Gujarati News

Gujarati News

News of Monday, 21st January 2019

શરાબની મહેફિલ : કુંકાવાવ ભાજપના મહામંત્રી ઝડપાયા

અમેરલી પંથક સહિત ભાજપ વર્તુળમાં ખળભળાટ : કુંકાવાવ ભાજપના મહામંત્રી ગોપાલ અટારા, બેંક મેનેજર રીકેશ હસમુખ સોલંકી સહિત છ જણાં રંગેહાથ ઝડપાયા

અમદાવાદ,તા.૨૧ : અમરેલી જિલ્લાના વડીયા કુંકાવાવમાં ભાજપના મહામંત્રી ગોપાલ અટારા દારૂની મહેફિલ માણતા રંગે હાથ ઝડપાઈ જતાં સ્થાનિક રાજકારણમાં ભારે ચકચાર મચી ગઇ હતી. ખાસ કરીને ભાજપના વર્તુળમાં ભારે ખળભળાટ મચી ગયો હતો. આ ઘટનાને લઇ પ્રદેશ કક્ષાએ પણ ગંભીર નોંધ લેવાઇ હતી. કુંકાવાવ ભાજપના મહામંત્રીની આ હરકતને પગલે ભાજપના સ્થાનિક સંગઠન અને નેતાઓને નીચાજોણું થયું હતું.

    આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, પોલીસે બાતમીના આધારે જેતલસર રલેવે અને વડીયામાં રેડ પાડી હતી. જે દરમિયાન ભાજપના મહામંત્રી ગોપાલ અટારા અને બેન્ક મેનેજર સહિત ૬ લોકોને દારૂની મહેફિલ માણતા પોલીસે રંગેહાથ ઝડપી પાડ્યા હતાં. હાલ પોલીસે તમામ લોકોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જો કે, પોલીસના દરોડા દરમ્યાન ભાજપના મહામંત્રી ગોપાલ અટારા, બેંક મેનેજર રીકેશ હસમુખ સોલંકી સહિતના મોટા માથાઓના નામ સામે આવતાં સમગ્ર અમરેલી પંથક સહિત ભાજપના વર્તુળમાં ભારે ખળભળાટ મચી ગયો હતો. આ સમગ્ર ઘટનાને લઇ પ્રદેશ ભાજપમાં પણ તેની ગંભીર નોંધ લેવાઇ હતી. કુંકાવાવ ભાજપના મહામંત્રીની દારૂની મહેફિલને લઇ સ્થાનિક રાજકારણ ગરમાયુ હતું, ખાસ કરીને ભાજપના પ્રદેશ આગેવાનો અને સ્થાનિક નેતાઓને આજની ઘટનાને લઇ નીચાજોણું થયું હતું.

ઝડપાયેલા લોકો........

૧. ગોપાલ ભાખાભાઈ અટારા (મહામંત્રી)

૨. રીકેશભાઈ હસમુખભાઈ સોલંકી (બેંક મેનેજર)

૩. ભરતભાઈ જીવરાજભાઈ મોતવાડીયા

૪. ભીખુભાઈ પોપટભાઈ વસાણી

૫. રજનીશભાઈ નાનજીભાઈ વસાણી

૬. વસંતભાઈ બચુભાઈ સોરઠીયા

(8:31 pm IST)