Gujarati News

Gujarati News

News of Monday, 21st January 2019

સુરેન્દ્રનગરના સાહિત્ય મેળામાં વિરલ વ્યકિતઓના પરિચય પુસ્તકનું થશે વિમોચન

૨૬-૨૭ જાન્યુઆરીએ યોજાનાર ભાનુભાઇ શુકલની ૧૦૦મી જન્મજયંતિ પ્રસંગે 'જે હવે નથી ઝાલાવાડના ઘરદિવડા' પ્રકાશિત થશે

વઢવાણ તા.૨૧ : સુરેન્દ્રનગરમાં ૨૬ અને ૨૭ જાન્યુઆરીએ થનારા સાહિત્ય મેળાના પ્રસંગે એક એવુ પુસ્તક પ્રકાશિત કરવાની જાહેરાત સાહિત્ય મેળાના આયોજકોએ કરી હતી. જેમાં સુરેન્દ્રનગર અને વઢવાણના ૧૯ અને ૨૦મી સદીના વિરલ વ્યકિતઓની તસ્વીર અને ટુંકો પરિચય આવશે.

પુસ્તકનું નામ 'જે હવે નથી ઝાલાવાડના ઘરદિવડા' એવુ હશે અને તેમા છેલ્લા બસ્સો વર્ષમાં આપણા વિસ્તારમાં જન્મેલ અને હવે જે નથી તેની નોંધપાત્ર વ્યકિતનને એક એક પાનુ ફાળવવામાં આવશે તેમાં પોણા પાના પર તે વિરલ વ્યકિતનો ફોટો અને બાકીના ભાગમાં ટુંકમાં પરિચય જેમ કે જન્મ - મરણ તારીખ, અભ્યાસ, જૂનુ સરનામુ, વ્યવસાય, જીલ્લાની સંસ્કૃતિમાં તેમનું પ્રદાન, માતા-પિતા અને બાળકોના નામ આવશે.

પત્રકાર ભાનુભાઇ અને માતા સુશીલાબેનને ત્યા વઢવાણમાં જન્મેલા અને અમેરિકાના જાણીતા ઉદ્યોગપતિ અને વાર્તાકાર રાહુલ શુકલએ જણાવ્યુ કે મે નાનપણમાં વઢવાણના અસાધારણ વ્યકિતઓને જાણ્યા હતા. તો મારી પહેલાની પેઢીમાં પણ આવા જ પાણીદાર લોકો હશે. તો એ બધા પર પુસ્તક બનાવવાનો વિચાર મને અચાનક જ સુઝયો અને ચાર અઠવાડીયામાં તો પ્રોજેકટ તે એક વાસ્તવિકતા બની જશે.

આ પ્રોજેકટનો ખર્ચ રાહુલ ભાનુભાઇ શુકલ ફાઉન્ડેશન તરફથી આપવામાં આવશે અને ૨૦૦ પ્રત સાહિત્ય સંમેલનમાં શ્રોતાઓને વિનામુલ્યે આપવામાં આવશે. ફાઉન્ડેશન વતી એક નિવેદનમાં એસ.એસ.વ્હાઇટ કંપનીના એડમીનીસ્ટ્રેશન મેનેજર અહેમદ પઠાણે જણાવ્યુ હતુ કે, પુસ્તકમાં લગભગ ૨૦૦ વ્યકિતનો સમાવેશ થશે અને તે અંગેની સલાહકાર સમિતિમાં આપણા શહેરના અગ્રગણ્ય નાગરિકો સર્વ શ્રી જગદીશ ત્રિવેદી, ભુપેન્દ્રભાઇ દવે, રમેશભાઇ આચાર્ય, જયશ્રીબેન દેસાઇ, વિક્રમ દવે, ડો.અશ્વિન ગઢવી અને માધવી શાહે સેવા આપવા હા કહી છે.

આપણા જીલ્લામાં ઘણી અદભૂત વ્યકિતઓ જન્મી છે અને આજની પેઢીને એ જૂની પેઢીના ધુરંધરોનો પરિચય થાય તે એક સુંદર કામ આપણા જીલ્લા માટે થશે એવુ ઝાલાવાડ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ માધવી શાહે કહ્યુ હતુ.

પુસ્તકમાં સમાવેશ થશે તેમના માત્ર અમુક જ નામ આ પ્રમાણે છે. ત્રમ્બકભાઇ દવે, ચંદુલાલ સુખલાલ, અમૃતલાલ આઝાદ, અનોપચંદ શાહ, પ્રાણજીવન આચાર્ય, અરવિંદભા આચાર્ય, વજુભાઇ મહેતા, અરૂણાબેન દેસાઇ, ડો.પી.એન.ખારોડ, દેવશંકર મહેતા, દલપતરામ કવિ, ભોગીભાઇ પરીખ, ઉષાબેન દવે, હિંમતસિંહ રાઠોડ, શાંતાબેન ચુડગર, ભાનુભાઇ શુકલ, દીપચંદ ગાર્ડી, છોટાલાલ જમનાદાસ શાહ અને બીજા અનેક વિરલ વ્યકિતઓ.

હજુ સુધી કુલ ૧૧૦ નામ યાદીમાં મુકાયા છે અને વધુ નામોના સુચનની જનતા પાસેથી માંગણી કરી છે.

પહેલા ૧૧૦ નામની યાદી જોઇને ડો.જગદીશ ત્રિવેદીએ કહયુ કે માત્ર આટલા લોકો વિશે જ માહિતી આવી જાય તો પણ પુસ્તક ચિરંજીવી બની જશે. ઝાલાવાડ વિશે ન ભૂતો ન ભવિષ્યતિ જેવુ મુલ્યવાન પુસ્તક બની જશે.

વ્હાઇટ કંપનીના મેદાનમાં ૨૬ અને ૨૭ જાન્યુઆરી ૨૦૧૯ના યોજવાનો છે જેમાં ગુજરાતના નામાંકિત સાહિત્યકારોનો સાહિત્ય મેળો અને પુસ્તકમેળો યોજવાના છે.

સ્વ.ભાનુભાઇ તે સંવેદનશીલ સાહિત્યકાર, સમાજસેવી વ્યકિત અને સમય સાપ્તાહિકના સ્થાપક હતા અને માત્ર ઝાલાવાડમાં જ નહિ પણ ગુજરાતમાં વિખ્યાત હતા. એમની કલમમાંથી નિર્બળ અને નિર્ધનની વેદનાઓ કાયમ આંસુ બનીને ટપકતી. ભાનુભાઇ ૧૯૫૦થી સમય સાપ્તાહિક ચલાવતા હતા અને તેમની ૯૪ વર્ષની ઉંમરે ૨૦૧૩માં છેલ્લા શ્વાસ સુધી એમને જાતે જ લેખો લખ્યા, તસ્વીરો પાડી અને દર અઠવાડીયે ૨૪ પાનાના અખબારનું સંપાદન કર્યુ હતુ.(૪૫.૩)

(12:01 pm IST)