Gujarati News

Gujarati News

News of Tuesday, 21st January 2020

જેતપુરમાં ૩૦ કરોડના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમૂહૂર્ત

જેતપુર -જામકંડોરણા વિસ્તારમાં રોડ અને પુલના નવા કામો માટે રૂ.૪૫ કરોડની મંજૂરી આપવામાં આવી છે-અન્ન, નાગરિક પુરવઠા મંત્રી જયેશભાઇ રાદડીયા

જેતપુર, તા.૨૧: જેતપુર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે રાજકોટ જિલ્લામાં ૨૬ મી જાન્યુઆરી ૨૦૨૦ની રાજયકક્ષાની ઉજવણી અંતર્ગત વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમૂહૂર્ત કાર્યક્રમ પ્રસંગે ઉર્જા મંત્રી સૌરભભાઈ પટેલે જણાવ્યું હતું કે ઊર્જા ઉત્પાદન, વ્યવસ્થાપન અને વિતરણની કામગીરીમાં ગુજરાત સમગ્ર દેશમાં અગ્રેસર છે. ઉર્જા મંત્રીએ જેતપુર પંથકના ખેડૂતોને ટપક સિંચાઈ પદ્ઘતિ અપનાવવા અનુરોધ કરતા કહ્યુ કે ગુજરાતમાં વીજળીની કોઈ ચિંતા નથી. હવે પૂરતી વીજળી અને ખેતીવાડીના પૂરતા વીજ કનેકશન આપવા જઈ રહ્યા છે ત્યારે આપણી સૌની જવાબદારી પાણી બચાવવાની પણ છે. સૌરભભાઇ પટેલે જણાવ્યું હતું કે ગુજરાતમાં ખેતીવાડી ક્ષેત્રે ખેડૂતોને ૧. ૪૦ લાખ વીજ કનેકશન આપવાની કામગીરી પુરજોશમાં આગળ વધી રહી છે અને આ માટે રાજય સરકાર ૧૮૦૦ કરોડનો ખર્ચ કરવા જઈ રહી છે . એમ પણ કહ્યું હતું કે વીજ સબસીડી પાછળ રૂપિયા ૮ હજાર કરોડનો ખર્ચઙ્ગ સરકાર ઉઠાવે છે.

તેઓએ શહેરીજનોને સૌર ઉર્જા અપનાવવા અને સરકારશ્રીની સોલાર રૂફ ટોપ યોજનાનો લાભ લેવા અનુરોધ કર્યો હતો. ત્રણ મહિનામાં ૪૫ હજાર લોકોએ અરજી કરી છે અને હજુ વધુ લોકો આ યોજનાનો લાભ લઇ ત્રણ કિલો વોટ સુધીની સ્કીમમાં ૪૦ ટકા સબસીડી નો પણ લાભ લે તે માટે જનજાગૃતિ નું પણ આહવાન કર્યું હતું. વીજળીના સબ સ્ટેશન માટે પણ આગામી ત્રણ વર્ષ સુધીનું આયોજન થઈ ગયું છે અગાઉ ૪૨ વર્ષમાં માત્ર ૬૬૭ સબ સ્ટેશન બન્યા હતા અને ત્યાર પછીના સોળ વર્ષમા ૧૨૬૭ બન્યા છે તેમ પણ જણાવ્યું હતું.

અન્ન નાગરિક પુરવઠા મંત્રી જયેશભાઇ રાદડિયાએ સૌરભભાઇ પટેલને જેતપુરમાં આવકાર્યા હતા. તેઓએ જણાવ્યું હતું કે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વમાં સર્વાંગી વિકાસના કાર્યો તેજ ગતિથી થઈ રહ્યા છે. તેઓએ જેતપુર જામકંડોરણા વિસ્તારમાં તાજેતરમાં રોડ અને પુલના નવા કામો માટે રૂપિયા ૪૫ કરોડની મંજૂરી આપવામાં આવી છે તેની માહિતી આપી હતી .પાણી ના કામો માટે સમગ્ર સૌરાષ્ટ્રના અને ખાસ કરીને રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં થયેલા કામો અંગેની માહિતી આપી હતી.

મંત્રીશ્રીઓના હસ્તે જેતપુર વિસ્તારમાં રૂ.૨૦૪૫.૩૧ લાખ ના પરિપૂર્ણ થયેલ વિકાસ કામો જેમાં જેતપુર પંથકમાં પાણી પુરવઠા ડી લિંક નેટવર્ક રૂ. ૧૩૫૦.૧૧ લાખ અને ધારેશ્વર વિજ સબ સ્ટેશન ૬૪૯.૧૭ લાખના ખર્ચેનુંલોકાર્પણ અને રૂ.૧૦૦૧.૧૦ લાખ ના ખર્ચે નિર્માણ પામનાર પોલીસ આવાસ નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે પૂર્વ મંત્રી જશુબેન કોરાટ , અગ્રણી ભુપતભાઈ સોલંકી, દિનકરભાઈ ગુન્દારીયા, વિપુલભાઈ સંચાણીયા, કિશોરભાઈ શાહ, રમેશભાઈ જોગી, પ્રાંત અધિકારી રાજેશભાઈ આલ, રૂરલ એસપી બલરામ મીણા, ઉમેશભાઈ પાદરીયા સહિતના અગ્રણીઓ અને જેટકો ના અધિકારી ગાંધી, કોઠારી તેમજ પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ સહિત બહોળી સંખ્યામાં પ્રજાજનો ઉપસ્થિત રહ્યા હતા. પીજીવીસીએલના એમડી શ્વેતાબહેને સૌનું શાબ્દિક સ્વાગત કર્યું હતું આભારવિધિ જેટકોના અધિકારી ભટ્ટે કરી હતી.

(12:53 pm IST)