Gujarati News

Gujarati News

News of Tuesday, 21st January 2020

નળસરોવર, ઇંટોના ભઠ્ઠા, ખેતર, કન્સ્ટ્રકશન સાઇટ જેવા દુર્ગમ વિસ્તારોમાં પોલીયો રસીકરણ

વિરમગામ તાલુકામાં અમદાવાદ જીલ્લા તથા તાલુકા ટીમ દ્વારા ક્રોસ વેરીફિકેશન કરાયુ

વઢવાણ તા.૨૧:  વિરમગામ તાલુકામાં પલ્સ પોલીયો નાબુદી અભિયાન અંતર્ગત નવજાત શિશુ થી ૫ વર્ષ સુધીના બાળકોને બુથ પર પોલીયોની રસી પીવડાવવામાં આવી હતી. પરંતુ પ્રથમ દિવસે પોલીયો બુથ પર રસી પીવાથી વંચીત રહી ગયેલા બાળકોને આરોગ્ય વિભાગની વિવિધ ટીમો દ્વારા બીજા તથા ત્રીજા દિવસે  હાઉસ ટુ હાઉસ કામગીરી કરીને પોલીયોની રસી પીવડાવવામાં આવી રહી  છે.

  અમદાવાદ જીલ્લા પંચાયત આરોગ્ય વિભાગના અધીકારીઓ અને તાલુકા હેલ્થ ઓફિસ વિરમગામની ટીમ દ્વારા પોલીયોની હાઉસ ટુ હાઉસ કામગીરીનું ક્રોસ વેરીફીકેશન કરવામાં આવ્યુ હતુ. નળ સરોવર વિસ્તાર, ઇંટોના ભઠ્ઠાઓ, કન્સ્ટ્રકશન સાઇટ, ખેતરો જેવા અંતરીયાળ તથા દુર્ગમ વિસ્તારોમાં કુલ ૧૪ મોબાઇલ ટીમ દ્વારા બાળકોને પોલીયો વિરોધી રસી પીવડાવીને રક્ષીત કરવામાં આવ્યા હતા. નળસરોવર આવેલા પ્રવાસીઓના બાળકોને બોટમાં પોલીયો પીવડાવવામાં આવ્યો હતો અને નળસોરવરના બેટ પર પણ બાળકોને પોલીયોથી રક્ષીત કરાયા હતા.

  આ કામગીરીનું અમદાવાદ જીલ્લા રોગચાળો નિયંત્રણ અધિકારી ડો.ચિંતન દેસાઇ, તાલુકા હેલ્થ ઓફિસર ડૉ.વિરલ વાઘેલા, નીલકંઠ વાસુકિયા, ગૌરીબેન મકવાણા, જયેશ પાવરા, વિવિધ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસરો, અર્બન હેલ્થ ઓફિસર, આરબીએસકે મેડીકલ ઓફિસર, આયુષ મેડીકલ ઓફિસર, સુપરવાઇઝરો સહિત આરોગ્ય વિભાગના કર્મચારીઓ દ્વારા સુપરવીઝન કરવામાં આવી રહ્યુ છે.

   તાલુકા હેલ્થ ઓફિસર ડૉ.વિરલ વાઘેલાએ જણાવ્યુ હતુ કે, વિરમગામ તાલુકામાં પોલીયો અભિયાનના બીજા દિવસે હાઉસ ટુ હાઉસ કામગીરી કરવામાં આવી હતી અને પ્રથમ દિવસે પોલીયો બુથ પર પોલીયોની રસી ન પીધી હોય તેવા નવજાત શિશુ થી ૫ વર્ષના બાળકો શોધવામાં આવ્યા હતા અને આ બાળકોને આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ઘરે જઇને પોલીયોની રસી પીવડાવવામાં આવી હતી. રેલ્વે સ્ટેશન, બસ સ્ટેન્ડ, નેશનલ હાઇવે જેવા સ્થળો પર ટ્રાન્ઝીટ બુથ ઉભા કરીને મુસાફરી કરી રહેલા નવજાત શિશુ થી ૫ વર્ષના બાળકોને પોલીયોની રસી પીવડાવવામાં આવી હતી.

  વિરમગામ તાલુકા હેલ્થ ઓફિસની ટીમ, વિવિધ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર, આયુષ મેડિકલ ઓફિસર સહિત કુલ ૨૮ સુપરવાઇઝરો દ્વારા પોલીયો અભિયાનની કામગીરીનું સુપરવીઝન કરવામાં આવ્યુ હતુ.

(12:52 pm IST)