Gujarati News

Gujarati News

News of Tuesday, 21st January 2020

વરતેજમાં પરિણિતાને આપઘાત માટે મજબુર કરવા અંગે પતિ અને કૌટુંબિક ભાભીને પાંચ વર્ષની સજા

સાસુ-સસરાનો નિર્દોષ છૂટકારો : ભાવનગર સેસન્સ કોર્ટનો ચૂકાદો

ભાવનગર, તા. ર૧ : બે વર્ષ પૂર્વે વરતેજના સવગુણ વિસ્તારમાં રહેતી પરણિતાને મરી જવા મજબુર કરનાર કૌટુંબિક ભાભી કમ પ્રેમિકા તથા પતિ સામે કેસ સાબીત થતાં ભાવનગરના ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ જજ શુભદાબેન બક્ષીએ સરકારી વકીલ વિપુલભાઇ દેવમુરારીની દલીલો, આધાર, પુરાવા, સાક્ષીઓ ધ્યાને લઇ બંન્ને આરોપીઓને પાંચ વર્ષની કેદની સજા અને રોકડા રૂ. પ હજારનો દંડ ફટકાર્યો હતો. જયારે આ કેસમાં સાસુ અને સસરાને નિર્દોષ છોડી મૂકવા અદાલતે હુકમ કર્યો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ આ કામના ફરીયાદી લલિતાબેન વિજયભાઇ મકવાણા રહે. સવગુણનગર વરતેજ ખાતે પોતાના પતિ સાથે રહે છે અને ઘરકામ કરે છે અને તેઓની બાજુમાં તેમના મોટા સસરા મગનભાઇ તેના પરિવાર સાથે રહે છે તેમના સાસુ સસરા ભાવનગર કુંભારવાડા મુકામે રહે છે. ફરીયાદીના લગ્ન તા.રર-૧૧-ર૦૧૦ના રોજ થયેલ લગ્ન જીવન દરમ્યાન તેમને એક ૭ વર્ષનું બાળક થયેલ તેમનું પિયર ભાવનગરના કુંભારવાડા વિસ્તારમાં રહેતા મોહનભાઇ હિરાભાઇ કંટારીયાના ઘરે છે. ગત તા. રર-૧૦-ર૦૧૮ના રોજ સાંજના સુમારે ફરીયાદી તેમના ઘરે હાજર હતાં અને તેમના પતિ પણ ઘરે હાજર હતાં ફરીયાદી તેના ઘરની બાજુમાં રહેતા તેમના મોટા સસરા મગનભાઇના દિકરા મહેશભાઇના પત્નિ જયોતિબેન તથા ફરીયાદીના સાસુ રેખાબેન તથા સસરા દેવજીભાઇ અને ફરીયાદીના પતિ ચારેય જણા ફરીયાદીને અવાર નવાર ફરીયાદીની નાની બહેન અનિતાનું તેમના સગા દેર સાથે લગ્ન કરેલ હોય ત્યારથી માનસિક અને શારીરીક ત્રાસ આપતા હોય જે વિચારો ફરીયાદીને આવતા અને જયારે ફરીયાદીના પતિ ઘરે આવતા ત્યારે તેમની બાજુમાં રહેતા તેમના કૌટુંબિક જેઠાણી જયોતીબેન તેમની સાથે ઠઠા મશ્કરી કરતા હોય આ બનાવને લઇને તેમના પતિ બનાવના દિવસે નોકરીયેથી ઘરે આવ્યે ત્યારે આવું જ બનેલું જે તેમના પત્નિ મરણજનાર લલિતાબેન જોઇ જતાં તેમને લાગી આવતા તેણીએ પોતાની જાતે શરીર ઉપર કેરોસીન છાંટી અગ્નિસ્નાન કરી લીધેલ. મરણજનાર લલિતાબેન એજ તેણીના પતિ, સાસુ, સસરા અને કૌટુંબિક જેઠાણી જયોતીબેન સામે પોલીસ ફરીયાદ નોંધાવતા પોલીસે ઇપીકો કલમ ૪૯૮(ક), ૩૦૬,પ૦૪,૧૧૪ મુજબનો ગુનો નોંધીયો હતો.

આ અંગેનો કેસ ભાવનગરના ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ જજ શુભદાબેન બક્ષીએ સરકારી વકીલ વિપુલભાઇ દેવમુરારીની ધારદાર દલીલો, આધાર, પુરાવા, સાક્ષીઓ ધ્યાને લઇ આરોપી (૧) વિજય ઉર્ફે વિપુલભાઇ દેવજીભાઇ મકવાણા (ઉ.વ.ર૯, રહે. સવગુણનગર, વરતેજ), (ર) જયોતિબેન વા/ઓ. મહેશભાઇ મકવાણા (ઉ.વ.૩ર રહે. સવગુણનગર, વરતેજ), બંન્ને આરોપીઓ સામે ઇપીકો કલમ ૩૦૬ મુજબનો ગુનો સાબીત થતાં બંન્નેને પાંચ વર્ષની કેદની સજા અને રોકડા રૂ.પ હજાર દંડ ફટકાર્યો હતો. જયારે આ કેસમાં સાસુ અને સસરાને નિર્દોષ છોડી મૂકવા અદાલતે હકુમ કર્યો હતો.

(11:35 am IST)