Gujarati News

Gujarati News

News of Monday, 21st January 2019

ગુરૂવારે બગદાણામાં પૂ.બજરંગદાસબાપાની પુણ્યતિથી ઉજવાશે

ભાવનગર-કુંઢેલી તા.૨૧: સુપ્રસિધ્ધ તિર્થસ્થળ શ્રી ગુરૂઆશ્રમ બગદાણા (તા.મહુવા,જિ.ભાવનગર) ખાતે સંત પૂ.બજરંગદાસબાપાની ૪૨મો પૂણ્યતિથિ મહોત્સવ ધામધૂમ પૂર્વક ઉજવાશે. આગામી તા.૨૪ને ગુરૂવારે ભકિતમય માહોલ વચ્ચે હજારો દર્શનાર્થીઓની સામેલગીરી સાથે આ મહોત્સવની ઉજવણી કરવામાં આવશે.

આ વર્ષના પૂણ્યતિથિ મહોત્સવના ઘોષિત થયેલા કાર્યક્રમો મુજબ વહેલી સવારના પ થી ૫-૩૦ કલાક સુધીમાં મંગલા આરતી થશે. ધ્વજાજીના પૂજ્ય વિધિ સવારના ૭-૩૦ થી ૮-૧૫ કલાક સુધી જયારે ધ્વજા રોહણ સવારના ૮-૧૫ થી ૮-૩૦ કલાક સુધીમાં યોજાશે. તેમજ મહિમાપૂર્ણ ગુરૂપૂજન સવારના ૮-૩૦ થી ૯-૩૦ કલાક દરમિયાન થશે. ઉપરાંત પ્રતિવર્ષ આ મહોત્સવ વેળાએ યોજાતી પૂ.બાપાની નગર યાત્રાનું ગુરૂઆશ્રમ ખાતેથી સવારના ૯-૩૦ કલાકે પ્રસ્થાન થશે. જે નગરયાત્રા બગદાણા ગામમાં ફરશે બાદમાં મહાપ્રસાદ વિતરણ સવારના ૧૦ કલાકથી અવિરત શરૂ રહેશે.

પ્રસાદવિતરણ વ્યવસ્થા માટે ગોપાલગ્રામ ખાતે ભાઇઓ માટે તથા આશ્રમ પરિસર નજીકના નવા રસોડા વિભાગ ખાતે બહેનો માટે અલગ-અલગ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. અહીં બન્ને ભોજન શાળા ખાતે પરંપરાગત રીતે સૌને પંગતમાં બેસીને પ્રસાદ વિતરણ થશે.

આ ૪૨મી પૂણ્યતિથિ મહોત્સવમાં બગદાણા ધામ ખાતે મોટી સંખ્યામાં ભાવિકો-યાત્રાળુજનો પધારવાના હોય ગુરૂઆશ્રમ ખાતે તમામ આગોતરી વ્યવસ્થાઓને આખરીઓપ અપાય રહ્યો છે અહીં અલગ અલગ વિભાગોમાં સ્વયંસેવકોને સેવા કામગીરી સોપવામાં આવી છે. તમામ વિભાગોમાં ગુરૂઆશ્રમના ખાસ સ્વયંસેવકો બહેનો અને ભાઇઓ સેવા પૂરી પાડશે.

આ ઉપરાંત આ દિવસની ખાસ વ્યવસ્થાઓ અને આગોતરા આયોજનના ભાગ રૂપે ગત તા.૧૫ને મંગળવારે ગુરૂઆશ્રમ ખાતે અલગ અલગ સરકારી વિભાગો અને તેના અધિકારીશ્રીઓ સાથે ગુરૂ આશ્રમના ટ્રસ્ટી મંડળ સાથે કાર્ય સંકલન માટે બેઠક યોજાઇ હતી.

અત્રે બગદાણા ધામે પહોચવા માટે એસ.ટી.બસ વિભાગ દ્વારા તમામ-મહુવા-પાલીતાણા-ભાવનગર ડેપો ખાતેથી ખાસ બસો દોડાવવાની વ્યવસ્થા પણ થઇ હોવાનું જાણવા મળેલ છે.

આજે ગુરૂઆશ્રમ ખાતે બાપાની પૂણ્યતિથિ મહોત્સવની ભાવ અને શ્રધ્ધાભેટ ઉજવણી કરવાનો ધમધમાટ જોવા મળયો હતો. સૌ કાર્યક્રમો-સ્વયંસેવક સહિતના પૂર્વ તૈયારીઓ અને આયોજનમાં જોડાયા છે. ગુરૂઆશ્રમ પરિસરના તમામ દેવાલયો વીજળીની રોશની થી શણગારવામાં આવી રહ્યા છે. તેમજ બાપાના ગાદી મંદિરને વિવિધ ફુલો વડે સજાવવામાં આવશે.

અત્રેએ ઉલ્લેખનિય છે કે ચાર દાયકા પહેલા અલગારી સંત પૂ.બજરંગદાસબાપા બગદાણાના ગુરૂઆશ્રમ ખાતે તા.૯-૧-૧૯૭૭ને રવિવારના વહેલી સવારે બ્રહ્મલીન થયા હતા. આ દિવસ વિક્રમ સંવત મુજબ પોષ માસની વદ ચોથની તિથિ હતી. એ મુજબ પૂ.બાપાની આ ૪૨મી પૂણ્યતિથી છે.(૭.૭)

(11:51 am IST)