુ મજબૂત કરાશે.
મુખ્યમંત્રીશ્રીએ આ સંદર્ભે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે રાજ્ય સરકારની મત્સોદ્યોગની વિકાસલક્ષી નીતિને લીધે વર્ષ ૨૦૧૯-૨૦માં રાજ્યનું મત્સ્ય ઉત્પાદન ૮.૫૮ લાખ મેટ્રિક ટન સુધી પહોંચ્યું છે
.  પાંચ હજાર કરોડથી પણ વધુના મત્સ્ય ઉત્પાદનોની નિકાસ કરવામાં આવી છે તેમ જણાવીને મુખ્યમંત્રીએ કહ્યું હતું કે સાગરખેડૂના વિકાસ માટે રાજ્ય સરકાર પ્રતિબધ્ધ છે.
  મુખ્યમંત્રીએ ગુજરાત દેશનું પ્રવેશદ્વાર બન્યું છે તેમ જણાવતા કહ્યું હતું કે મત્સોદ્યોગના વિકાસની વાત કરતા ઉમેર્યું કે હાલ રાજ્યમાં ૨૯ હજારથી પણ વધુ બોટનું રજીસ્ટ્રેશન થયું છે.  માછીમારોને કેરોસીન પર એક લિટરે રૂ. ૧૫ ની સબસિડી મળતી હતી તે વધારીને રૂપિયા રૂ. ૨૫ કરવામાં આવી છે. આ ઉપરાંત સેસમાં પણ નોંધપાત્ર ઘટાડો કરી માછીમારોને સહાય આપવામાં આવી છે. વધુમાં મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે પાકિસ્તાન દ્વારા પકડેલા ૭૧૦૦ માછીમારોને છોડાવવામાં આવ્યા છે.
  મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા વેરાવળ, માંગરોળ, સુત્રાપાડા, માઢવાળ અને પોરબંદર જેવા બંદરોના વિકાસ માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સુત્રાપાડા ખાતે જીઆઇડીસીની જમીન ફિશરીઝ ખાતાને આપવામાં આવી છે અને હવે પર્યાવરણ ખાતામાં આગળની કાર્યવાહી માટે મોકલી આપવામાં આવી છે. આમ રાજ્ય સરકાર દ્વારા સાગરબંધુઓને તમામ સુવિધા મળી રહે અને એમને કોઈ તકલીફ ન પડે એ દિશામાં પ્રયત્નો કરવામાં આવી રહયા છે.

 વધુમાં મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે કોરોનાની આ કપરી પરિસ્થિતિમાં પણ ગુજરાતે વિકાસને અટકવા નથી દીધો. છેલ્લા ૫ મહિનામાં ૨૭ હજાર કરોડના કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા છે તેમ જણાવી આજે એક જ દિવસમાં ૭૫૦ કરોડના ખાતમુહૂર્ત અને લોકાર્પણના કામો કરવામાં આવ્યા છે.
  રાજ્ય સરકાર પારદર્શક અને ઈમાનદારીથી કામ કરે છે. ગરીબો અને ઋજુ લોકોની સરકાર છે. પ્રજાના પૈસા પ્રજા માટે વાપરીને પારદર્શક પ્રજાભિમુખ વહીવટ થી કામ કરી રહ્યા છે એમ જણાવીને બે-અઢી દાયકા પહેલા વિપક્ષોની સરકાર હતી ત્યારે ખાતમુહૂર્ત ના કામો થયા પછી લોકો રાહ જોતા હતા અને અમે જેનું ખાતમુહૂર્ત કરીએ છીએ તેનું લોકાર્પણ પણ અમેજ કરીએ છીએ એમ જણાવી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાત માં કરેલા વિકાસને આગળ વધારીને ગુજરાત ને દેશનું અગ્રીમ રાજ્ય બનાવવા આપણે આગળ વધી રહ્યા છીએ એમ પણ કહ્યું હતું.
મુખ્યમંત્રીએ ગુજરાત મેરીટાઈમ બોર્ડ અને મત્સ્યોદ્યોગ વિભાગ દ્વારા કરવામાં આવેલી આયોજનબદ્ધ કામગીરીની માહિતી આપી માછીમારોના વિકાસ અને ઉત્કર્ષ માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
મત્સ્યોદ્યોગ અને પ્રવાસન મંત્રી જવાહરભાઇ ચાવડાએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ માછીમારોની ચિંતા કરીને માછીમારોના વિકાસ માટે સંવેદનાપૂર્વક અનેક કલ્યાણકારી નિર્ણયો લીધા છે. માછીમારોની માંગણીઓ પર પૂરતું ધ્યાન આપીને અનેક યોજનાની અમલવારી કરી છે.

 મંત્રીએ માછીમારોને આપવામાં આવી રહેલી સહાય અને રાહતો ઝડપભેર તેમને મળી જાય તે માટે મત્સ્યોદ્યોગ વિભાગ દ્વારા હાલ જે કામગીરી કરવામા આવી રહી છે તેની માહિતી આપતા કહ્યું હતું કે ડીઝલ સબસીડી સહિતની સહાય સીધી જ બેન્ક ખાતામાં જમા થાય અને ટોકન પણ મોબાઈલ પર ઉપલબ્ધ થાય અને કચેરીઓમાં ઓછું જવું પડે અને ઘેરબેઠા બધી સુવિધા મળે તે માટે મુખ્યમંત્રી શ્રીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી રહેલી કામગીરીની વિસ્તૃત માહિતી આપી હતી. ગીર સોમનાથ જિલ્લાના માછીમારોએ સરકારની માછીમારો પ્રત્યેની સંવેદના અને ઋજુતા ને હર્ષભેર વધાવી લીધી હતી.
  સ્વાગત પ્રવચન અને મત્સ્યોદ્યોગ વિભાગના વિકાસની યોજનાની રૂપરેખા સચિવ નલીન ઉપાધ્યાયએ આપી હતી અને આભારવિધિ જિલ્લા કલેક્ટર અજય પ્રકાશએ કરી હતી. આ તકે સાંસદ સહિતના તમામ સંગઠનના પદાધિકારીઓ તથા સાગરખેડુ અગ્રણીઓએ મુખ્યમંત્રીનું સન્માન કર્યું હતું. સાગરપુત્ર ફાઉન્ડેશન વતી લખનભાઈ તથા વેલજીભાઈએ મુખ્યમંત્રીને કન્યા કેળવણી ભંડોળમાં ચેક અર્પણ કર્યો હતો.
  આ કાર્યક્રમમાં સાંસદ રાજેશભાઈ ચુડાસમા, પૂર્વ ધારાસભ્ય રાજશીભાઈ જોટવા, કાળુભાઇ રાઠોડ,જસાભાઈ બારડ, ગોવિંદભાઈ પરમાર, જેઠાભાઈ સોલંકી, અગ્રણીઓ ઝવેરીભાઈ ઠકરાર, માનસિંગભાઈ પરમાર, મત્સોદ્યોગ વિભાગના સચિવ નલીન ઉપાધ્યાય, ગુજરાત મેરીટાઈમ બોર્ડના સીઈઓ અવંતિકા સિંઘ, કોસ્ટ ગાર્ડના કમાન્ડન્ટ એસ. કે. વર્ગીસ, ઉદ્યોગ કમિશ્નર ડી. પી. દેસાઈ તથા બહોળી સંખ્યામાં સાગરખેડુઓ કોવીડ-૧૯ ની ગાઈડલાઈન અનુસરીને ઉપસ્થિત રહ્યાં હતાં.

(8:53 pm IST)