Gujarati News

Gujarati News

News of Tuesday, 21st January 2020

યોગા ટીચર કિથ સ્કવાયર્સે પૂ.જલારામબાપાના સદાવ્રતથી પ્રભાવિત થઇને બ્રિટનમાં અન્નક્ષેત્ર શરૂ કર્યું

વીરપુર,તા.૨૧:  બ્રિટનના વેલ્સ શહેરનો એક યુવાન છેલ્લા ૩૨ વર્ષથી જલારામધામ વીરપુર બાપાના દર્શને આવે છે અને પોતાના શહેરમાં પણ તેણે બાપાના નામનું અન્નક્ષેત્ર શરૂ કર્યું છે. આ યુવાન પણ અન્નક્ષેત્ર દ્વિ શતાબ્દી મહોત્સવની ઉજવણીમાં બ્રિટનથી અહીં આવી સ્વયમ સેવક તરીકે સેવા આપી રહ્યો છે. જયાં તે ભૂખ્યાને ભોજન કરાવે છે.

પૂજય જલારામ બાપાના સદાવ્રતની સુવાસ ફકત રાજય કે દેશ પુરતી સમિત ન રહીને સાત સમુદ્ર પાર વિદેશમાં પણ પહોંચી ગઈ છે. જેના ઉદાહરણરૂપે બ્રિટનના વેલ્સમાં રહેતો કિથ સ્કવાયર્સ નામનો એક યુવાન પોતાની પત્ની ઝોરનિત્વા સાથે અન્નક્ષેત્ર દ્વિ શતાબ્દી મહોત્સવની ઉજવણીમાં ભાગ લેવા આવ્યો છે. જે અંગે જગ્યાના સ્વયમ સેવક બ્રિજેશભાઈએ જણાવેલ કે, અમોને જાણ થઈ કે બ્રિટનથી કોઈ વિદેશી અહીં છેલ્લા ત્રીસેક વર્ષથી વર્ષે કે બે વર્ષે અહીં વીરપુર બાપાના દર્શનાર્થે આવે છે, અને રસોડામાં સ્વયંક સેવક તરીકે કામગીરી પણ કરે છે. પરંતુ અમારી પાસે તેનું સરનામું ન હતું. માટે તે જેના ઘરે ઉતરતા હતા તે ગોંડલના એક ભાઈનો સંપર્ક કરીને કિથને અન્નક્ષેત્ર દ્વિ શતાબ્દી મહોત્સવની આમંત્રણ પત્રિકા મોકલાવેલ ત્યાર બાદ તેમનો કંઈ જવાબ આવ્યો નહીં. પરંતુ કથાના બીજા દિવસે ધ્યાને આવ્યું કે જેને ખાસ આમંત્રણ આપ્યું છે તે કિથ પોતાની પત્ની સાથે યજમાનને પોતાની ઉપસ્થિતિની કોઈ પણ પ્રકારની જાણ કર્યા વગર ભાવિકો વચ્ચે બેસીને પૂજય મોરારીબાપુની કથા સાંભળે છે. એટલે તેમને ખાસ આગ્રહ કરીને આગણ બેસાડ્યા અને તેઓને કથામાં આરતીનો પણ લાભ આપ્યો. અને મોરારીબાપુએ કથા દરમીયાન જલારામ બાપાના અનન્ય ભગત કિથનું વર્ણન પણ કરેલ.કિથ પોતે પૂજય મોરારીબાપુની રામ કથા દરમિયાન સાંભળતા સાંભળતા રામાયણ પણ સાથે જ રાખે છે.

કિથ પોતે યોગા ટીચર છે અને જલારામ બાપાના સદાવ્રતથી પ્રભાવિત થઈ પોતે પોતાના શહેર વેલ્સમાં જલારામ બાપાનો રોટલો નામથી અન્નક્ષેત્ર શરૂ કર્યું છે અને તેમાં રોજ ભુખ્યાને કઢી-ખીચડીનો પ્રસાદ ખવડાવે છે, અને પોતે વેજિટેરિયાન ફૂડ નામથી એક પુસ્તક પણ લખ્યું છે.

(11:36 am IST)