Gujarati News

Gujarati News

News of Tuesday, 21st January 2020

કાલાવાડ ખેતી બેંકની લોનની ચુકવણીના ચેક રિટર્ન કેસમાં આરોપીનો નિર્દોષ છુટકારો

રાજકોટ તા. ૨૧ : કાલાવડ ખેતી બેંક લોનની ચુકવણી પેટે આપેલ રૂપિયા સાડાપાંચ લાખના ચેક રિટર્ન કેસમાં આરોપીનો નિર્દોષ છૂટકારો કોર્ટે ફરમાવેલ હતો.

આ કેસની વિગત એવી છે કે, કાલાવડના ખેતી બેંક શાખાએ બામણગામના રહીશ બોઘાભાઇ મનજીભાઇ ગીણોયાને જમીન સુધારણા માટે રૂપિયા ૩,૬૩,૦૦૦ની લોન આપેલ જે લોનની ચુકવણી પેટે આરોપીએ ફરીયાદી બેંકને રૂપિયા ૫,૫૫,૯૯૭ પુરાનો ચેક આપેલ જે ચેક વણચુકવ્યો પરત ફરતા બેંક દ્વારા કાનૂની નોટીસ આપેલ તેમ છતાં રકમ નહીં ભરતા આરોપી વિરૂધ્ધ અદાલતમાં બેંક દ્વારા ફરીયાદ દાખલ કરેલ.

આ કેસમાં ફરીયાદીનો પુરાવો તેમજ આરોપી બોઘા મનજીભાઇ તરફથી વકીલ શ્રી દિપકભાઇ પંડયા દ્વારા લેવાયેલ બચાવ તથા કાનૂની દલીલ સાથે રજૂ રાખેલ. ઉચ્ચ અદાલતોના ચુકાદાઓને ધ્યાને લઇ આરોપી સામેનો કેસ નિશંકપણે સાબિત કરવામાં ફરીયાદી બેંક નિષ્ફળ નીવડેલ હોવાનું તેમજ લોનનો વ્યવહાર અને બેંક મેનેજરની કાર્યવાહી જોતા લોનની ચુકવણી થયાનું સાબિત થતું નથી તેવું તારણ આપેલ ચેક લોનની રકમના ચુકવણા પેટે આપવામાં આવેલ હોવાનું પુરવાર થતું નથી તેમ ઠરાવી એડી. ચીફ જયુ. મેજી. જામનગર શ્રી બી.કે.જાદવ મેડમે આરોપીને શંકાનો લાભ આપી નિર્દોષ ઠરાવી છોડી મુકેલ છે.

ઉપરોકત કેસમાં આરોપી તરફથી કાલાવડના વકીલ દિપકભાઇ પંડયા તથા ભાવેશભાઇ પંડયા રોકાયેલ હતા.

(11:33 am IST)